ડાહરેનડોર્ફ, રાલ્ફ (જ. 1 મે, 1929, હેમ્બર્ગ, જર્મની; અ. 17 જૂન 2009, કોલોજન, જર્મની) : જાણીતા જર્મન સમાજશાસ્ત્રી. કિશોરાવસ્થા દરમિયાન રાલ્ફે રાજકારણમાં પગરણ માંડ્યાં હતાં. નાઝીઓના રાજકીય વિરોધી હોવાને નાતે કિશોર ડાહરેનડોર્ફને કૉન્સેન્ટ્રેશન કૅમ્પમાં મોકલી દેવાયા હતા. રાજકારણની આવી તાલીમ તેઓને સમગ્ર કારકિર્દી દરમિયાન ઉપયોગી બની.
પાછળથી પશ્ચિમ જર્મનીની ધારાસભા તેમજ પ્રાદેશિક ધારાસભામાં સ્વતંત્ર લોકશાહી સભ્ય તરીકે તેમણે સક્રિય ભૂમિકા અદા કરી. યુરોપિયન સમુદાયોના કમિશનના સભ્યપદે રહીને તેમણે વિદેશ, શિક્ષણ, વિજ્ઞાન અને સંશોધનનાં ક્ષેત્રોમાં જવાબદારી નિભાવી હતી. જર્મનીની ત્રણ યુનિવર્સિટીઓ કોન્સ્ટેન્સ, ટુબિનગેન અને હેમ્બર્ગમાં તેમનું મોટાભાગનું અધ્યાપનસંશોધન કાર્ય આરંભાયું અને વિકસ્યું. બ્રિટન અને અમેરિકાના વસવાટ દરમિયાન પણ તેમનું સમાજચિંતન પ્રભાવી બની રહ્યું. લંડન સ્કૂલ ઑવ્ ઇકૉનૉમિક્સનું પ્રતિષ્ઠિત નિયામકપદ પણ તેમણે શોભાવ્યું હતું.
મુખ્યત્વે કાર્લ માકર્ર્સ તેમજ અન્ય વિચારકોના સામાજિક આર્થિક વિશ્લેષણથી પ્રેરિત સમાજશાસ્ત્રની સંઘર્ષવાદી વિચારશાખાના કેટલાક અગ્રગણ્ય સમાજશાસ્ત્રીઓમાં ડાહરેનડોર્ફનો સમાવેશ થાય છે. તેઓ ‘વિશ્લેષણાત્મક’ સંઘર્ષવાદી ચિંતકોમાંના એક છે; કારણ કે આ ચિંતનપ્રણાલીના ચાહકો માને છે કે વસ્તુલક્ષી વૈજ્ઞાનિક સમાજશાસ્ત્રના વિકાસ માટે સંઘર્ષનો અભિગમ કેન્દ્રસ્થાને છે. સમાજમાં પ્રવર્તમાન પરસ્પરવિરોધી અને સંઘર્ષમય હિતો સભ્યોના વર્તનવ્યવહારોમાં પ્રતિબિંબિત થાય છે. આ વર્તણૂકોનો અભ્યાસ સમાજશાસ્ત્રનો મહત્વનો ઉપક્રમ છે અવું ડાહરેનડોર્ફનું માનવું છે. કાર્લ માર્કસના વિચારોથી પ્રભાવિત ડાહરેનફોર્ડ મૅક્સ વેબરના અભિગમનો પણ પોતાના વિશ્લેષણમાં ઉપયોગ કરે છે.
ડાહરેનડોર્ફની સમાજ અંગેની સૈદ્ધાંતિક રજૂઆતમાં ‘સત્તા’ (power) કેન્દ્રસ્થાને છે. સત્તાની વહેંચણી સામાજિક માળખાનું નિર્ણાયક પરિબળ છે. ‘સત્તા’ની વિભાવનાને સ્પષ્ટ કરતાં તેઓ દર્શાવે છે કે સત્તાધારી હિતો કોઈ પણ રીતે સત્તાનો અમલ કરી પોતાનાં હિતોને સાચવે છે જ્યારે સત્તાવિહીનો તેનો વિરોધ કરે છે. સત્તા અને સંઘર્ષના સંબંધને સમજાવતાં તેઓ જણાવે છે કે સત્તા સંઘર્ષનો ચિરંજીવ સ્રોત છે અને સંઘર્ષ માનવઇતિહાસનું સર્જનાત્મક પરિબળ છે.
સામાજિક ધોરણો સામાજિક સંમતિમાંથી ઉદભવતાં નથી એવી દલીલ કરી ડાહરેનડોર્ફ સ્પષ્ટ કહે છે કે ધોરણો સત્તા દ્વારા સ્થપાય છે અને જળવાય છે. વળી ધોરણોનું સત્વ સત્તાધારીઓનાં હિતો દ્વારા વ્યાખ્યાબદ્ધ થાય છે. સ્થાપિત ધોરણો એ સત્તાધારી ધોરણોથી વિશેષ કંઈ નથી એવું તેમનું તારતમ્ય છે.
ઔદ્યોગિક સમાજોમાં વર્ગ અને વર્ગસંઘર્ષ અંગેની ડાહરેનડોર્ફની રજૂઆત સમાજશાસ્ત્રમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે. તેમના મતે અન્ય ઉપર અધિકાર ધરાવવાની બાબતમાં જે સમૂહો વચ્ચે ભિન્નતા છે ત્યાં સ્પષ્ટ રીતે પરસ્પર સંઘર્ષ જોવા મળે છે. સામાજિક ભૂમિકા અથવા સ્થાન સાથે જોડાયેલ સત્તા એટલે અધિકાર. અધિકારની અસમાન વહેંચણી દ્વારા ઉદભવેલા સંઘર્ષસમૂહોને ડાહરેનડોર્ફ ‘વર્ગ’ તરીકે ઓળખાવે છે. અધિકાર હોય અથવા તો ના હોય એવા અધિકારના દ્વિભાજનક્ષમ (dichotomous) લક્ષણને નિરૂપી તેઓ માર્કસની રજૂઆત દોહરાવે છે કે સંઘર્ષમાં બે અને માત્ર બે જ પક્ષો હોય છે અને અધિકાર આ બંને વચ્ચેની ભેદરેખા છે.
ગૌરાંગ જાની