ડાલ્ટનનો પરમાણુ સિદ્ધાંત : અંગ્રેજ રસાયણવિદ જ્હૉન ડાલ્ટને 1803માં એક સાર્વજનિક વ્યાખ્યાનમાં અને 1808માં ‘એ ન્યૂ સિસ્ટિમ ઑવ્ કેમિકલ ફિલૉસૉફી’માં દ્રવ્યના બંધારણ અંગે રજૂ કરેલો સિદ્ધાંત. તેના અભિગૃહીતો (postulates) નીચે પ્રમાણે છે : પ્રત્યેક તત્વ પરમાણુ (atom) તરીકે ઓળખાતા અત્યંત નાના, અવિભાજ્ય કણોનું બનેલું હોય છે. એક જ તત્વના પરમાણુઓનાં વજન, આકાર અને કદ એકસરખાં હોય છે પણ ભિન્ન ભિન્ન તત્વોના પરમાણુઓ વિભિન્ન પ્રકારના હોય છે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પરમાણુઓની પુનર્ગોઠવણી થાય છે પણ તેમનું (પરમાણુઓનું) સર્જન કે તેમનો નાશ થઈ શકતો નથી.
તત્વોમાંથી સંયોજન બને ત્યારે સંયોજનનાં તત્વોના પરમાણુઓ નિશ્ચિત (fixed) નાની સંખ્યામાં, સાદા ગુણોત્તરમાં જોડાઈ ‘સંયુક્ત પરમાણુઓ (compound atoms)’ (અણુઓ (moleculs) ઉત્પન્ન કરે છે.
ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતના આધારે રાસાયણિક સંયોજનના ‘નિશ્ચિત પ્રમાણ’ અને ‘પરસ્પર પ્રમાણ’ના નિયમો સમજાવી શકાય. સમસ્થાનિકોની શોધ પછી ડાલ્ટનના પરમાણુ સિદ્ધાંતમાં ફેરફાર થયેલો છે.
પ્રવીણસાગર સત્યપંથી