ડાયાબેઝ : મુખ્યત્વે લેબ્રેડોરાઇટ (પ્લેજિયોક્લેઝ) અને પાયરૉક્સીનથી બનેલો તેમજ ઑફિટિક કણરચના ધરાવતો બેસાલ્ટસમ બંધારણવાળો ખડક. ઑલિવીનનું ઠીક ઠીક પ્રમાણ ધરાવતા આવા ખડકો ઑલિવીન ડાયાબેઝ તરીકે ઓળખાય છે. બ્રિટનમાં ઑફિટિક કણરચનાવાળા, બેસાલ્ટ-બંધારણવાળા ખડક માટે આ પર્યાય ઉપયોગમાં લેવાય છે, પરંતુ ખાસ કરીને તો તે પરિવર્તન પામેલા ડોલેરાઇટ માટે જ મર્યાદિત રહે છે.
આ શબ્દ જુદા જુદા દેશોમાં જુદી જુદી અનેક રીતે અર્થઘટન પામેલો છે અને તેથી તેની અર્થસમજ અને ઉપયોગિતા માટે ભૂસ્તરશાસ્ત્રમાં ગૂંચવણ પ્રવર્તે છે. બ્રિટનમાં નિમ્ન કક્ષાની વિકૃતિ પામેલા મધ્યમ દાણાદાર બેઝિક અગ્નિકૃત ખડકો કે જેમાં પાયરૉક્સીનનું એમ્ફિબોલમાં પરિવર્તન થયેલું હોય એવા અર્થમાં અગાઉના વખતમાં આ શબ્દ ઉપયોગમાં લેવાતો હતો. ‘ડોલેરાઇટ’ શબ્દ આખાયે યુરોપમાં ખાસ કરીને તો પ્રિ-ટર્શિયરી સમયના મધ્યમ દાણાદાર બેઝિક અગ્નિકૃત ખડક માટે પહેલાં વપરાતો હતો, જે પછીથી પણ તેને સમકક્ષ ટર્શિયરી અને અર્વાચીન સમયના એવા જ ખડક માટે પણ વપરાતો રહ્યો. યુ.એસ.માં આ પર્યાય બ્રિટિશ અર્થને અનુસરીને પરંતુ વયમર્યાદાને લક્ષમાં ન રાખીને એ જ રીતે એવા જ ખડક માટે વપરાશમાં ચાલુ રહ્યો. હવે ખડકવિદોમાં એવો મત પ્રવર્તે છે કે તેની અર્થગૂંચવણ ટાળવા માટે આ પર્યાયનો ઉપયોગ જ ન કરવો.
ગિરીશભાઈ પંડ્યા