ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ

January, 2014

ડાયાનિસિયસ ઑવ્ હૅલિકાર્નેસસ (ઈ. સ. પૂ. પહેલી સદી) : ગ્રીક વિદ્વાન અને લેખક. તે ઈ. સ. પૂ. 30ની આસપાસ રોમમાં આવીને વસ્યા હતા. અહીં સાહિત્યિક વાગ્મિતાના શિક્ષક થયા અને રોમના સાહિત્યિક વર્તુળમાં સ્થાન પામ્યા. એમના આ સ્વીકારસ્વાગતના પ્રત્યુત્તર રૂપે એમણે રોમન પ્રજાની ઉત્પત્તિના સમયથી તે પ્રથમ પ્ચૂનિક યુદ્ધના સમય લગીનો રોમનો ઇતિહાસ 20 ગ્રંથોમાં  રચ્યો. એમાંથી આજે 11 ગ્રંથો અકબંધ અસ્તિત્વમાં છે, જ્યારે  બાકીના ગ્રંથો ખંડિત સ્વરૂપે છે.

આ ઇતિહાસલેખનના સમયગાળામાં જ એમણે સાહિત્યિક વિવેચન વિશે જે પત્રો અને નિબંધો લખ્યા હતા તે લેખક તરીકેની એમની મુખ્ય સિદ્ધિ છે. આ લખાણોમાં એમણે પ્લેટો તથા હેરોડોટસ, થ્યુસિડિડીઝ, ઝેનોફોન આદિ ઇતિહાસકારો તથા  લિસિઆસ, આઇસિયસ, ડેમોસ્થિનીઝ આદિ  વક્તાઓ વિશે વિેવેચન કર્યું છે. એમનાં પૂર્વકાલીન લખાણો પરંપરાગત છે પણ ઉત્તરકાલીન લખાણોમાં એમની મૌલિકતા પ્રગટ થાય છે. એમાં એમણે માત્ર શૈલીસ્વરૂપ જ નહિ, પણ વસ્તુવિષય અંગે પણ  મૌલિક વિવેચન કર્યું છે. એમણે તુલનાત્મક વિવેચનની પદ્ધતિ અપનાવીને એનો પણ વિકાસ કર્યો છે. સાદ્યંત અને સુવ્યવસ્થિત વિશ્લેષણ એમના વિવેચનની મુખ્ય સિદ્ધિ છે.

નિરંજન ભગત