ડાયપેરિડેમોલ : લોહી ગંઠાવાની ક્રિયાને તથા ગંઠાયેલા લોહીના ગઠ્ઠાને એક સ્થાનેથી બીજા સ્થાને નસ દ્વારા વહી જવાની પ્રક્રિયાને રોકતી દવા. તે લોહીની નસોને પહોળી કરે છે. વૅરિફેરિન સાથે અપાય ત્યારે હૃદયના કૃત્રિમ વાલ્વ પર ચોંટેલા લોહીના ગઠ્ઠાનું ગુલ્મ સ્થાનાંતરણ (embolism) ઘટાડે છે. આ માટે તે દવા એકલી વાપરવામાં આવે ત્યારે ઉપયોગી નથી. તેથી ઍસ્પિરિન એકલી વાપરવામાં આવે કે ડાયપેરિડેમોલ સાથે વાપરવામાં આવે તો તેની અસરમાં કોઈ વિશેષ તફાવત પડતો નથી. ડાયપેરિડેમોલ લોહીમાંના ગંઠકકોષો (platelets)માં એડિનોસાઇન 3´ 5´ મૉનોફૉસ્ફેટ(ચક્રીય AMP)નું પ્રમાણ વધારીને તેનું કાર્ય કરે છે. તે માટે વિવિધ પ્રવિધિઓ (mechanisms) સૂચવવામાં આવેલી છે. હાલ ડાયપેરિડેમોલ હૃદયમાં કૃત્રિમ વાલ્વ હોય તો તેનાથી થતી લોહી જામવાની કે લોહીના ગઠ્ઠાને લોહીમાં વહી જવાની પ્રક્રિયાને રોકવા માટે વપરાય છે. હૃદયની ધમની ગંઠાઈ ગયા પછી તે સ્થળે લોહી વહેતું રહે તે માટે સેફેનિયસ નામની શિરા વડે ક્યારેક ‘વિમાર્ગી પથ’ (આડ માર્ગે bypass) કરાય છે. આવા ‘બાયપાસ’માં લોહી જામી જતું રોકવા માટે ઍસ્પિરિન અને ડાયપેરિડેમોલ વપરાય છે.
શિલીન નં. શુક્લ
સંજીવ આનંદ