ડામ, કાર્લ પીટર હેનરિક

January, 2014

ડામ, કાર્લ પીટર હેનરિક (જ. 21 ફેબ્રુઆરી 1895, કૉપનહેગન; અ. એપ્રિલ 1975, કૉપનહેગન) : 1943માં વિટામિન ‘કે’ની શોધ માટે નોબેલ પુરસ્કાર મેળવનાર ડેનિશ વિજ્ઞાની, કૉપનહેગનની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાંથી 1920માં જૈવરસાયણવિજ્ઞાનમાં સ્નાતક બન્યા અને 1934માં તેમણે કૉપનહેગન યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની ઉપાધિ મેળવી. ત્યાં તેમણે પ્રેગ્લ અને કારર જેવા નોબેલ પુરસ્કાર-વિજેતાઓ સાથે કામ કર્યું. 1940માં તેઓ અમેરિકા ગયા અને મુખ્યત્વે રોચેસ્ટર યુનિવર્સિટી(ન્યૂયૉર્ક)માં કામ કર્યું.

ડામ, કાર્લ પીટર હેનરિક

પાછળથી તેમણે કૉપનહેગનની પૉલિટૅક્નિક ઇન્સ્ટિટ્યૂટમાં જૈવરસાયણવિજ્ઞાનના પ્રોફેસર તરીકે કામ કર્યું. તેમણે અને એડવર્ડ એડેલબર્ટે અલગ અલગ સંશોધનો કરીને વિટામિન ‘કે’ની શોધ કરી. મુખ્યત્વે મરઘામાં લોહી વહેવાના વિકાર પર સંશોધન કરીને વિટામિન ‘કે’ શોધ્યું.

શિલીન નં. શુક્લ