ડાઈ વેલ્ટ : જર્મનીનું અગ્રણી દૈનિક. તેનો પ્રારંભ એપ્રિલ, 1946માં એચ. બી. ગાર્લેન્ડ નામના બ્રિટિશ લશ્કરી અધિકારી – અને પછીથી જર્મન ભાષાના અધ્યાપક – દ્વારા થઈ હતી. હાન્સ ઝેહરર એના પ્રથમ તંત્રી હતા. એને લંડનના ‘ટાઇમ્સ’ની જર્મન આવૃત્તિ બનાવવાની એમની ઇચ્છા હતી. પ્રથમ અંક છ પાનાંનો હતો, જેમાં બે પાનાં જાહેરખબરનાં હતાં. પ્રારંભનાં વર્ષોમાં આ અખબાર પર બ્રિટિશ વર્ચસ રહ્યું. એક જ વર્ષમાં એનો ફેલાવો છ લાખ નકલે પહોંચી ગયો અને 1949માં દસ લાખે પહોંચ્યો. 1952–53માં અખબાર નાણાકીય કટોકટીમાં ફસાયું અને એક્સલ સ્પ્રિંગરે એને ખરીદી લીધું. ફરીથી 1956માં એ નફો કરતું બન્યું. હાન્સ ફરીથી એના તંત્રી બન્યા અને બિનપક્ષીય દૈનિકમાંથી એ રાજકીય બાબતોમાં હસ્તક્ષેપ કરતું દૈનિક બની ગયું. સ્પ્રિંગર ધીમે ધીમે જર્મનીના સૌથી પ્રભાવશાળી અખબાર-માલિક બની ગયા. અખબારનું વેચાણ વધારવાના કીમિયા માટે એ ખૂબ ખ્યાતિ પામ્યા. જર્મનીનું એકીકરણ એ સ્પ્રિંગર અને હાન્સ ઝેહરરનું સપનું હતું. એને માટે એમણે અખબારી ઝુંબેશ ચલાવી અને સક્રિય રાજદ્વારી પ્રયત્નો પણ કર્યા. 1963માં ઝેહરર બર્લિન ગયા અને અખબારનું સંચાલન યુવા-પત્રકારોના હાથમાં આવ્યું. 1980માં ફરીથી ફેલાવો વધ્યો. 1981માં સ્પ્રિંગરે 26 % શૅરનું વેચાણ જર્મનીનીં અગ્રણી પ્રકાશન સંસ્થા બર્ડા જૂથને કર્યું. ફરીથી એની નીતિઓ ઉદારમતવાદીમાંથી રૂઢિચુસ્ત બની ગઈ. આજે જર્મનીનાં સૌથી પ્રભાવશાળી દૈનિકોમાં એની ગણના થાય છે. ભારતની આઝાદી પ્રસંગે એણે અગ્રલેખમાં લખ્યું હતું, ‘‘ઇંગ્લૅન્ડે વિશ્વના સૌથી ધનિક પણ ઊથલપાથલવાળા અને તોફાની દેશનું સંચાલન સ્વૈચ્છિક રીતે છોડી દીધું છે અને એના મૈત્રીપૂર્ણ સલાહકારની ભૂમિકા અપનાવી છે.’’
યાસીન દલાલ