ઠૂમરી : ઉત્તર હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીતનો એક ગાયન પ્રકાર. સુગમ, શાસ્ત્રીય અથવા ઉપશાસ્ત્રીય સંગીતમાં તેનો સમાવેશ કરવામાં આવે છે. પ્રાચીન કાળમાં નૃત્ય અને અભિનય સાથે જે રાગો ગવાતા તેમાંથી ગાયનનો આ વિશિષ્ટ પ્રકાર ઊપસી આવ્યો છે એવું મનાય છે. છેલ્લાં 200થી 300 વર્ષો દરમિયાન તે વધુ પ્રચલિત બન્યો છે. રાજા માનસિંહ તેના પ્રવર્તક ગણાય છે. લખનૌના એક વખતના નવાબ વાજિદઅલી શાહના દરબારમાં આ ગાયનપ્રકારને વિશેષ સ્થાન મળ્યું તથા તેના દરબારી ગાયક સાદિકઅલીખાંએ આ ગાયનશૈલીને વિશેષ ઘાટ આપીને પ્રતિષ્ઠિત સ્થાન અપાવ્યું.

શૃંગાર રસમાં તેનો મુખ્ય પ્રયોગ થાય છે. છતાં કરુણ રસ વ્યક્ત કરવા માટે પણ આ ગાયનશૈલીનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. સ્વર, લય તથા બોલ – આ ત્રણેયના સમન્વયથી ભાવ વ્યક્ત કરવા એ ઠૂમરીનું મુખ્ય લક્ષણ ગણાય છે. મુરકી, મીંડ અને હરકતી જેવા સ્વરાલંકારોથી તેને સાજ ચડાવવામાં આવે છે. ખમાજ, પીલુ, કાફી, માંડ, દેશ અને ભૈરવી રાગમાં તે ગવાય છે. તેના બે મુખ્ય પ્રકાર છે : (1) ‘બોલબાંટ કી ઠૂમરી’, જેમાં લયના અંગથી બંદિશની શબ્દયોજના કરવામાં આવેલી હોય છે અને જેનો સંબંધ નૃત્ય સાથે વિશેષ હોય છે. ઠૂમરીના આ પ્રકારને બંદિશની ઠૂમરી અથવા કથકી ઠૂમરી પણ કહે છે. કેટલાક વિદ્વાનો તો એમ પણ માને છે કે તેનું ઉદગમસ્થાન કથકનૃત્ય છે અને નૃત્યમાંના ઠૂમક પરથી આ ગાયનશૈલીને ઠૂમરી નામ મળ્યું છે. (2) ‘બોલબનાવની ઠૂમરી’, જેમાં બંદિશના શબ્દોને ભાવપૂર્ણ રીતે, સ્વરોના લગાવથી ઉચ્ચારીને વિવિધ પ્રકારની ભાવચ્છટાઓ વ્યક્ત કરવામાં આવે છે.

ઠૂમરી રજૂ કરવાની રીત પણ વિવિધ પ્રકારની હોય છે. તે દરેક આગવી વિશિષ્ટતા ધરાવે છે; દા.ત., ખ્યાલ અંગની ઠૂમરી, રાજસ્થાની અંગની ઠૂમરી,  પંજાબી અને લખનૌ ઢંગની ઠૂમરી, બનારસી અથવા પૂરબ ઢંગની ઠૂમરી વગેરે. તેવી જ રીતે તે અલગ અલગ તાલમાં પણ ગવાય છે; દા.ત., એક તાલ, તીન તાલ, ઝપ તાલ, દીપચંદી કે પંજાબી તાલ વગેરે.

ઠૂમરીના વિખ્યાત ગાયકોમાં અખ્તર પિયા (વાજિદઅલી શાહ), બિંદાદીન મહારાજ, લલન પિયા, ભૈયા ગણપતરાય, સિદ્ધેશ્વરીદેવી, રસૂલનબાઈ, બડે ગુલામઅલીખાં સાહેબ, અબ્દુલ કરીમખાં સાહેબ, સવિતાદેવી, વત્સલાબાઈ કુમઠેકર, શોભા ગુર્ટૂ, માણિક વર્મા, અહેસાન અહમદ અને ઉસ્તાદ હાફિઝ અહમદખાં વિશેષ નોંધપાત્ર છે.

બંસીધર શુક્લ