ટોમોનાગા, શિન-ઇચિરો (જ. 31 માર્ચ 1906, ક્યોટો, જાપાન; અ. 8 જુલાઈ 1979, ટોકિયો) : ફાઇનમેન અને શ્વિંગર સાથે, 1965નું ભૌતિકશાસ્ત્રનો નોબેલ પુરસ્કાર મેળવનાર જાપાની ભૌતિકશાસ્ત્રી. તેમને આ પુરસ્કાર ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાયનેમિક્સ’ના સિદ્ધાંતને સાપેક્ષવાદના વિશિષ્ટ સિદ્ધાંત સાથે સુસંગત બનાવવા, તેમાં સૂચવેલા ફેરફારો માટે આપવામાં આવ્યો હતો.
ક્યોટોની યુનિવર્સિટીમાંથી 1929માં સ્નાતક થઈ 1939માં પીએચ.ડી. થયા. પાછળથી ‘ટોકિયો યુનિવર્સિટી ઑવ્ એજ્યુકેશન’ તરીકે ઓળખાયેલી બ્રુનિકા યુનિવર્સિટીમાં 1941માં પ્રાધ્યાપક બન્યા અને તે જ વર્ષે ‘ક્વૉન્ટમ ઇલેક્ટ્રૉડાયનેમિક્સ’ની સમસ્યા ઉપર સંશોધનકાર્ય કર્યું.
બીજા વિશ્વયુદ્ધ દરમિયાન પશ્ચિમના વિજ્ઞાનીઓ સાથેનો તેમનો સંપર્ક તૂટી ગયો, પરંતુ 1943માં તેમણે તેમનું સંશોધનકાર્ય પૂરું કરીને તેને પ્રસિદ્ધ કર્યું. તેમના આ સંશોધનકાર્યની જાણ તો પશ્ચિમના વિજ્ઞાનીઓને યુદ્ધ પૂરું થયા પછી જ થઈ. લગભગ આ જ અરસામાં ફાઇમાન અને શ્વિંગરે પણ વ્યક્તિગત રીતે તેમનાં સંશોધનોનાં પરિણામો પ્રસિદ્ધ કર્યાં તે ઉપરથી એવું ફલિત થયું કે વાસ્તવમાં તો પ્રત્યેક વિજ્ઞાનીએ, ત્રણ જુદી જુદી રીતે, એક જ લક્ષ્ય હાંસલ કરીને, જૂના સિદ્ધાંતમાં મૂળભૂત (drastic) ફેરફાર કર્યા સિવાય, વિસંગતતાઓનો ઉકેલ મેળવ્યો હતો.
1956થી 1962 સુધી ટોમાગો, ‘ટોકિયો યુનિવર્સિટી ઑવ્ એજ્યુકેશન’ના પ્રમુખસ્થાને રહ્યા હતા. ત્યાર પછી બીજા જ વર્ષે તે ‘જાપાન સાયન્સ કાઉન્સિલ’ના અધ્યક્ષ બન્યા. અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ અનુવાદિત થયેલું તેમનું સૌથી અગત્યનું પુસ્તક ‘ક્વૉન્ટમ યંત્રશાસ્ત્ર’ (1962) છે.
એરચ મા. બલસારા