અલંકારસર્વસ્વ (બારમી શતાબ્દીનો મધ્યભાગ) : સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પ્રૌઢ ગ્રંથ. કર્તા રાજાનક ઉપનામધારી કાશ્મીરી પંડિત રુય્યક (રુચક). ગ્રંથ સૂત્ર, વૃત્તિ અને ઉદાહરણ – એ પદ્ધતિમાં લખાયો છે. એમાં સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યક છે, જ્યારે ઉદાહરણો વિભિન્ન ગ્રંથોમાંથી લેવામાં આવ્યાં છે. ‘અલંકારસર્વસ્વ’ના ટીકાકાર જયરથ સૂત્ર તથા વૃત્તિના રચયિતા રુય્યકને જ માને છે, જ્યારે કેટલાક વૃત્તિની રચના રુય્યકના શિષ્ય મંખકે કરી છે એમ માને છે.
‘અલંકારસર્વસ્વ’માં 6 શબ્દાલંકાર તથા 75 અર્થાલંકાર અને એક ‘મિશ્રાલંકાર’નું નિરૂપણ થયું છે. ચિત્તવૃત્તિને આધારે અલંકારોનું વૈજ્ઞાનિક વર્ગીકરણ કરવાનું શ્રેય રુય્યકને જાય છે. તેમણે અર્થાલંકારોને (1) સાદૃશ્ય વર્ગ, (2) વિરોધ વર્ગ, (3) શૃંખલામૂલક વર્ગ, (4) ન્યાય-મૂલક [તર્કન્યાય, વાક્ય(કાવ્ય)ન્યાય અને લોકન્યાય] વર્ગ તથા (૫) ગૂઢાર્થપ્રતીતિમૂલક વર્ગ – એમ પાંચ વર્ગમાં વિભાજિત કર્યા છે.
‘અલંકારસર્વસ્વ’ ઉપર જયરથની ‘વિમર્શિની’ ટીકા, સમુદ્રબંધની ટીકા અને વિદ્યાધર ચક્રવર્તીની ‘સંજીવની’ ટીકા લખાઈ છે. રુય્યકે પોતે પણ ‘નિષ્કૃષ્ટાર્થકારિકા’ નામની શ્ર્લોકબદ્ધ ટીકા લખી છે.
રુય્યક ધ્વનિવાદી આચાર્ય છે. તેમણે ‘અલંકારસર્વસ્વ’ના આરંભમાં કાવ્યના આત્મા વિશે ભામહ, ઉદભટ, રુદ્રટ, વામન, કુંતક, મહિમ ભટ્ટ અને ધ્વનિકાર આદિ પ્રાચીન આલંકારિકોના મતોનો સાર રજૂ કર્યો છે. પરવર્તી આચાર્યોમાં વિદ્યાધર, વિદ્યાનાથ અને શોભાકર મિત્ર આદિએ રુય્યકના અલંકારવિષયક ચિંતનમાંથી પર્યાપ્ત સહાયતા મેળવી છે. ઐતિહાસિક દૃષ્ટિએ રુય્યકના વિવેચનનું અલંકારશાસ્ત્રમાં ખૂબ મહત્વ છે.
ભગવતીપ્રસાદ પંડ્યા