ટેલર, ફ્રેડરિક વિન્સ્લો (જ. 20 માર્ચ 1856, અમેરિકા; અ. 21 માર્ચ 1915) : વૈજ્ઞાનિક સંચાલનના અભિગમના મૂળ હિમાયતી અને આધુનિક વૈજ્ઞાનિક સંચાલનના આદ્ય પ્રવર્તક.
1874 સુધી શિક્ષણ લીધા પછી ફિલાડેલ્ફિયાની એક મશીનશૉપમાં જોડાઈ 1878 સુધી પૅટર્ન-મેકર અને કારીગર તરીકે કાર્ય કર્યું. ત્યારબાદ 1878માં તે જ રાજ્યની મિડવેલ સ્ટીલ કંપનીમાં કારીગર મુકાદમ (gang boss), આસિસ્ટન્ટ ફોરમૅન, મશીનશૉપના ફોરમૅન, માસ્ટર મિકૅનિક ને મુખ્ય ડ્રાફ્ટસમૅન તરીકે ફરજો બજાવી. નોકરી દરમિયાન ‘સ્ટીવન્સ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી’માં સાંજનો અભ્યાસ કરીને 1883માં એન્જિનિયરિંગની સ્નાતક ઉપાધિ મેળવી અને 1889માં તે જ કંપનીમાં ચીફ એન્જિનિયર નિમાયા. 1893 સુધી ત્યાં જ સેવાઓ આપી. આ સમયગાળામાં ટેલરે કારીગરોના કાર્યના વિભાગ પાડીને, તે પ્રત્યેક કાર્ય-તત્વને સમયાંકિત કરી કારીગરના સમય અને હલનચલનને લગતા અનેક અભ્યાસો હાથ ધર્યા. તેમણે કારીગરોનું અનાવશ્યક હલનચલન બંધ કરાવીને અથવા બદલાવીને ઉત્પાદનને મહત્તમ બનાવવાના પ્રયત્નો કર્યા. દરેક કાર્ય માટે ચોક્કસ સમય નક્કી કરીને તે પ્રમાણે કામ કરનાર કારીગરને વેતન આપવા માટે છૂટક ભાવના ધોરણની (piece-rate) પ્રણાલી દાખલ કરી. તેવા કારીગરોને પૂર્વનિશ્ચિત દરે વધારો મળે તેમ પણ તેમણે સ્પષ્ટ કર્યું.
ઈ. સ. 1893માં તેમણે શૉપસંચાલનના સ્વતંત્ર સલાહકાર તરીકે કાર્ય શરૂ કર્યું. ત્યારબાદ 1898થી 1901 સુધી તેમણે બેથલિહેમ સ્ટીલ કંપનીમાં કાર્યદક્ષતા ઇજનેર તરીકે સેવાઓ આપી. આ ગાળામાં જે. મન્સેલ વ્હાઇટ સાથે મળીને ઉષ્મા-પ્રક્રિયા (heat treatment) માટેની ટેલર-વ્હાઇટ પ્રક્રિયા વિકસાવી. 1898માં આ જ કંપનીમાં ટેલરે તેમના ખૂબ જ પ્રખ્યાત એવા કાચા લોખંડ(pig iron)નો માલ ભરવાના કાર્યનો પ્રયોગ પ્રયોજ્યો. આ કંપનીના લોખંડવાડામાં આવતા રેલવેના ડબ્બાઓમાંથી કાચો માલ ઉતારવામાં આવતો અને જતા ડબ્બાઓમાં તૈયાર કરેલો માલ ચઢાવવામાં આવતો. ટેલરના વૈજ્ઞાનિક સંચાલનના પ્રયોગોને કારણે એક કારીગરદીઠ રોજનો 12.5 ટન માલ ભરાતો હતો તેને સ્થાને 47.5 ટન માલ ભરાવા લાગ્યો. ઉપરાંત કામદારોનો સરાસરી મજૂરી દર 1.15 ડૉલરથી વધીને 1.85 ડૉલર થઈ ગયો.
ટેલરનું તત્વજ્ઞાન નીચેના પાંચ સિદ્ધાંતો પર સ્થપાયેલ છે :
(1) વૈજ્ઞાનિક ધોરણે કારીગરની પસંદગી : કારીગરની બુદ્ધિ અને અન્ય શક્તિઓને અનુરૂપ કાર્યની ફાળવણી.
(2) મહત્તમ કાર્યક્ષમતા કેળવાય તે રીતે કારીગરને વૈજ્ઞાનિક તાલીમ આપવી.
(3) કાર્યમાં વિશિષ્ટ નિપુણતા : કામને નાના એકમોમાં વિભાજિત કરીને દરેક કારીગર પોતાના એકમનો નિષ્ણાત બને તેવી વ્યવસ્થા.
(4) પુરસ્કારનું મહત્વ : કારીગરને કામ પ્રમાણે વેતન મળે, તે વધુ કાર્ય કરે તો પ્રોત્સાહન-વેતન અપાય.
(5) કામદારો અને સંચાલકો વચ્ચે જવાબદારીની વાજબી વહેંચણી થાય, જે મુજબ સંચાલકો આયોજન કરે અને કામદાર તે આયોજન મુજબ કામ કરે.
રૂઢિચુસ્ત સમાજમાં ટેલરના વિકસિત વૈજ્ઞાનિક વિચારો સામે ઘણો વિરોધ થયો. સમાજ તેમના નવા વિચારો સ્વીકારવા માટે તૈયાર ન હતો અને તેની મુખ્ય દલીલ એ હતી કે આ પદ્ધતિમાં માનવતત્વની ઘોર ઉપેક્ષા કરવામાં આવે છે. મનુષ્યને યંત્ર જેવો ગણીને તેની પાસેથી વધુમાં વધુ કામ લેવામાં આવે છે. તેમના કાર્ય સામે બીજી ટીકા એવી હતી કે તેમનું અભ્યાસક્ષેત્ર કારખાનાં પૂરતું સીમિત છે અને સર્વગ્રાહી સંચાલનને આવરી લેતા સિદ્ધાંતોનો તેમાં અભાવ છે; પરંતુ સંચાલનવિજ્ઞાનના વિકાસમાં ટેલરનો ફાળો અમૂલ્ય છે. ઔદ્યોગિક ક્રાંતિ બાદ સંચાલન માટે જરૂરી વિચારસરણીની રજૂઆત કરીને સંચાલક અને કામદારો વચ્ચેના માનસિક અભિગમમાં સંપૂર્ણ ક્રાંતિ લાવવામાં તેમનું પ્રદાન અમૂલ્ય ગણાયું છે અને તેથી જ તેમને ‘અર્વાચીન વૈજ્ઞાનિક સંચાલનના પિતા’ ગણવામાં આવે છે.
તેમણે લખેલ પુસ્તકો ‘એ પીસ-રેટ સિસ્ટમ’ (1895), ‘ધ એડ્જસ્ટમેન્ટ ઑવ્ વેજીસ ટુ એફિશન્સી’ (1896), ‘શૉપ મૅનેજમેન્ટ’ (1903) અને ‘ધ પ્રિન્સિપલ્સ ઑવ્ સાયન્ટિફિક મૅનેજમેન્ટ’ (1911) એમણે કરેલ પ્રયોગોના પરિપાકરૂપ હતાં.
હરેશ જયંતીલાલ જાની