ટેલર, રિચર્ડ ઈ (Taylor, Richard E) (જ. 2 નવેમ્બર 1929, આલ્બર્ટા, કૅનેડા; અ. 22 ફેબ્રુઆરી 2018, કૅલિફૉર્નિયા, યુ. એસ. એ.) : ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનના પ્રોટૉન તથા ન્યૂટ્રૉન વડે થતા અપ્રત્યાસ્થ પ્રકીર્ણન(inelastic scattering)ના મહત્વના સંશોધન માટે 1990નો ભૌતિકશાસ્ત્રમાં નોબેલ પુરસ્કાર મેળવનાર વિજ્ઞાની. ક્વાર્ક સિદ્ધાંત અથવા પ્રતિકૃતિના વિકાસ માટે આ સંશોધન અત્યંત મહત્વનું હતું. પુરસ્કારનો એક-તૃતિયાંશ ભાગ રિચર્ડ ટેલરને પ્રાપ્ત થયો હતો. અન્ય ભાગ જેરોમ ફ્રીડમૅન અને હેન્રી કેન્ડલ વચ્ચે વિભાજિત થયો હતો.

રિચર્ડ ટેલરે યુનિવર્સિટી ઑવ્ આલ્બર્ટા, કૅનેડામાંથી 1950માં વિજ્ઞાનમાં સ્નાતકની તથા 1952માં વિજ્ઞાનમાં અનુસ્નાતકની પદવી પ્રાપ્ત કરી. ત્યારબાદ તેમણે અમેરિકાની સ્ટૅનફર્ડ યુનિવર્સિટીમાં પીએચ.ડી.ના અભ્યાસ માટે પ્રવેશ મેળવ્યો અને ત્યાં ઉચ્ચ ઊર્જા ભૌતિકશાસ્ત્રની પ્રયોગશાળામાં સંશોધનકાર્ય શરૂ કર્યું. પીએચ.ડી.ની પદવી મેળવ્યા બાદ સ્ટૅનફર્ડ લિનિયર ઍક્સિલરેટર (SLAC) અર્થાત્ સુરેખ પ્રવેગકની રચના અને નિર્માણમાં મહત્વનો ભાગ ભજવ્યો તથા તેના પર પ્રયોગો પણ હાથ ધર્યા. 1970ના અરસામાં રિચર્ડ ટેલરે SLAC પ્રવેગક પર ઉચ્ચ ઊર્જા ધરાવતા ઇલેક્ટ્રૉનની પ્રોટૉન તથા ન્યૂટ્રૉન સાથેની અથડામણોનો અભ્યાસ કર્યો. આ અભ્યાસ પરથી સર્વપ્રથમ એવું તારણ મેળવવામાં આવ્યું કે પ્રોટૉન તથા ન્યૂટ્રૉન પણ આંતરિક બંધારણ ધરાવે છે, અર્થાત્ તેઓ અતિ સૂક્ષ્મ કણો ક્વાર્ક(quark)ના બનેલાં છે. આ સંશોધનથી ક્વાર્કના સિદ્ધાંતને, અસ્તિત્વને સમર્થન મળ્યું. આ મહત્વની શોધ જેરોમ ફ્રીડમૅન તથા હેન્રી કેન્ડલ સાથે સંયુક્ત રીતે કરવામાં આવી.

રિચર્ડ ટેલરને 1982માં ઍલેક્સાન્ડર ફૉન હમ્બોલ્ટ પુરસ્કાર પ્રાપ્ત થયો. 1989માં તેમને પૅનોફસ્કી ઇનામ તથા 1991માં ગોલ્ડન પ્લેટ પુરસ્કાર પ્રાપ્ત થયાં. 1997માં તેઓ ફેલો ઑવ્ રૉયલ સોસાયટી તરીકે ચૂંટાયા. 1988ના ફેબ્રુઆરીની 22મી તારીખે સ્ટૅન્ફર્ડમાં તેમનું અવસાન થયું.

પૂરવી ઝવેરી