ટેરોપૉડ સ્યંદન (Pteropod ooze) : દરિયાની અમુક ઊંડાઈના તળ ઉપર મળતો સૂક્ષ્મ સેન્દ્રિય નિક્ષેપ. ટેરોપૉડ એટલે મહાસાગરોના ઊંડાણવાળા વિસ્તારોમાં મુક્ત રીતે તરતાં રહેતાં મૃદુ શરીરાદિ સમુદાય પૈકીનાં જઠરપદી (gastropod) પ્રાણીઓ, જેમના પગનો નીચેનો ભાગ પાંખો જેવા બે વિભાગોમાં વહેંચાયેલો હોય છે. તેમનાં કવચ કૅલ્શિયમ કાર્બોનેટથી બનેલાં હોય કે ન હોય. સ્યંદન એટલે સેન્દ્રિય ઉત્પત્તિજન્ય દ્રવ્યના 30 %થી વધુ હોય એવો (જેની ભૂમિજન્ય ઉત્પત્તિ ન હોય એવો) સૂક્ષ્મ દાણાદાર, ઊંડાઈએ મળી રહેતો નિક્ષેપ. આ પ્રકારનાં ટેરોપૉડ સ્યંદન 1250 મીટરથી 2500 મીટરની ઊંડાઈના ગાળાના તળમાં મળી આવે છે, જે સૂક્ષ્મ કોમળ મૃદુકાય ક્વચની કરચથી બનેલાં હોય છે. સામાન્યત: તે ઍટલાન્ટિક મહાસાગરના વિષુવવૃત્તીય વિસ્તારો પૂરતાં મર્યાદિત હોય છે. આ પ્રકારનાં સ્યંદન અત્યંત ધીમે ધીમે એકત્રીકરણ પામતાં હોય છે. ક્યારેક તો તેમના સૌથી ઉપરના પડની અંદર કે ઉપલી સપાટી પર વહેલ અને શાર્ક માછલીનાં નાશ પામેલાં રેખાંકનોવાળાં કર્ણાસ્થિ પણ જડાયેલાં મળી આવે છે.
ગિરીશભાઈ પંડ્યા