ટેરેસા, મધર (જ. 27 ઑગસ્ટ 1910, સ્કોજે, યુગોસ્લાવિયા; અ. 5 સપ્ટેમ્બર 1997, કૉલકાતા) : રોમન કૅથલિક સાધ્વી, દીનદુખિયાંની મસીહા સેવિકા તથા નોબેલ શાંતિ પુરસ્કાર વિજેતા (1979). ઍલ્બેનિયન કુળના ખેડૂત કુટુંબમાં જન્મ. મૂળ નામ અગ્ને ગોન્હા બોજાશિન. સ્થાનિક પ્રશાસન દ્વારા સંચાલિત શાળામાં અભ્યાસ કર્યો. તે દરમિયાન ધર્મપ્રચારક બનવાની ઇચ્છા જાગ્રત થઈ અને તેને વરેલી સંસ્થાનાં સભ્ય બન્યાં. અઢાર વર્ષની ઉંમરે 1928માં ‘સિસ્ટર્સ ઑવ્ અવર લેડી ઑવ્ ટોરેટો’ નામક ખ્રિસ્તી ધર્મસંઘમાં જોડાયાં. આ ધર્મસંઘના અનુયાયીઓએ 1925થી કૉલકાતા શહેરમાં સેવાપ્રવૃત્તિ શરૂ કરી હતી. આ પ્રવૃત્તિમાં જોડાવાની ઇચ્છા મધર ટેરેસાએ વ્યક્ત કરી, જેને પરિણામે 1928માં કૉલકાતા શહેરમાં તેમનું આગમન થયું. 1929–48 દરમિયાન શહેરના પાદરીઓની શાળા સેન્ટ મેરી હાઈસ્કૂલમાં ભૂગોળનું અધ્યાપન કર્યું. થોડાક સમય માટે તેના આચાર્યપદે પણ કામ કર્યું. ‘સિસ્ટર્સ ઑવ્ અવર લેડી ઑવ્ ટોરેટો’ ધર્મસંઘ સાથે સંકળાયેલી ભારત ખાતેની શાખા ‘ડૉટર્સ ઑવ્ સેન્ટ ઍને’ના વડાનો હવાલો સંભાળ્યો. 1948માં અંતરાત્માના અવાજ મુજબ ગરીબોની સેવા કરવા માટે શાળાનો ત્યાગ કરવાની પરવાનગી માગી, જે રોમ ખાતેના ધર્મગુરુઓ દ્વારા આપવામાં આવતાં કૉલકાતા શહેરમાં મરણપથારી પર પડેલા નિરાશ્રિતો માટે આશ્રયસ્થાન શરૂ કર્યું, જ્યાં નિરાશ્રિતો છેલ્લા શ્વાસ શાંતિથી અને માનભેર લઈ શકે. 1950માં કૉલકાતામાં ‘મિશનરીઝ ઑવ્ ચૅરિટી’ નામથી અલાયદા ધર્મસંઘની સ્થાપના કરી, જેના નેજા હેઠળ ભૂખમરાનો સામનો કરનારાં ગરીબોને અન્નદાન, નિરાશ્રિતો માટે અનાથાશ્રમ, દર્દીઓ માટે દવાખાનાં, બાળકો માટે શાળાઓ, યુવકો માટે યુવાકેન્દ્રો તથા રક્તપીત્તિયાં માટે અને મરણપથારી પર પડેલા ગરીબો માટે આશ્રયસ્થાન જેવી પ્રવૃત્તિઓ ચલાવી. બીમારોને સારી સારવાર મળે તે હેતુથી પ્રેરાઈને પટના ખાતેની અમેરિકન મેડિકલ મિશનરી સિસ્ટર્સ સંસ્થામાં ત્રણ માસની તાલીમ પણ લીધી. તેમણે  કૉલકાતા ખાતે સ્થાપેલ ધર્મસંઘમાં જોડાતી સાધ્વીઓ ગરીબોની આજન્મ સેવા કરવાનું વ્રત લેતી હોય છે. હાલ (1995) તેમાં ભિન્ન ભિન્ન રાષ્ટ્રીયતા ધરાવતી આશરે 750 સાધ્વીઓ છે. ભારતનાં જુદાં જુદાં શહેરોમાં તેની 30 જેટલી શાખાઓ છે તથા ભારત ઉપરાંત વિશ્વના 30 દેશોમાં તેની સેવાપ્રવૃત્તિઓ પ્રસરેલી છે. મધર ટેરેસાની સંસ્થાને ઉપક્રમે કૉલકાતા શહેરમાં ચાલતા ‘નિર્મલા શિશુ ભવન’માં સેંકડો અનાથ બાળકોને આશ્રય મળે છે તથા ‘નિર્મલ હૃદય’ અને ‘પ્રેમદાન આશ્રયસ્થાન’માં મરણપથારી પર પડેલા નિરાશ્રિતોને આશ્રય આપવામાં આવે છે. તેમણે અમેરિકામાં એઇડ્ઝથી પીડાતા દર્દીઓ માટે સારવાર-ગૃહો શરૂ કર્યાં છે.

મધર ટેરેસા

મધર ટેરેસાના માનવતાભર્યા સેવાકાર્ય માટે તેમને અનેક ઍવૉડોર્ર્ મળ્યા છે જેમાં મૅગેસાઇસાઇ ઍવૉર્ડ (1962), પોપ જ્હૉન XXIII શાંતિ પુરસ્કાર (1971), જ્હૉન એફ. કૅનેડી આંતરરાષ્ટ્રીય ઍવૉર્ડ (1971), ગુડ સેમેરિટન ઍવૉર્ડ (1971), જવાહરલાલ નેહરુ આંતરરાષ્ટ્રીય સદભાવ ઍવૉર્ડ (1972), ટેમ્પલ્ટન ઍવૉર્ડ (1972), સેન્ટ ફ્રાન્સિસ ઑવ્ ઍસિસી ઍવૉર્ડ (1974), નોબેલ શાંતિ પુરસ્કાર (1979) તથા ભારત સરકાર દ્વારા ‘ભારતરત્ન’ (1980) વિશેષ ઉલ્લેખનીય છે.

મધર ટેરેસાએ 1950માં ભારતનું નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે