અલંકારચિંતામણિ (1293 આશરે) : દિગંબર સંપ્રદાયના જૈનાચાર્ય પાર્શ્વસેનના પ્રશિષ્ય અજિતસેનકૃત અલંકારશાસ્ત્રનો ગ્રંથ. અત્યંત સરળ સંસ્કૃતમાં રચાયેલા અને પાંચ પરિચ્છેદમાં વિભક્ત આ ગ્રંથમાં અલંકારશાસ્ત્રના સઘળા વિષયોનું નિરૂપણ કરવામાં આવ્યું છે; પરંતુ શબ્દ અને અર્થના અલંકારો માટે તો ત્રણ (2, 3, 4) પરિચ્છેદો નિર્ધારિત કરવામાં આવ્યા છે. પ્રથમ પરિચ્છેદમાં મંગલાચરણ, કાવ્યનું સ્વરૂપ, હેતુ, મહાકાવ્યના વર્ણનીય વિષયો, વર્ણોનું શુભાશુભ ફળ, ગણોના દેવતા, કવિશિક્ષા ઇત્યાદિનું નિરૂપણ છે. પ્રજ્ઞા અને પ્રતિભા વચ્ચેનો ભેદ પણ દર્શાવ્યો છે : વર્ણનનિપુણતા એટલે પ્રજ્ઞા અને પ્રત્યેક ક્ષણે નૂતન વિષયોને સર્જવાની શક્તિ તે પ્રતિભા એમ કહ્યું છે. બીજા અને ત્રીજા પરિચ્છેદમાં યમક, ચિત્ર વગેરે શબ્દાલંકારોનું નિરૂપણ છે. ચોથા પરિચ્છેદમાં ગુણાલંકારભેદ, અલંકારસ્વરૂપ, અલંકારોમાં પરસ્પર ભેદ અને 70 અર્થાલંકારોનું નિરૂપણ છે. એમનાં બધાં ઉદાહરણ પુરાણ અને સ્તોત્રનાં છે એટલે અજિતસેને પોતાના ગ્રંથને ‘સ્તોત્રગ્રંથ’ની સંજ્ઞા આપી છે. પાંચમા પરિચ્છેદમાં વિવિધ વિષયોની ચર્ચા છે, જેમાં વિભાવાદિ ભાવોની સલક્ષણોદાહરણ ચર્ચા છે. આ ઉપરાંત રીતિસ્વરૂપભેદ, શય્યા અને પાકભેદ, રસનિરૂપણ, કાવ્યના 24 ગુણ, નાયકના ગુણભેદ, નાયિકાભેદ વગેરેનું વિવેચન છે. રસસિદ્ધાંત તેમણે જૈનદર્શનને આધારે સમજાવ્યો છે, જે એમની વિશેષતા છે. તેમણે ઉત્પત્તિવાદને પુરસ્કાર્યો છે.
તપસ્વી નાન્દી