ટેમ્પેસ્ટ, ધ (પ્રથમ વાર ભજવાયું આશરે 1611માં, ફર્સ્ટ ફૉલિયોમાં પ્રકાશન 1623) : શેક્સપિયરની રોમાન્સ પ્રકારની નાટ્યકૃતિ. રંગભૂમિ ગ્લોબ થિયેટર પરથી ખસી અંતર્ગૃહ શૈલીના બ્લૅકફ્રાયર્સ થિયેટરમાં સ્થિર થઈ એ સંદર્ભમાં આ નાટકમાં શેક્સપિયરને રંગભૂમિના વ્યવસાયી કસબી તરીકે જોઈ શકાય છે.
‘ટેમ્પેસ્ટ’માં સ્થળ, સમય અને કાર્યની ત્રણેય સંધિ સાંગોપાંગ જળવાઈ છે. અહીં પાપ છે પણ પાપમાંથી પ્રગટ થતું પાપ નથી. અહીં વેર છે પણ એનો પ્રત્યુત્તર વેર નથી. અહીં શાપ છે પણ પ્રતિશાપ નથી. અહીં જીવન-મૃત્યુની ઘટમાળ છે. જીવનની ચારેય અવસ્થાઓને આવરી લેતા આ નાટકમાં ગુમ થયેલા, વિખૂટા પડેલા રડવડતા રાજવંશી બાળકની કથા છે.
નાટકનો ઉઘાડ સાગરઝંઝાના ઉદરમાં ઊતરી ગયેલ વહાણના અસહાય યાત્રીઓના અવાજોથી થાય છે. ભાઈ ઍન્ટોનિયોએ દેશનિકાલ કરેલા મિલાનના ડ્યૂક પ્રૉસ્પેરો અને તેમની દીકરી મિરાન્ડા નિર્જન ટાપુ ઉપર રહેતાં હોય છે; તેમની તહેનાતમાં એરિયલ અને કૅલિબાન છે. એરિયલ દૈવી તત્વનું અને કૅલિબાન નિમ્ન તત્વનું પ્રતીક છે.
પ્રૉસ્પેરો જાદુઈ શક્તિના બળે સાગરમાં ઝંઝા જગાવે છે અને વહાણના યાત્રીઓને ટાપુ ઉપર લાવી મૂકે છે. એરિયલ રાજકુંવર ફર્ડિનાન્ડને તે સ્થળે દોરી લાવે છે; ત્યાં મિરાન્ડાની ર્દષ્ટિ ફર્ડિનાન્ડ પર પડતાં આ માવિહોણી કન્યા પ્રથમ જ વાર પ્રેમની અલૌકિક અનુભૂતિ કરે છે. હકીકતમાં સ્વયં પ્રૉસ્પેરોએ મિરાન્ડા-ફર્ડિનાન્ડના મિલનની ભૂમિકા રચી હોય છે. પ્રૉસ્પેરો મિરાન્ડા-ફર્ડિનાન્ડના પ્રેમની કસોટી કરે છે. મિરાન્ડા પ્રત્યેના ફર્ડિનાન્ડના નિર્વિકાર પ્રેમની પ્રતીતિ થતાં પ્રૉસ્પેરો દીકરી મિરાન્ડાને લગ્નની સંમતિ આપે છે. મિરાન્ડાના પવિત્ર સ્નેહનો શ્રદ્ધાપૂર્વક આદર કરવામાં ફર્ડિનાન્ડે સમષ્ટિનો સ્નેહ અને શ્રદ્ધાપૂર્વક આદર કર્યો છે અને એટલે જ આ પવિત્ર યુગલને આશીર્વાદ આપવા સમષ્ટિનાં મંગલ તત્વો આવે છે. પ્રૉસ્પેરો કન્યાવિદાય આપીને પોતાની જાદુઈ લાકડી દરિયામાં ફેંકી દે છે અને અધ્યાત્મમાર્ગે જીવન વ્યતીત કરવા ઉદ્યુક્ત થાય છે. ‘ટેમ્પેસ્ટ’ પ્રેમ અને પુનર્મિલન, ક્ષમા અને શ્રદ્ધા, મુક્તિ અને ધર્મનું કાવ્ય છે.
શેક્સપિયરનું આ છેલ્લું નાટક મનાય છે; એટલે રંગભૂમિ-વિદાયના આ નાટકમાં શેક્સપિયરે પોતાની નાટ્યકલા વિશેની સમીક્ષા આલેખી હોવાનું એક મંતવ્ય છે.
નલિન રાવળ