ટેમ્પરા ચિત્રકળા : એક પ્રકારની ચિત્રશૈલી. આ પદ્ધતિમાં જળદ્રાવ્ય રંગોને ઘટ્ટતાદાયક પદાર્થો સાથે ભેળવવામાં (temper) આવે છે; એ સંદર્ભમાં આ શૈલી ટેમ્પરા તરીકે ઓળખાય છે. આવા ચીટકવાના ગુણધર્મો ધરાવતા પદાર્થો કૃત્રિમ (synthetic) રીતે બનાવવામાં આવે અથવા કુદરતી પદાર્થો તરીકે પ્રાણિજ ગુંદર, અંજીરના ઝાડનો રસ, દૂધ અથવા ઈંડાની જરદીનો ઉપયોગ થઈ શકે. ટેમ્પરા ચિત્રશૈલીમાં મોટેભાગે  ઈંડાની જરદી જ વિશેષ વપરાતી હતી.

ટેમ્પરાનું આવું મિશ્રણ કાગળ, કૅન્વાસ, તેલનો હાથ મારેલું લાકડું અથવા સલ્લો (plaster) કરેલી સપાટી પર લગાડી શકાય. ચિત્રકામની આ અત્યંત પ્રાચીન પદ્ધતિ ઇજિપ્ત, ગ્રીસ તથા રોમની પ્રજામાં વ્યાપક પ્રચારમાં હતી. ચીટકવાનો ગુણધર્મ લાવવા માટે ઈંડાનો સૌપ્રથમ ઉપયોગ બાઇઝન્ટાઇન પ્રજાએ કર્યો. ત્યારથી લગભગ આખી પંદરમી સદી સુધી આ ચિત્રશૈલીનો બહોળો પ્રસાર રહ્યો.

ટેમ્પરા ચિત્રકળાનો નમૂનો

ટેમ્પરાની વિશેષતા એ છે કે તે જલદી સુકાઈ શકે છે અને જળદ્રાવ્ય બનતું અટકી જાય છે; આથી રંગનાં ઘણાં અસ્તર લગાડી શકાય છે અને અર્ધપારદર્શક ઉપરાઉપરી પડના પરિણામે આ શૈલીનાં ચિત્રોમાં અનેરી તેજસ્વિતા ઊભરી આવે છે. જોકે આ પ્રકારના ક્રમિક ચિત્રાંકનમાં ચિત્રકારે ખૂબ ધીરજ તથા પૂર્વતૈયારી દાખવવી પડે છે અને તેમાં સ્ફૂર્તિલી સર્જનાત્મકતા તથા આકારોની તરલતાને અવકાશ રહેતો નથી. અલબત્ત, ટેમ્પરામાં રંગછટાનું વૈવિધ્ય તથા વિગતોની ઝીણવટ સહેલાઈથી આલેખી શકાય છે. પ્રારંભિક સમયથી તે છેક આખી પંદરમી સદી દરમિયાન સહિયારી કાર્યશાળા રૂપે ચિત્રો તૈયાર કરવાની જે પ્રથા હતી તેને માટે આ  સુયોગ્ય શૈલી હતી.

ટેમ્પરાની વ્યાપક લોકપ્રિયતા દક્ષિણ યુરોપમાં છેક 1500 સુધી રહી પરંતુ ઉત્તર યુરોપના કલાકારોએ પંદરમી સદીનાં પ્રારંભિક વર્ષો દરમિયાન ટેમ્પરા સાથે તૈલી પદાર્થોના મિશ્રણના પ્રયોગો કરવા માંડ્યા. જૅન વૅન આઇક તૈલી રંગોના શોધક ગણાય છે. તેમણે રંગો સાથે તેલ તથા ઈંડાંનું મિશ્રણ કરવાની પહેલ કરી. તેને પગલે સોળમી સદીનાં  પ્રારંભિક વર્ષો  દરમિયાન ટેમ્પરા ચિત્રશૈલીના સ્થાને તૈલચિત્રોની શૈલીનો વ્યાપક પ્રસાર થયો. છેક વીસમી સદીમાં કેટલાક અનુ-સંસ્કારવાદી (post-impressionist) કલાકારોએ આ શૈલીમાં અનેકવિધ પ્રયોગો કરીને તેમાંની મનોરમ ખૂબીઓનું નવેસર સર્જન કર્યું. એમાં શાન તથા ઍન્ડ્રૂ વાઇથ અગ્રેસર છે.

ભારતમાં પ્રાચીન કાળથી ચિત્રાંકનની ચાર પદ્ધતિઓ વિશેષ રૂપે જોઈ શકાય છે : તેમાં ઈંડાંની જરદીનો ઉપયોગ મુઘલકાલીન ચિત્રો સિવાય બહુ ઓછો થયો છે; પણ તેમાં ગુંદર, ખીરું, સરેશનો ઉપયોગ થયેલો છે. એ રીતે આ ચિત્રોને સાદા ‘ટેમ્પરા’ કહી શકાય. તે પરંપરામાં (1) ભીંત પરનાં રંગચિત્રો, (2) કપડાનાં ઓળિયાં પરનું રંગચિત્રાંકન, (3) લાકડાની પાટી પર રંગચિત્રો, પત્ર પર ચિત્રો તથા (4) કાગળ પરનાં ચિત્રો – તેમનો ઉલ્લેખ કરી શકાય.

ભીંત પર રંગચિત્રો આલેખવાની પદ્ધતિ બુદ્ધકાળમાં વ્યાપક હતી; જેમ કે, જોગીમારા, અજંતા.

વસ્ત્રપટ પર ચિત્રાંકનનું ચલણ મૌર્યકાલ શુંગકાળમાં હતું, જેમાં ખાદીના વેજાને દૂર્વાના રસનો પાસ આપી તે પછી રાંધેલા ભાતના ઓસામણની ખેળ ચડાવી ઉપર ગાળેલી ખડીનું અસ્તર લગાવી તેના પર ચિત્રાંકન થતું.

લાકડાની પાટીને છોલી, ઘસીને તેના પર ભાતના ઓસામણનો લેપ કરી પૃષ્ઠભૂમિ તૈયાર કરી ધવનો ગુંદર ઉમેરેલા મિશ્રણથી ચિત્રાંકન થયું છે.

આજે સફેદ રંગમિશ્રિત ‘સાદા ટેમ્પરા’ તેમ જ ‘એગ ટેમ્પરા’નાં ચિત્રો તરીકે ઓળખાય છે તે મધ્યકાળે કાગળ પર શરૂ થયેલાં. સાદા ટેમ્પરા તેમજ એગ ટેમ્પરા માટે કાગળ ઉત્તમ માધ્યમ બની રહેતું હોવાથી મધ્યકાળે તેમજ વીસમી સદીમાં કાગળનો  ઉપયોગ વિશેષ રૂપે થયો છે.

મધ્યકાળે ત્રણ પ્રકારના કાગળ ઉપલબ્ધ હતા; તે કાળે તેમાં લઘુચિત્રો થયાં છે. (1) ‘બવસાહા’ — વાંસના નાના ટુકડાને પાણીમાં સડાવી તેનો માવો તૈયાર કરી, તેમાંથી બનાવેલા કાગળ, (2) ‘ટાટાહા’ — જૂટને પલાળી, સડાવી તેમાંથી બનાવેલ કાગળ, (3) ‘તુલાત’ — રૂને પાણીમાં ગળવા દઈ, તેમાંથી બનાવેલ કાગળ.

સાદા ઘૂંટ આપેલાં ટેમ્પરા ચિત્ર બનાવવા માટે મધ્યકાળે ભારતમાં સામાન્ય પ્રકારના બે કે તેથી વધારે કાગળને એકબીજા સાથે ચોંટાડી, તે સાવ સુકાઈ જાય પછી તે ચોંટાડેલા કાગળના પડ પર હાથ-બનાવટનો સારો કાગળ કે નેપાળી કાગળનો ટુકડો ચોંટાડી દેવાતો હતો.

આ રીતે ટેમ્પરા માટે કાગળ તૈયાર કરી તેના પર ગુંદર કે સરેશનો આછો પટ લગાવી, તે સુકાઈ જાય પછી કપડાથી ગાળેલી સફેદ ખડીનો પટ લગાવીને ભોંય તૈયાર કરવામાં આવતી હતી.

આમ, તૈયાર થયેલા કાગળ પર શંખ, હાથીદાંત કે અકીકના પથ્થરથી ઘૂંટવામાં આવ્યા પછી તેના પર જે ચિત્ર કરવું હોય તેનું રેખાંકન કે આળેખ કરી તે ચિત્રાંકનમાં જરૂર પ્રમાણે જાડા-આછા સપાટ રંગો પુરાય છે.

સાદા ટેમ્પરામાં વપરાતા રંગો લગભગ ત્રણ પ્રકારના હોય છે. ખનિજ, વનસ્પતિજન્ય અને રસાયણોમાંથી તૈયાર થયેલા રંગો ઉપરાંત સોનારૂપાની શાહી અને નીલમ-મોતીની પિષ્ટીનો પણ કોઈ વાર ઉપયોગ થાય છે. માધ્યમ તરીકે ગુંદર, ખીરું, સરેશ અને ઈંડાંનો ઉપયોગ થાય છે.

શાંતિનિકેતનમાં થતાં ટેમ્પરા ચિત્રોમાં અમુક ટકા સફેદ રંગની પણ મેળવણી કરાય છે; એક વાર રંગ લગાવી, તેના પર પારદર્શી કાગળ મૂકી સમગ્ર ચિત્રને હાથીદાંત, શંખ કે અકીકથી ઘૂંટવામાં આવે છે અને તે પછી આખરી ઓપકામ થાય છે. હિંદુ-વૈષ્ણવ સંપ્રદાયમાં ઈંડાં અને સરેશનો નિષેધ હોવાથી તે સંપ્રદાયમાં થતાં ટેમ્પરામાં ગુંદર અને ખીરું વપરાય છે. મુઘલ સમયના ઈંડાંની જરદીના એગ ટેમ્પરા મુજબ શાંતિનિકેતનમાં પણ એગ ટેમ્પરાની પરંપરા હતી. હવે રંગ પાઉડરમાં ફેવિકૉલ મેળવીને ચિત્રકારો ટેમ્પરા ચિત્રો કરે છે.

‘એગ ટેમ્પરા’માં રંગોમાં તિરાડ પડતી નથી; વળી જરદીના મિશ્રણવાળો રંગ સુકાઈ ગયા પછી તેના પર પાણીની પણ અસર થતી નથી. ચિત્ર જલાભેદ્ય બની જાય છે.

ખોડીદાસ પરમાર