અલંકાર (પાશ્ચાત્ય) (figures of speech) : વિશાળ અર્થમાં ભાષાકીય અભિવ્યક્તિને વેધક અને વધુ અસરકારક બનાવવાની એક ચમત્કૃતિજનક સાહિત્યિક પ્રયુક્તિ. તેનો મુખ્ય હેતુ લાગણીની તીવ્રતા સાધવાનો વિચારની સ્પષ્ટતા કરવાનો હોય છે. ગ્રીક શબ્દ ‘litos’ના એકલું, સાદું, સામાન્ય તેવા અર્થ પરથી ‘દિશા બદલવી’ તેમ ‘litotes’ અલ્પોક્તિ નામનો અલંકાર પ્રસિદ્ધ થયો. અલંકાર માટે અન્ય ગ્રીક શબ્દ ‘tropos’ છે, જે પરથી અલંકારને ‘ટ્રૉપ’ પણ કહે છે, જેમાં સામાન્ય કરતાં કોઈ જુદા જ અર્થની નિષ્પત્તિ થતી હોય છે. આમ સામાન્ય રીતે વપરાતા શબ્દ કે શબ્દસમૂહ દ્વારા અર્થ કે ભાવને નવો વળાંક આપવો તેનું નામ અલંકાર છે. ભાષાનો તે અંતર્ગત ભાગ છે. લોકસાહિત્યમાં અલંકારયુક્ત વાણી સાંભળવા મળે છે. ગદ્ય અને પદ્ય તથા રોજબરોજની બોલાતી ભાષામાં અલંકારનો ઉપયોગ થાય છે. અભિનંદનપત્રો, જાહેરાતો, રાજકીય પક્ષોનાં પ્રચારસૂત્રો (slogans), દૈનિક-પત્રોનાં મથાળાં, વ્યંગચિત્રોની સમજૂતી, પરિવાર અને સંસ્થાઓના મુદ્રાલેખો અને સ્મૃતિસંવર્ધક કળા, પદ્ધતિ કે શાસ્ત્રના નુસખા માટે અલંકાર વપરાય છે. વળી રમતગમત, જાઝ સંગીત, વેપારવણજ, રાજકારણ અને કેટલાંક સંગઠનો અલંકારનો સારા પ્રમાણમાં ઉપયોગ કરે છે. પરિચિત હોય તેમાંથી અપરિચિત તરફ ગતિ કરતી અભિવ્યક્તિ સાધવા પણ અલંકાર વપરાય છે. કેટલીક વાર માનવશરીરનાં અંગોમાંથી નીપજતી ઉપમાઓ પ્રકૃતિ કે નિર્જીવ ચીજો માટે પ્રયોજવામાં આવે છે. ‘નદીનું મૂળ’ કે ‘મુખ’, ‘ઉત્સાહનું મોજું’, ‘અપશબ્દોનો વરસાદ’ – આ પ્રકારની અલંકારયુક્ત વાણી છે. ગંભીર પ્રકારના સાહિત્યમાં અલંકારોનો ઉપયોગ સભાનપણે થતો હોય છે. અલંકારથી વાક્યનો રણકો વધારે બુદ્ધિગમ્ય અને હૃદયગમ્ય બનતો હોય છે. તેથી તો તે વધારે સંસ્મરણીય બને છે. આમ થતાં તેમાંથી નીપજતા અર્થની પહોંચ વધુ સક્ષમ અને ઊંડાણવાળી બને છે.
ગ્રીસના અલંકારશાસ્ત્રીઓએ 25૦ જેટલા અલંકારોનું નામાધિકરણ કર્યું છે. યુરોપની ભાષાઓમાં અલંકારોનું વિભાગીકરણ પાંચ ભાગમાં થયું છે : (1) સરખામણી કે સંબંધવાચક અલંકારો (figures of resemblance or relationship) : તેમાં ઉપમા (simile), રૂપક (metaphor), ઉત્પ્રેક્ષા (kenning-conceit), સાદૃશ્ય (parallelism), સજીવારોપણ (personification), અજહલ્લક્ષણા (metonymy), લક્ષણા (synecdoche) અને પર્યાયોક્તિ(euphemism)નો સમાવેશ થાય છે. (2) સહેતુક શબ્દભાર કે અલ્પોક્તિ અલંકારો (figures of emphasis or understatement) : આ વિભાગમાં અતિશયોક્તિ (hyperbole), અલ્પોક્તિ (litotes), અનુત્તરિત પ્રશ્ન (rhetorical question), પરાકાષ્ઠા (climax), પ્રતિસારાલંકાર (bathos), વિરોધાભાસ અને વક્રોક્તિ (irony) અલંકારો આવે છે. (3) ધ્વનિ(નાદ) અલંકાર (figures of sound) : આ જૂથમાં પ્રાસાનુપ્રાસ (alliteration), પુનરાવર્તન (repetition), ધ્વનિપ્રેરિત (anaphora) અને રવાનુકારી (onomatopoeia) અલંકારો આવે છે. (4) શાબ્દિક રમતો (verbal games and gymnastics) વર્ગમાં શ્લેષ (pun) અને વર્ણવિવર્તન (anagram) અલંકારો આવે છે. (5) વાક્-સ્ખલનો (errors) વિભાગમાં શબ્દો વચ્ચે હાસ્યાસ્પદ ગોટાળો (malapropism), પર્યાયકથન (paraphrases) અને વર્ણવ્યત્યય (spoonerism) વગેરે અલંકારોનો સમાવેશ કરવામાં આવે છે.
દુનિયાની લગભગ બધી ભાષાઓ અલંકારનો ઉપયોગ કરે છે. જોકે ગ્રીસ અને રોમની સાંસ્કૃતિક અસરથી વંચિત યુરોપની ભાષાઓમાં કેટલાક અલંકારોનો ઉપયોગ થતો જ નથી. આધુનિક ભાષાઓ વક્રોક્તિ અલંકારનો ઉપયોગ કરે છે. જાપાની ભાષાને પોતાના વિશિષ્ટ અલંકારો છે. અરબી ભાષામાં ઉપમા અને રૂપક અલંકારોનો વિશેષ ઉપયોગ થયો છે. પશ્ચિમની ભાષાઓમાં તેનો અનુવાદ મુશ્કેલ નીવડ્યો છે. આફ્રિકા ખંડના લોકસાહિત્ય અને તેમાંથી નીપજેલ લિખિત સાહિત્યમાં વણાયેલા અલંકારોનો અનુવાદ કરવો પણ દુષ્કર છે. બાઇબલની અસર દુનિયાની ભાષાઓ પર સબળ રહી છે. તેમાં વપરાયેલ ઉપમા, રૂપક અને સજીવારોપણ અભૂતપૂર્વ છે. હિબ્રૂ કવિતામાં તુલના-સાદૃશ્ય ઉત્તમ છે.
વિ. પ્ર. ત્રિવેદી