ટૅન્ક : પોલાદના અત્યંત મજબૂત બખ્તરી આવરણવાળી રણગાડી. તે ત્વરિત ગતિએ સ્થળાંતર કરનાર, લોખંડી ચક્રોને સમાંતર અને અનંત પાટા ઉપર ગતિ આપનાર, મોટા જથ્થામાં શક્તિશાળી દારૂગોળાને દૂરના કે નજીકના ધાર્યા નિશાન ઉપર પ્રહાર કરીને ફેંકનાર, મોટા  નાળચાવાળી તોપને યુદ્ધભૂમિમાં સહેલાઈથી આમતેમ ફેરવનાર લશ્કરી વાહન છે. ત્રણ કે ચાર સૈનિકો દ્વારા સહિયારી રીતે યુદ્ધ વખતે દુશ્મનની સામે હુમલો કરવા કે પોતાના સૈનિકોના બચાવ માટે તેનો ઉપયોગ થાય છે. પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆતમાં કોઈ પણ  પક્ષ પાસે ટૅન્ક નહોતી; પરંતુ તે યુદ્ધ દરમિયાન ગ્રેટ બ્રિટનમાં લશ્કરી સરંજામ તરીકે ટૅન્કની આકૃતિ અને વિકાસની રૂપરેખા ગુપ્ત રીતે આયોજિત થઈ અને સૌપ્રથમ ટૅન્ક નિર્માણ કરવાનું માન ઇંગ્લૅન્ડને મળ્યું. 15 સપ્ટેમ્બર, 1916માં ફ્રાન્સમાં સૉમના યુદ્ધમાં તે દિન સુધી ગુપ્ત રાખવામાં આવેલાં આ 49 લશ્કરી આયુધનો ઉપયોગ કરી દુશ્મનોની ભારે ખુવારી કરી. ટૅન્કના ઉત્પાદનનો પહેલો જથ્થો ફ્રાન્સમાં જહાજો દ્વારા મોકલવામાં આવ્યો. ટૅન્કના પ્રથમ લશ્કરી ઉપયોગ વખતે ભારે ચુપકીદી સેવવામાં આવી હતી અને તે વાસ્તે જ તેને ફ્રાન્સમાં મોકલતી વખતે દુશ્મનના જાસૂસો પણ ગેરમાર્ગે દોરવાઈ જાય તે હેતુથી ટૅન્કની પેટીઓ પર ‘રશિયનો માટેની ટૅન્ક’ વંચાય તેવાં લેબલ ચોંટાડવામાં આવ્યાં હતાં; પરંતુ ત્યાર પછી ‘ટૅન્ક’ શબ્દ રૂઢ થયો અને આ લશ્કરી વાહનને ‘ટૅન્ક’ તરીકે જ ઓળખવામાં આવ્યું. 1920માં સૌપ્રથમ ભારતમાં જે ત્રણ ટૅન્કો આયાત કરાઈ તેમાં ‘મધ્યમ ડી’ પ્રકારની બે જાતની બનાવટો હતી. ખાસ ભારત માટે બનાવવામાં આવેલ ટૅન્ક ઉપર 6 રતલ વજનનો દસ્તો ધરાવતી તોપ મૂકવામાં આવી હતી. 1933માં ‘50 વાઇકર્સ માર્ક II-B’ તરીકે ઓળખાતી હળવી ટૅન્કો ભારતીય લશ્કરી દળના ઉપયોગ સારુ મેળવાઈ.

ટૅન્ક

ટૅન્કનું ઉત્પાદન કરનારા દેશોમાં અમેરિકા, ઇંગ્લૅન્ડ, ફ્રાન્સ, જર્મની, રશિયા, જાપાન અને ભારતનો સમાવેશ થાય. આધુનિક ટૅન્કનું વજન 14થી 50 ટન સુધીનું હોય છે. હવે તો જમીન અને પાણી બન્ને પર જેનો વિનિયોગ કરી શકાય તેવી ટૅન્કોનું પણ નિર્માણ કરવામાં આવ્યું છે. જગ-પ્રસિદ્ધ ટૅન્કમાં ફ્રાન્સની ‘એએમએક્સ–30’, અમેરિકાની ‘પૅટન’ અને ‘ઍબ્રામ્સ’, રશિયાની ‘ટી–72’, ભારતની ‘વૈજયન્ત’ અને ‘અર્જુન’, બ્રિટનની ‘ચિફ્ટેઇન’ તથા ‘સેન્ચુરિયન્સ’ અને જર્મનીની ‘લિયોપાર્ડ’ ગણાવી શકાય. ટૅન્ક ઉપર મૂકવામાં આવેલ મુખ્ય તોપના નાળચાનો અંદરનો વ્યાસ 76થી 125 મિમી. સુધીનો હોય છે.

ટૅન્કના મુખ્યત્વે ત્રણ પ્રકાર છે : (1) હળવી ટૅન્ક, (2) મધ્યમ ટૅન્ક અને (3) ભારે ટૅન્ક. ચોતરફ બખ્તરથી આટોપાયેલા આ વાહનનું સંચાલન કરતા સૈનિકો જાતે અર્દશ્ય રહીને દુશ્મનોની હરોળ કે તેમનાં નિશાનો  પર તોપમારો કરે છે, જ્યારે તેમના ઉપર થતા ગોળીબાર કે તોપ-બૉમ્બના હુમલા સામે પોતાનું રક્ષણ કરી શકે છે. લપસણી ભૂમિ પર કે સમતુલા જાળવવા તેમાં જરૂરી તરકીબો અજમાવી શકાય છે. આમ તો ટૅન્કમાં એક મુખ્ય તોપ હોય છે. પરંતુ શત્રુ પર આકરો પ્રહાર કરવા અન્ય શસ્ત્રો અને વિમાનવિરોધી તોપ પણ ગોઠવાયેલાં હોય છે. દુશ્મન પર નિશ્ચિત પ્રહાર કરવાની શક્તિ તેનામાં રહેલાં કમ્પ્યૂટર-યંત્રોને આભારી છે. ટૅન્કમાં ઘણુંખરું 3 કે 4 સૈનિકોમાં એક કમાન્ડર, બીજો તોપચી કે બિનતારી સંદેશાની આપ-લે કરનાર સંચાલક અને ત્રીજો એક ડ્રાઇવર હોય છે.

ટૅન્કના મુખ્ય ભાગોમાં ટૅન્કને દોડાવવા માટેનો લોખંડી પટ્ટો (સમાંતરે બે પટ્ટા), તેને ગતિ આપતાં ચક્રો, એન્જિનને રાખવાની જગ્યા, તોપચી માટેની જગ્યા, ટૅન્કને ચલાવનાર ડ્રાઇવર માટેની જગ્યા અને 360°ના કોઈ પણ ખૂણે ડાબે-જમણે-આગળ-પાછળ વળવાની ક્ષમતાવાળો ભાગ હોય છે.

અણુ હુમલા, જંતુયુદ્ધ કે રાસાયણિક યુદ્ધ સામે ટકી શકે તેવી ટૅન્ક પણ બનાવવામાં આવે છે. કેટલીક ટૅન્કમાં લેસર કિરણની મદદથી દુશ્મનના વિસ્તારની જરૂરી માહિતી મેળવવાની વ્યવસ્થા કરવામાં આવે છે. કેટલીક ટૅન્કમાં અવરક્ત અથવા અધોરક્ત (infra red) કિરણોની મદદથી રાત્રીના ઘોર અંધકારમાં ટૅન્કને ચલાવવાની અને તેમાંથી ધાર્યાં નિશાન ઉપર તોપગોળા ફેંકવાની કાર્યવહી કરવામાં સરળતા રહે છે.

હળવા પ્રકારની ટૅન્કમાં નાનાં હથિયારો અને બખ્તરની રક્ષણાત્મક વ્યવસ્થા હોય છે. જમીન પર શત્રુ ક્યાં છે, તેની સંખ્યા કેટલી છે વગેરે માહિતી મેળવવા માટે ટૅન્કનો આગલી હરોળમાં ઉપયોગ કરવામાં આવે છે. પર્વતીય પ્રદેશ પરના યુદ્ધ વખતે  હળવા પ્રકારની ટૅન્કને સહેલાઈથી હવાઈ માર્ગે ઊંચા સ્થળે ઉતારી શકાય છે. શરૂઆતમાં ટૅન્કની ઝડપ કલાકના માંડ 6 કિમી.ની હતી. તેને યોગ્ય રીતે ચલાવવા માટે ચાર સૈનિકોની જરૂર પડતી, જ્યારે આધુનિક ટૅન્કને એક જ સૈનિક કલાકના 65 કિમી.ની ઝડપે સહેલાઈથી ચલાવી શકે છે. ભૂમિ પર 300 કિમી. અને સમુદ્ર પર 100 કિમી. સુધી તે તોપમારો કરી શકે છે. ઘમસાણ લડાઈમાં ખપ લાગતી મધ્યમસરની ટૅન્કનું વજન આશરે 35થી 50 ટનનું હોય છે. દુશ્મન પર હુમલો કરવા માટે, કાંટાળી વાડ કે ખાઈઓ(trenches)ને ઓળંગી જતી ટૅન્કના મારા સામે દુશ્મનની હરોળ ભેદાઈ જાય છે; એટલું જ નહિ, પરંતુ સમગ્ર યુદ્ધભૂમિની તાસીર થોડી વારમાં બદલાવી શકે તેવી તેની ક્ષમતા હોય છે. વળતા હુમલા સામે તે અજબનો પ્રતિકાર કરી શકે છે અને જરૂર પડે ત્યારે દુશ્મનની તદ્દન નજીક રહીને પાયદળને ગોળાબાજી દ્વારા અગત્યનું રક્ષણ પૂરું પાડે છે. ભારે પ્રકારની ટૅન્કનો ઉપયોગ દ્વિતીય વિશ્વયુદ્ધમાં  વિશેષ કરવામાં આવ્યો, પરંતુ આધુનિક યુદ્ધમાં તેનો તેટલો ઉપયોગ રહ્યો નથી.

જુદા જુદા પ્રકારની ટૅન્કની આક્રમક શક્તિ જુદી જુદી હોય છે. આગ વરસાવતા તોપના ગોળા કે પ્રચંડ સંહારક શક્તિવાળા, લાંબા અંતરે છોડવાના મિસાઇલનો મારો ચલાવવા ટૅન્કનો ઉપયોગ કરવામાં આવે છે. અમેરિકન લશ્કરમાં રાખવામાં આવેલ ‘એમ-60 A2’ ટૅન્ક પર 152 મિમી.(6. ઇંચ)ની ગન હોય છે, જે દ્વારા તોપના ગોળા કે મિસાઇલનો મારો ચલાવી શકાય છે. આ જ પ્રમાણે તેની ‘એક્સએમ-1’ ઉપર 105 મિમી. 4.13 ઇંચ)ની ગન હોય છે અને ટૅન્કની ગતિ એક કલાકના 70 કિમી.ની હોય છે. બખ્તરગાડીઓના નાશ માટે ‘આર્મર પિયર્સિંગ ડિસ્કાર્ડિંગ સેબોટ’ કે ભારે સ્ફોટક પ્રહારશક્તિ ધરાવતા ‘હાઇ એક્સપ્લોઝિવ સ્કૉશ હેડ’, ‘આર્મર પિયર્સિંગ’ કે ‘હાઈ એક્સપ્લોઝિવ’ અને ‘સ્મોક બૉમ્બ’ જેવા જુદા જુદા પ્રકારના દારૂગોળાનો ઉપયોગ કરી ટૅન્કો શત્રુવિનાશક કામગીરી આચરી શકે છે. દારૂગોળાની આક્રમક શક્તિ તરીકે ટૅન્ક દુશ્મનોની હરોળોને ભેદવા માટે કે તેમની કિલ્લેબંધીને તોડવા માટે વપરાય છે. દુશ્મનો ઉપર હુમલો કરવાના ઇરાદા સાથે પાયદળની ટુકડીઓ જ્યારે આગળ વધતી હોય છે ત્યારે ટૅન્કનો તોપમારો તેમને સંરક્ષણની દીવાલ રચી આપે છે. 1963માં ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમિયાન પાકિસ્તાને ભારત સામે અમેરિકન બનાવટના પૅટન ટૅન્કનો બહોળો ઉપયોગ કર્યો હતો, પરંતુ ભારતના લશ્કરની વ્યૂહરચનાને કારણે તેમનો ખુરદો બોલાવી દીધો હતો.

હસમુખ માણેકલાલ પટેલ