ટેનેસી નદી : અગ્નિ યુ.એસ.નો મુખ્ય જળમાર્ગ. તે હોલસ્ટન અને ફ્રેંચ બ્રૉડ નદીના સંગમથી બને છે. મિસિસિપી અને આલાબામા રાજ્યો ઉપરાંત આ નદી ટેનેસી અને કેન્ટકી રાજ્યોમાંથી પણ વહે છે. પડ્યુકા પાસે તે ઓહાયો નદીને મળે છે. આ નદીનું નામ કદાચ ટેનેસી રાજ્યના નામ પ્રમાણે ચેરોકી ઇન્ડિયન ગામડા પરથી પડ્યું હોવું જોઈએ. આ ગામડું નાની ટેનેસી નદી પાસે આવેલું છે. આ નદી પર એક વિશાળ બંધ ‘ટેનેસી વેલી કૉર્પોરેશન’ (TVC) – એ બાંધેલો છે.
ફ્રેંચ અને અંગ્રેજ પ્રજાના સંઘર્ષના સમય દરમિયાન આ નદી શોધાઈ હતી. હોલસ્ટન અને ફ્રેંચ બ્રૉડની સાથોસાથ તેને મળતી અન્ય નદીઓમાં નાની ટેનેસી, પેઇન્ટ રૉક, ડ્યૂક અને ટોકોઆ નદીઓનો સમાવેશ થાય છે. આ બધી જ નદીઓ દક્ષિણ બાજુએ વહે છે; જ્યારે ક્લિન્ચ, ફલીટ, સીકવેચી અને ઇલ્ક નદીઓ તેને ઉત્તર બાજુએથી મળે છે.
ગિરીશ ભટ્ટ