ટેથિઝ : આજથી અંદાજે 40 કરોડ વર્ષથી માંડીને 5 કરોડ વર્ષ અગાઉના વચ્ચેના કાળગાળાના ભૂસ્તરીય અતીત દરમિયાન તત્કાલીન પૃથ્વીના મધ્યભાગમાં અસ્તિત્વ ધરાવતા વિશાળ સમુદ્ર કે મહાસાગર માટે ભૂસ્તરવિદોએ આપેલું નામ. યુરોપ–એશિયા અને આફ્રિકા ખંડોને જુદો પાડતો આ સમુદ્રવિસ્તાર પૂર્વ–પશ્ચિમ લંબાયેલો હતો અને આજના દક્ષિણ યુરોપ, ભૂમધ્યસમુદ્ર, ઉત્તર આફ્રિકા, ઈરાન, આલ્પ્સ, હિમાલય, ઉત્તર ભારત, મ્યાનમાર, ચીન વગેરે વિસ્તારો પર છવાયેલો હતો. પર્મિયન, મધ્યજીવયુગ અને પૂર્વ-ટર્શિયરી, સમગ્ર કાળ દરમિયાન તેના જળરાશિનું અસ્તિત્વ રહ્યું. આ ટેથિયન ભૂસંનતિમય થાળામાંયે સમગ્ર કાળગાળા સુધી કણજમાવટ થયા કરી અને ટર્શિયરી કાળમાં તેનું આલ્પ્સ અને હિમાલય વગેરે પર્વતસંકુલો સ્વરૂપે ઉત્થાન થયું.
પૃથ્વીના પટ પર થયેલાં ભૂસંચલનો અને ખંડીય પ્રવહનના સિદ્ધાંતો સૂચવે છે કે કાર્બોનિફેરસ કાળના પ્રારંભમાં ખંડોની વિતરણસ્થિતિ કંઈક જુદી જ હતી. એ વખતના ત્રણ ખંડસમૂહ આ પ્રમાણે હતા : (1) ઉત્તરનો ખંડસમૂહ–યુરેશિયા (અથવા પૂર્વ યુરોપ) ઉત્તર અને પૂર્વ એશિયા; (2) પશ્ચિમનો ખંડસમૂહ–પશ્ચિમ યુરોપ, ગ્રીનલૅન્ડ અને ઉત્તર અમેરિકા; (3) દક્ષિણ અમેરિકા, આફ્રિકા, ભારત, ઍન્ટાર્ક્ટિકા અને ઑસ્ટ્રેલિયાથી બનેલો ગોંડવાનાનો ભૂમિસમૂહ. આ ત્રણ ખંડસમૂહો એ વખતે એકબીજા તરફ ખસતા જતા હતા. કાર્બોનિફેરસ કાળના અંત સુધીમાં આ ત્રણે ખંડસમૂહો એકબીજા સાથે જોડાઈ ગયા. તેને પરિણામે એક વિરાટ ખંડસમૂહ રચાયો જેને ‘પેન્જિયા’ના નામથી ઓળખવામાં આવે છે. પહેલો ખંડસમૂહ અને બીજો–ત્રીજો ખંડસમૂહ ટેથિસ મહાસાગરથી જુદા પડતા હતા, જ્યારે બીજો અને ત્રીજો સમૂહ પ્રોટો-ઍટલાન્ટિક નામના નાના સાંકડા સમુદ્રમાર્ગથી જુદા પડતા હતા, આ પ્રકારનાં અર્થઘટનો કાર્બોનિફેરસ કાળ વખતની ધ્રુવોની સ્થિતિ પર તેમજ એ જ કાળના ગોંડવાના રચનામાં મળતા હિમનદીજન્ય નિક્ષેપો પર આધારિત છે.
ગિરીશભાઈ પંડ્યા