ટેગ્મેમિક ગ્રામર : પાશ્ચાત્ય ભાષા-વિજ્ઞાનની પરંપરામાં ભાષાને તપાસવાના અનેક સિદ્ધાન્તોમાંનો એક સિદ્ધાન્ત તે ટેગ્મેમિક ગ્રામર. આ સિદ્ધાન્તના જનક કેનેથ એલ. પાઈક છે. પાંચમા દાયકામાં આ સિદ્ધાન્ત પ્રચલિત બન્યો. પાઈક પછી આર. ઈ. લૉંગેકર, નાઇડા, એલ્સન અને પિકેટ વગેરે વિદ્વાનોએ એ દિશામાં કામ કર્યું.
ટેગ્મેમિક ગ્રામરના સિદ્ધાન્ત મુજબ ભાષા ત્રિપાર્શ્વિક (trimodal) હોય છે : ધ્વનિ, વ્યાકરણ અને કોશ (phonology, grammar and lexicon). ત્રણે પરસ્પરાવલંબી હોય છે અને દરેકમાં રચનાકીય અનેક સ્તર હોય છે. ‘ટેગ્મિમ’ એટલે રચનાનો એકમ.
દરેક સ્તરના એકમો હોય. ઉપલા સ્તરના એકમ, નીચલા સ્તરના એકમોથી ઘડાય. એમ એક રચના ઊભી થાય. વાક્યની કક્ષાના એકમને સિન્ટેગ્મિમ કહેવાય છે. એથી નીચેની કક્ષાના ઘટકને ટેગ્મિમ કહેવાય છે.
‘દીવાનખાનાની એક દીવાલ પર મેં હાથ ફેરવ્યો’ – આ વાક્યમાં ‘દીવાનખાનાની એક દીવાલ પર’ નામપદ નામનો સિન્ટેગ્મિમ છે, બીજો ‘મેં’ એવો સિન્ટેગ્મિમ છે, ત્રીજો ‘હાથ’ છે અને ચોથો ‘ફેરવ્યો’ એ ક્રિયાપદ નામનો સિન્ટેગ્મિમ છે. પહેલા સિન્ટેગ્મિમમાં વિશેષણ નિર્ધારક નામ અને નામયોગી એવા ટેગ્મિમ છે.
ગુજરાતી ભાષામાં કેટલાક અંશે ટેગ્મેમિક્સને આધારે વર્ણન કરવાનો પ્રયાસ ડૉ. ઊર્મિ દેસાઈએ કર્યો છે.
આ સિદ્ધાન્તમાં બીજો મહત્વનો ખ્યાલ ‘એમિક’ અને ‘એટિક’ ઘટકો વચ્ચેના વિરોધનો છે. એ પરથી ભાષાના સામાન્ય ઘટકને એટિક ઘટક વ્યવસ્થા કહેવાય છે અને ચોક્કસ ભાષાના ઘટકને એમિક ઘટક કહેવાય છે. phonetics (ઉચ્ચારણશાસ્ત્ર), phonemics કોઈક ભાષાની ધ્વનિવ્યવસ્થા છે. નીચેના કોઠામાં આ સિદ્ધાન્તને મૂકવાનો પ્રયાસ કર્યો છે.
ભાષાના એકમોને ત્રણ ર્દષ્ટિબિંદુથી જોવાય છે : અંશ (particle), સળંગ પ્રવાહ wave અને ક્ષેત્ર field. ભાષાના અંશો છૂટા તારવી શકાય છે. તે ક્યારેય છૂટા વપરાતા નથી અને અંશો ક્યારેય એકલા વપરાતા નથી.
ભાષાની વ્યવસ્થા | ||
ધ્વનિવ્યવસ્થા | કોશવ્યવસ્થા | વ્યાકરણવ્યવસ્થા |
ધ્વનિએકમોની વ્યવસ્થા | કોશના એકમોની
વ્યવસ્થા |
વ્યાકરણિક એકમોની
વ્યવસ્થા |
ધ્વનિ (phone) | રૂપ (morph) | પદ (tagma) |
ધ્વનિઘટક (phoneme) | રૂપઘટક (morpheme) | પદઘટક (tagmeme) |
ઉપધ્વનિ (allophones) | ઉપરૂપ (allomorph) | ઉપપદ (allotagma) |
અક્ષર (syallable) | રૂપસમૂહ | રચના |
અરવિંદ ભાંડારી