ટેઇલર, એડવર્ડ (જ. 1644, ઇંગ્લૅન્ડ; અ 1729) : અમેરિકન કવિ. 1668માં એમણે અમેરિકામાં બૉસ્ટનમાં સ્થળાંતર કર્યું. શિક્ષણ હાર્વર્ડમાં. મૅસેચૂસેટ્સના સીમાપ્રાન્તના નગર વેસ્ટફર્ડમાં પાદરી અને તબીબ થયા અને જીવનભર ત્યાં જ સેવાઓ અર્પણ કરી. એમની ઇચ્છા અનુસાર એેમના અવસાન પછી એમના પૌત્ર એઝરા સ્ટાઇલ્સે
એમનાં કાવ્યો અપ્રકાશિત રાખ્યાં હતાં. એમનાં કાવ્યોની હસ્તપ્રતો યેઇલમાં સુરક્ષિત હતી. એ પરથી છેક 1937માં ટૉમસ એચ. જ્હૉનસને એમનાં કાવ્યોનું સંપાદન કર્યું અને એમના ‘પોએટિક વકર્સ’ – સમગ્ર કવિતા – નું પ્રકાશન કર્યું. પછી 1960માં એની સર્વગ્રાહી વિસ્તૃત સંવર્ધિત આવૃત્તિનું પ્રકાશન થયું. એમણે 1701થી 1703 લગી પાદરી તરીકે ધર્મોપદેશ કર્યો હતો. ઉપરાંત એમણે પોતાનાં કાવ્યો વિશે મનનચિંતન અને વિવેચન કર્યું હતું. 1962માં એમનાં 14 પ્રવચનો અને વિવેચનોનો સંગ્રહ ‘ક્રિસ્ટોગ્રાફિયા’ શીર્ષકથી પ્રગટ થયો. 1937માં એમનાં કાવ્યોના પ્રકાશન પછી જ ઇંગ્લૅન્ડમાં નહિ પણ અમેરિકામાં ઇંગ્લૅન્ડના સત્તરમી સદીના ધાર્મિક કવિઓ હર્બર્ટ, ક્રેશો આદિની જ્ઞાનમાર્ગી (metaphysical) કવિતાની પરંપરાના કવિ તરીકે, પ્યૂરિટન ધાર્મિક–આધ્યાત્મિક કવિ તરીકે એમનો સ્વીકાર થયો છે.
નિરંજન ભગત