ટેકરી (hill) : ભૂમિસ્વરૂપોનો એક પ્રકાર. પૃથ્વીની સપાટી ઉપર ઊંચાણ–નીચાણ દર્શાવતા આકારો. ટેકરી એ પૈકીનું એક ભૂમિસ્વરૂપ છે. 600 મીટર સુધીની ઊંચાઈ ધરાવતા ભૂમિસ્વરૂપને ટેકરી કહેવાય છે, જે પર્વતને મળતું આવતું નાનું સ્વરૂપ છે. તેનો શીર્ષભાગ શિખર આકારમાં સ્પષ્ટપણે જુદો તરી આવે છે. ટેકરીનો બધી બાજુનો ઢોળાવ એકસરખો હોવા છતાં તેના જુદા જુદા ભાગોમાં ઢોળાવનું પ્રમાણ જુદું જુદું હોઈ શકે છે. બધી બાજુએ એકસરખા ઢોળાવવાળી ટેકરી શંકુઆકાર ટેકરી કહેવાય છે. તો ભિન્ન ભિન્ન ઢોળાવપ્રમાણ ધરાવતી ટેકરી અનિયમિત ઢોળાવવાળી ટેકરી કહેવાય છે.

કયા દ્રવ્યમાંથી અને કેવી રીતે ટેકરીઓ બને છે તેના ઉપરથી તેમને બે પ્રકારોમાં વહેંચી નાખવામાં આવે છે : (1) રચનાત્મક ટેકરીઓ (constructional hills) અને (2) વિનાશાત્મક ટેકરીઓ (destructional hills). પ્રથમ પ્રકારમાં તે હિમનદીઓ અને પવનો દ્વારા તૈયાર થયેલા ખડકચૂર્ણ કે રેતીમાં નિક્ષેપક્રિયા થવાથી બનેલી હોય છે. અંડાકાર હિમનદ ટીંબા (drumlin) કે રેતીના ઢૂવા (sand dunes) તેનાં ઉદાહરણ કહેવાય. ભૂપૃષ્ઠ પરનાં ઉચ્ચ સપાટ પ્રદેશો કે મેદાનોના ચારે બાજુએથી થતા વધુ પડતા ખવાણ–ઘસારાને કારણે આકાર પામતી ટેકરીઓને બીજા પ્રકારમાં મૂકી શકાય. ધોવાણને વધુ ગ્રાહ્ય એવા ચૂનાખડકોથી બનેલી ટેકરીઓ આ પ્રકારમાં આવે છે. સામાન્ય રીતે ટેકરીઓ બનવા માટે ભૂમિઉત્થાન કારણરૂપ ગણાતું નથી. તેમ છતાં પોપડામાં થતી રહેતી વિક્ષેપપ્રક્રિયા આ માટે જવાબદાર ગણી શકાય.

ખાણ-ઇજનેરો ખાણમાંના ઊંચાઈધારક ભાગોને પણ ટેકરી તરીકે ઘટાવે છે.

ગિરીશભાઈ પંડ્યા