ટુ કિલ અ મૉકિંગ બર્ડ (1962) : હૉલિવૂડનાં નોંધપાત્ર ચલચિત્રોમાંનું એક. કલાકારો : ગ્રેગરી પેક, મેરી બેડહન, ફિલિપ ઑલ્ફર્ડ, બ્રોક પીટર્સ. અવધિ : 129 મિનિટ. હાર્પર લીની નવલકથા પરથી હૉર્ટન ફૂટે તેની પટકથા લખી હતી. તેને દિગ્દર્શક રૉબર્ટ મલિગને આકર્ષક રૂપેરી દેહ આપ્યો.
કથાનક : અલાબામાના એક ધારાશાસ્ત્રીને માથે મા વગરનાં પોતાનાં બે બાળકોને ઉછેરવાની જવાબદારી આવી પડે છે. આ વિકટ કામગીરી પાર પાડતાં સર્જાતી કઠોર અને કોમળ લાગણીના સંઘર્ષ અને માનવીય સંબંધોના મૂલ્યાંકન વિશે સર્જાતી અનિર્ણાયકતાનું નિરૂપણ કરતા આ ચિત્રમાં ધારાશાસ્ત્રીની ભૂમિકા માટે ગ્રેગરી પેકને ઑસ્કાર પુરસ્કાર મળ્યો હતો. બંને બાળકોનો અભિનય પ્રભાવશાળી રહ્યો છે. અમેરિકી ચલચિત્ર ઉદ્યોગે વંશીય સંબંધોને હાથ ધરીને બનાવેલાં શ્રેષ્ઠ ચલચિત્રોમાં ‘ટુ કિલ અ મૉકિંગ બર્ડ’નો સમાવેશ થાય છે.
નરેન્દ્ર જોશી