ટીંડોરીના રોગો : વેલાવાળી શાકભાજી વર્ગની એક વનસ્પતિ ટીંડોરીને થતા રોગો. તેમાં ભૂકી છારો, પાનનાં સરકોસ્પોરાનાં ટપકાં અને અલટરનેરિયાનાં ટપકાંનો રોગ થાય છે.
ભૂકી છારો : આ રોગ સ્ફિરોથિકા ફ્યુલીજિનિયા અને ઇરિસાયફી સિકોરેસિયેરમ નામની ફૂગ દ્વારા થાય છે. તે પાન પર આક્રમણ કરી શરૂઆતમાં પાન પર પીળાં ધાબાં કરે છે અને પાનના કોષોની અંદર પ્રવેશ કરી ત્યાં વૃદ્ધિ કરે છે. ત્યાં છારાનો વિકાસ થતાં કણીબીજાણુઓ (conidia) કણીવૃંત (conidiophore) દ્વારા પાનની ઉપરની સપાટી પર બહાર આવે છે અને પાનની સપાટી ઉપર સફેદ ભૂકીનું આવરણ બનાવે છે તેથી તે ભૂકી છારાના નામથી ઓળખાય છે. આ દરમિયાન ઠંડું વાતાવરણ ચાલુ રહે તો રોગગ્રસ્ત પાન સુકાઈ જાય છે અને વેલાઓ પર રોગ ફેલાવાથી વેલા સુકાતાં છોડ સુકાઈને મરી જાય છે. આ ફૂગ ફૂલ અને ફળ પર આક્રમણ કરતી હોવાથી ફળ વધતાં નથી અને નાનાં ફળ પીળાં થઈ ખરી પડે છે. રોગના આક્રમણવાળાં ફૂલો ફળ બેસતાં પહેલાં જ ખરી પડે છે. રોગવાળા વેલાનાં પાન અપરિપક્વ સ્થિતિમાં ખરી પડે છે.
આ ફૂગને ભેજવાળું ઠંડું હવામાન અનુકૂળ આવે છે. આ રોગને કાબૂમાં લેવા કાલીકઝીન કે કાર્બન્ડાઝીમ દવાનો બેથી ત્રણ વાર 15થી 20 દિવસે છંટકાવ કરવો પડે છે.
સરકોસ્પોરાનાં ટપકાં કે ઝાળ : આ રોગ ટીંડોરી ઉગાડતા દરેક પ્રદેશમાં જોવા મળે છે. આમાં સરકોસ્પોરા નામની ફૂગ પાન પર નાનાં પાણીપોચાં ટપકાં કરે છે અને ફૂગ આગળ વૃદ્ધિ કરી ઝાંખાં સફેદ ભૂખરાં ટપકાં પેદા કરે છે. આ ટપકાં મુખ્યત્વે લંબગોળ હોય છે. તેની કિનારી લાલ ભૂખરા રંગની અને વચ્ચેનો ભાગ મૃત પેશીઓવાળો ભૂખરા રંગનો હોય છે. રોગની શરૂઆત પાનની ધારની નજીકથી થઈ હોય તો પાન કોકડાઈ જાય છે. પાન પર ટપકાંની સંખ્યા વધુ હોય તો આખું પાન સુકાઈને ખરી પડે છે. આવા વેલા પર નાનાં ચીમળાયેલાં ફળ બેસે છે. રોગગ્રસ્ત ફળો પીળાં થઈને ખરી પડે છે.
આ રોગને કાબૂમાં લેવા કાર્બન્ડાઝીમ દવાનો છંટકાવ કરવામાં આવે છે.
અલ્ટરનેરિયાનાં ટપકાં : આ રોગમાં અલ્ટરનેરિયા નામની ફૂગ પાનની કિનારી પર આક્રમણ કરી અંત:પરજીવી (endoparasite) તરીકે પાનના કોષોની પેશીઓમાં વૃદ્ધિ કરે છે. શરૂઆતમાં તે પાનની કિનારી પર પાણીપોચાં પીળાં ધાબાં કે ટપકાં કરે છે. આવી રોગગ્રસ્ત કિનારી પીળી પડવાથી અને કોષો અને પેશીઓનું મૃત્યુ થવાથી સુકાઈ જાય છે. તે પાનને ગરમી લાગી હોય તેવો સુકારો થતો હોવાથી આ રોગ પાનની ઝાળ તરીકે ઓળખાય છે. તીવ્ર આક્રમણ હોય તો આવા વેલા ઉપરનાં ફળનો વિકાસ અટકી જાય છે અને તે અવિકસિત અને નાનાં રહે છે.
આ રોગ ડાયથાયોકાર્બામેર પ્રકારની ફૂગનાશક દવાના છંટકાવથી કાબૂમાં આવી જાય છે.
હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ