ટીંટોઈ : અરવલ્લી જિલ્લામાં મોડાસાની ઉત્તરે શામળાજીના રસ્તે ઈશાન ખૂણા પર આવેલું મહત્વનું પ્રાચીન સ્થાન. ભૌગોલિક સ્થાન : 23° 26´ ઉ. અ. અને 73° 15´ પૂ. રે.. થોડાં વર્ષો પહેલાં ખોદકામ દરમિયાન ત્યાં મંદિરના અવશેષો – મહાવીરસ્વામીની મૂર્તિ વગેરે – મળી આવ્યા હતા, જે મોડાસા કૉલેજ મ્યુઝિયમમાં રાખવામાં આવેલ છે. પહેલાં તે ઈડર રિયાસતના તાબાનું ગામ હતું. 1741માં ઈડરના રાજવી રાયસિંહે પોતાના સરદારોને સેવાના બદલામાં પટા આપ્યા ત્યારે કંપાવત અમરસિંહને ટીંટોઈનો પટો આપવામાં આવ્યો. ટીંટોઈના આ સરદાર સામંતનો અન્ય સરદારો પર સારો  પ્રભાવ હતો. પાછળથી ટીંટોઈનો પટો ચંપાવત માનસિંહને આપવામાં આવ્યો હતો.

ટીંટોઈમાં ‘મોરીનો-પારસનાથ’ નામે ઓળખાતું પાર્શ્વનાથનું જૈન મંદિર આવેલું છે. આ ગામ એક નાનું વ્યાપારકેન્દ્ર પણ છે.

વિનોદ પુરાણી