ટાઇરોસ (ઉપગ્રહો) : અમેરિકાના હવામાન ઉપગ્રહની સૌપ્રથમ શ્રેણી. 1 એપ્રિલ, 1960ના રોજ આ શ્રેણીના પહેલા ઉપગ્રહ ટાઇરોસ-1ને 1700 કિમી.ની ઊંચાઈ પર વર્તુળાકાર ભ્રમણકક્ષામાં પ્રક્ષેપિત કરવામાં આવ્યો. Television and Infra Red Observation Satelliteના પ્રત્યેક શબ્દના પ્રથમ અક્ષર ઉપરથી તેનું ટૂંકું નામ ‘TIROS’ –ટાઇરોસ રાખવામાં આવ્યું હતું. તેમાં રાખવામાં આવેલા નાજુક ટેલિવિઝન કૅમેરા દ્વારા ર્દશ્યમાન તેમજ અવરક્ત (infrared) પ્રકાશમાં, પૃથ્વી પરના વાદળ-આચ્છાદનની છબીઓ લેવામાં આવી હતી. ટાઇરોસ-1 વડે 12 જુલાઈ, 1960 સુધીમાં પૃથ્વીના જુદા જુદા પ્રદેશો પરનાં લગભગ 23,000 વાદળની છબી મેળવી શકાઈ હતી. આ વાદળ-છબીઓ દ્વારા હવામાનશાસ્ત્રીઓને પ્રથમ વખત જ પૃથ્વીના વિશાળ પ્રદેશો ઉપરના હવામાન અંગે એક સ્પષ્ટ ચિત્ર ઉપલબ્ધ થયું હતું, જેની મદદથી હવામાનનાં તોફાન અંગે જાણકારી મેળવી શકાઈ હતી. તેના અભ્યાસ દ્વારા તે વિશેની આગાહી પણ શક્ય બની હતી.
તે પછીનાં વર્ષોમાં ટાઇરોસ શ્રેણીના બીજા નવ ઉપગ્રહો પ્રક્ષેપિત કરવામાં આવ્યા હતા. મોટાભાગના ટાઇરોસ ઉપગ્રહોના ભ્રમણકોણ વિષુવવૃત્તથી 50°–60° જેટલા અંશે હોવાથી, પૃથ્વીના ધ્રુવીય પ્રદેશો પરની વાદળ-છબીઓ ઉપલબ્ધ થઈ શકતી નહોતી. આ શ્રેણીના છેલ્લા બે ટાઇરોસ ઉપગ્રહોને ધ્રુવીય કક્ષામાં તરતા મૂકવામાં આવ્યા હતા, જેથી દર 24 કલાકે સમગ્ર પૃથ્વી પરની વાદળ-છબીઓ પ્રાપ્ત થઈ શકી હતી. આ ઉપગ્રહમાં બીજો મહત્ત્વનો સુધારો એ કરવામાં આવ્યો કે ઉપગ્રહ દ્વારા ટેલિવિઝન છબીઓ પ્રસારિત કરવાની પદ્ધતિમાં પરિવર્તન કરવામાં આવ્યું અને સ્વયંસંચાલિત ચિત્રપ્રસારણ-પદ્ધતિ (automatic picture transmission system, APTS) નામની એક નવી પદ્ધતિ દાખલ કરવામાં આવી. 1972 સુધીમાં ભારત સહિતના કુલ 50 દેશોમાં APT પ્રકારનાં 500 ભૂમિ-મથકો દ્વારા વાદળ-છબીઓ મેળવવામાં આવી હતી. તેનો હવામાન વિશેની આગાહી માટે ઉપયોગ કરવામાં આવ્યો હતો.
પરંતપ પાઠક