ઝોલા, એમિલ (જ. 2 એપ્રિલ 1840, પૅરિસ; અ. 29 સપ્ટેમ્બર 1902, પૅરિસ) : ફ્રેન્ચ નવલકથાકાર. ઇજનેર પિતાના પુત્ર. કારકિર્દીનો પ્રારંભ કર્યો હેચેટના પ્રકાશનગૃહ ખાતે કારકુન તરીકે; એમાં ગોઠવાઈ ન શકાયાથી પત્રકાર બન્યા, ત્યાં વિવેચન, રાજકારણ તથા નાટ્યપ્રવૃત્તિને લગતી તેમની કામગીરી લગભગ નિષ્ફળ રહી. છેવટે તેમણે ટૂંકી વાર્તાઓ લખવાના ક્ષેત્રે ઝંપલાવ્યું. અને અહીં તેમની લેખનશક્તિની વિશેષતા પૂરેપૂરી ખીલી ઊઠી. તેમની અનેક આસ્વાદ્ય રચનાઓમાં ‘કાત આ નિનો’ (1864) તથા ‘નુવો કાત આ નિનો’ જેવી વાર્તાઓ ખૂબ યાદગાર નીવડી છે. વળી ‘લ કેપિતેન બુર્લ’, ‘નાત મિકૉલ’ અને ‘આર્તાક દ્યુ મુલાં’ જેવા વાર્તાસંગ્રહોએ તેમને ઇતર ભાષાઓમાં પણ પ્રતિષ્ઠા અને પ્રસિદ્ધિ અપાવ્યાં છે.
રાજાશાહીનાં ઉત્તરાર્ધનાં વર્ષોમાં તેમણે ફ્લૉબેર, ડોડે, ગાકૂર નવલકથાકાર બંધુઓ તથા તુર્ગેનેવ સાથે મળીને એક પ્રકારનું અવિધિસર મંડળ ઊભું કર્યું અને તેમાંથી જ ‘નૅચરાલિસ્ટ સ્કૂલ’નો જન્મ થયો. આ પ્રવાહના પગલે પગલે લખાયેલી તેમની સર્વપ્રથમ નવલકથા તે ‘થૅરેસ રાકાં’ (1867); તેમાં પશ્ચાત્તાપનું અત્યંત વેધક ચિત્ર આલેખાયું છે. યુદ્ધ પછી તેમણે ‘લે રુગોંમાકાર’ નામની ખૂબ ખ્યાતિ પામેલી મહાનવલશ્રેણીનો પ્રારંભ કર્યો. તેના પેટાશીર્ષક પ્રમાણે આમાં દ્વિતીય સામ્રાજ્ય દરમિયાનનો એક પરિવારનો સામાજિક ઇતિહાસ તાશ આલેખાયો છે. 20 ગ્રંથોની અતિ વિસ્તૃત કુટુંબકથામાં અસંખ્ય પાત્રોને લગતી અનેક ઘટનાઓનું કુશળતાપૂર્વક પરસ્પર સંકલન કરાયું છે. આમાંથી અંગ્રેજી અનુવાદ રૂપે સુલભ થયેલી ‘નાના’ (1880), ‘જરમિનલ’ (1885), ‘અર્થ’ (1887), ‘ધ બીસ્ટ ઇન મૅન’ જેવી નવલકથાઓ અભ્યાસપૂર્ણ કૃતિઓ તરીકે ભારે પ્રશંસા પામી છે.
ફ્રાંસના યહૂદી લશ્કરી અધિકારી ડ્રેફસ સામે ગુપ્ત લશ્કરી દસ્તાવેજો જર્મનોને આપી દેવાના ખટલા પ્રસંગે રાષ્ટ્રવ્યાપી ઊહાપોહ જાગ્યો તેમાં એક જાહેર પત્ર લખીને તેમણે ડ્રેફસની તરફેણ કરી; તેના બદલામાં તેમને 1898માં કારાવાસની સજા કરવામાં આવી પણ તે છટકીને ઇંગ્લૅન્ડ જઈ વસ્યા. ઝોલાની કૃતિઓના અંગ્રેજી અનુવાદ પ્રકાશિત કરવા બદલ પ્રકાશક વિઝેતેલીને પણ કારાવાસ વેઠવો પડ્યો હતો. ડ્રેફસ નિર્દોષ છૂટ્યા પછી ઝોલા સ્વદેશ પાછા ફર્યા ત્યારે પ્રજાએ તેમને ખૂબ ઉમળકાભર્યો આવકાર આપ્યો.
પૅરિસમાં કોલસાના ધુમાડાથી ગૂંગળામણ થવાથી તેમનું આકસ્મિક રીતે મૃત્યુ થયું હતું.
વિ. પ્ર. ત્રિવેદી