ઝીણા, મહમદઅલી

January, 2014

ઝીણા, મહમદઅલી (જ. 20 ઑક્ટોબર 1875, કરાંચી; અ. 11 સપ્ટેમ્બર 1948, કરાંચી) : પાકિસ્તાનના નિર્માતા અને મુત્સદ્દી. મહમદઅલી ઝીણાનો જન્મ તેમના પોતાના કથન મુજબ, રવિવાર 25 ડિસેમ્બર, 1876(અને કરાંચીની શાળાના રજિસ્ટર મુજબ, 20 ઑક્ટોબર 1875)ના રોજ કરાંચીમાં સ્થિર થયેલા સૌરાષ્ટ્રના ખોજા કુટુંબમાં થયો હતો. તેમના પિતા, ઝીણાભાઈ પૂંજાભાઈ ચામડાના વેપારી હતા. ઝીણાભાઈનાં સાત સંતાનોમાં તે પ્રથમ સંતાન હતા. તેમણે પ્રારંભિક શિક્ષણ કરાંચીમાં, મુંબઈની ગોકુલદાસ તેજપાલ શાળામાં (1885–86) અને ત્યાર પછી ફરી કરાંચી આવીને સિંધ મદરેસા હાઈસ્કૂલ (1887) તથા ક્રિશ્ચિયન મિશનરી સોસાયટી હાઈસ્કૂલમાં લીધું હતું. જાન્યુઆરી, 1893માં તે લંડનની ગ્રેહામ્સ શિપિંગ ઍન્ડ ટ્રેનિંગ કંપનીમાં વેપારવણજની વહીવટી તાલીમ મેળવવા માટે ઇંગ્લૅન્ડ ગયા. તે પહેલાં અમઈબાઈ સાથે તેમનું પ્રથમ લગ્ન કરવામાં આવ્યું હતું. લંડનમાં ઝીણાએ વ્યાપારનો અનુભવ લેવાને બદલે ધારાશાસ્ત્રી બનવાનો નિર્ણય કર્યો અને 1895–96માં તે લિંકન્સ ઇનમાંથી બૅરિસ્ટર થયા. લંડનમાં હતા તે વખતે તેમનાં પત્નીનું અવસાન થયું.

1896માં ઝીણાએ કરાંચીમાં વકીલાત શરૂ કરી અને 1897માં મુંબઈની હાઈકોર્ટમાં ધારાશાસ્ત્રી તરીકે નોંધાયા. 1903થી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશને તેમની કાનૂની સલાહકાર તરીકે સેવા લેવા માંડી, તે સાથે મહાનગર અને ઇલાકાના જાહેર જીવનના સીધા સંપર્કમાં તેઓ મુકાતા ગયા.

મહમદઅલી ઝીણા

1905–06માં કૉંગ્રેસનેતા તરીકે દેશના જાહેર જીવન અને રાજકારણમાં સક્રિય પ્રવેશ કર્યો તે પહેલાં ઇંગ્લૅન્ડમાં તેમના અભ્યાસકાળ દરમિયાન તેઓ દાદાભાઈ નવરોજીના સંપર્કમાં આવ્યા હતા. 1892માં ચોથી વખત બ્રિટનના વડાપ્રધાન થયેલા વિલિયમ ગ્લૅડ્સ્ટનના ઉદારવાદી વિચારોથી તેઓ ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે વખતોવખત હાઉસ ઑવ્ કૉમન્સની મુલાકાત લીધી હતી. પ્રથમ હિંદી તરીકે હાઉસ ઑવ્ કૉમન્સમાં બેસનારા દાદાભાઈ નવરોજીની ચૂંટણીમાં ઇંગ્લૅન્ડમાં અભ્યાસ કરતા બીજા હિંદી વિદ્યાર્થીઓ સાથે તેમણે પણ ખૂબ મહેનત કરી હતી. 1905માં બ્રિટનમાં ચૂંટણીઓ વખતે હિંદી સ્વશાસનના કેસની રજૂઆત કરવા કૉંગ્રેસે ગોપાલ કૃષ્ણ ગોખલે સહિતનું જે પ્રતિનિધિમંડળ ઇંગ્લૅન્ડ મોકલ્યું હતું તેમાં બૉમ્બે પ્રેસિડેન્સી ઍસોસિયેશન તરફથી ઝીણાનો પણ સમાવેશ થયો હતો. 1906માં કૉલકાતા કૉંગ્રેસ અધિવેશનના પ્રમુખ દાદાભાઈ નવરોજીના અંગત મંત્રી તરીકે પણ તેમણે કામ કર્યું હતું. શરૂઆતના તેમના જાહેર જીવનમાં તેઓ ગોખલેથી ખૂબ પ્રભાવિત થયા હતા. તેમણે તો ‘મુસ્લિમ ગોખલે’ થવાની પણ ઇચ્છા વ્યક્ત કરી હતી. લૉર્ડ મિન્ટોને મોકલવામાં આવેલા આવેદનપત્રમાં સહી કરીને તેમણે કોમી રાજકારણનો વિરોધ કર્યો હતો.

1907માં નવસ્થાપિત ઇન્ડિયન મુસલમાન ઍસોસિયેશનના ઉપપ્રમુખ તરીકે એમણે મુસ્લિમોની દાદ-ફરિયાદના નિકાલ સમેત સૌ હિંદવાસીઓની પ્રગતિ માટે રસ લેવાનો ઇરાદો  દર્શાવ્યો હતો. 1908માં લોકમાન્ય ટિળકની મુક્તિ માટે મુંબઈ હાઈકોર્ટમાં તેઓ કેસ  લડ્યા હતા, તે જ વર્ષે તેમણે ચેન્નાઈ અધિવેશન વખતે  ઇન્ડિયા કૉંગ્રેસ કમિટીની બેઠકમાં પણ હાજરી આપી હતી. 1910માં કેન્દ્રની કેન્દ્રીય ધારાસભા(legislative council)માં તેઓ મુંબઈના મુસ્લિમ મતવિસ્તારમાંથી ચૂંટાયા. જોકે એ જ વર્ષે ડિસેમ્બરમાં કૉંગ્રેસના અલ્લાહાબાદ અધિવેશનમાં કોમી મતદાર-મંડળના ખ્યાલનો અને  આવાં મતદારમંડળો વિસ્તારવાનો તેમણે વિરોધ કર્યો હતો અને ત્યાર પછી તરત જ (જાન્યુઆરી,  1911) એમણે હિંદુ-મુસ્લિમ એકતા પરિષદમાં ભાગ લીધો, તેમાં તેમણે ‘હિંદને માફક આવે તેવું સ્વશાસન’ મેળવવા પર ભાર મૂક્યો હતો. માર્ચ,  1913માં તૈયાર કરવામાં આવેલ મુસ્લિમ લીગનું બંધારણ ઘડવામાં તેમણે મદદ કરી હતી. લીગના નવા બંધારણના આદર્શો કૉંગ્રેસના રાષ્ટ્રીય એકતા અને કોમી સહકાર દ્વારા બંધારણીય સ્વશાસન પ્રાપ્ત કરવાના આદર્શોને સુસંગત હતા. 1913 સિવાય 1915, 1923, 1926 અને 1934માં તેઓ કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાઈને ગયા હતા. નીડરતા, કુશાગ્ર બુદ્ધિ, ઊંડું ધારાકીય જ્ઞાન તથા તર્કબદ્ધ દલીલો દ્વારા તેમણે ધારાસભામાં આગળ પડતો ભાગ ભજવ્યો હતો.

1913માં ઝીણા લંડન ગયા હતા. ત્યાં તેમણે હિંદી વિદ્યાર્થીઓ માટે લંડન ઇન્ડિયન ઍસોસિયેશનની સ્થાપના કરી. હિંદ પાછા ફરતાં પહેલાં તેમના મિત્રો મહમદઅલી અને સૈયદ વઝીરહસનના આગ્રહથી તેઓ મુસ્લિમ લીગના સભ્ય થયા, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે વિશાળ રાષ્ટ્રીય હિતને ભોગે તેઓ કોઈ પણ સંજોગોમાં મુસ્લિમ લીગ પ્રત્યે વફાદારી દાખવશે નહિ.

મે, 1914માં ઝીણા હિંદના ધારાકીય સુધારા માટે ચર્ચા કરવા કૉંગ્રેસ પ્રતિનિધિમંડળના સભ્ય તરીકે ફરી લંડન ગયા. 1915માં તેમણે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગ વચ્ચે વધુ એકતા સ્થાપવા રચનાત્મક પ્રયાસ કર્યો અને તેમની સમજાવટથી 1915નું મુસ્લિમ લીગનું વાર્ષિક અધિવેશન મુંબઈમાં કૉંગ્રેસના અધિવેશન વખતે જ ભરવામાં આવ્યું. ડિસેમ્બર, 1916ના મુસ્લિમ લીગના લખનૌમાં ભરવામાં આવેલ વાર્ષિક અધિવેશનના પ્રમુખ ઝીણા હતા. તેમના પ્રયાસથી 1916માં કૉંગ્રેસ અને લીગ વચ્ચે ‘લખનૌ કરાર’ થયા. આમ ટિળક અને બીજા કૉંગ્રેસના નેતાઓ સાથે મળીને ઝીણા પ્રાંતિક કાઉન્સિલમાં અલગ મુસ્લિમ બેઠકો અંગે સમજૂતી સાધવાના પ્રયાસમાં સફળ થયા. તેથી સરોજિની નાયડુએ ગોખલેના શબ્દોની યાદ આપી કે ઝીણા હિંદુ-મુસ્લિમ એકતાના શ્રેષ્ઠ હિમાયતી છે.

આ સમય દરમિયાન ઝીણા હોમરૂલ લીગની પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા હતા. 1917માં તેઓ હોમરૂલ લીગની મુંબઈ શાખાના પ્રમુખ થયા. 1918માં ઝીણા મુંબઈમાં તે વખતના મુંબઈના ગવર્નર વિલિંગ્ડન વિરોધી મોરચાનું નેતૃત્વ લઈને પ્રથમ વાર સીધા લોક-આંદોલનના નેતા બન્યા. તેમના આ કાર્યને બિરદાવવા માટે મુંબઈની જનતાએ હૉલ બાંધ્યો જે ‘ઝીણા હૉલ’ તરીકે જાણીતો થયો. આ હૉલનો પાયો ઍની બેસન્ટના હસ્તે નંખાયો હતો. એ જ વર્ષે (1918) ઝીણાએ બંધારણીય સુધારા માટે કૉંગ્રેસ અને મુસ્લિમ લીગની સંયુક્ત યોજના ઘડવા બનેલી 19 સભ્યોની સમિતિના સભ્ય તરીકે મહત્વનો ભાગ ભજવ્યો હતો. 1919માં તેમણે રૉલેટ કાયદાને ‘કાળા કાયદા’ તરીકે દર્શાવ્યો અને આ કાયદાના વિરોધમાં લેજિસ્લેટિવ કાઉન્સિલમાંથી રાજીનામું આપ્યું.

એપ્રિલ, 1918માં ઝીણાએ તેમનાથી 18 વર્ષ નાની વયની રતનબાઈ (રતી) નામની સર દિનશા પિટીટની પુત્રી સાથે લગ્ન કર્યાં. પરંતુ તેમનું લગ્નજીવન સુખી ન રહ્યું. થોડાં જ વર્ષોમાં બંને છૂટાં  પડ્યાં. રતનબાઈનું ભરયુવાન વયે અવસાન થયું. ઝીણાના માનસપટ પર આ દુ:ખી લગ્નજીવનની કાયમી અસર રહી ગઈ.

1920નું વર્ષ ઝીણાની રાજકીય કારકિર્દીનું પરિવર્તનનું વર્ષ બન્યું. તેમણે ગાંધીજીએ શરૂ કરેલા અસહકારના આંદોલનનો સંપૂર્ણ વિરોધ કર્યો અને કૉંગ્રેસ તેમજ હોમરૂલ લીગમાંથી રાજીનામું આપ્યું. કૉંગ્રેસ છોડ્યા પછી પણ તેઓ રાષ્ટ્રવાદી તો રહ્યા જ હતા; પરંતુ ગાંધીજીના નેતૃત્વ હેઠળ કૉંગ્રેસની નવી લોક-આંદોલન પ્રવૃત્તિના તેઓે વિરોધી હતા. શક્ય છે કે ગાંધીજી અને ઝીણાનું વ્યક્તિત્વ, તેમનું જીવનદર્શન અને કાર્યશૈલી વચ્ચે પાયાનો તફાવત હતો; કારણ કે આ સમયથી તેમણે ગાંધીજી સાથે દરેક બાબત અંગે સતત વિરોધ, મુસ્લિમ હિત સંડોવાયાં હોય કે ન હોય તોપણ, ચાલુ રાખ્યો. ગાંધીજીના રાષ્ટ્રીય તખ્તા પર આવ્યા પછી તેમને એક પ્રમુખ નેતા તરીકેની તેમની મહત્વાકાંક્ષા જોખમાતી લાગી. આ સમયથી કમનસીબે કૉંગ્રેસે પણ ઝીણા પ્રત્યે ઉપેક્ષા સેવી; તેમ છતાં હજી એક દાયકા સુધી ઝીણાનો રાજકીય અભિગમ રાષ્ટ્રવાદી રહ્યો. 1923માં તેઓ કેન્દ્રીય ધારાસભામાં ચૂંટાયા અને સરકારના આલોચક રહ્યા. 1924માં મુસ્લિમ લીગના લાહોર અધિવેશન વખતે તેઓ ત્રણ વર્ષ માટે એના નિર્વિરોધ પ્રમુખ બન્યા. અસહકાર આંદોલનની સમાપ્તિ પછીનાં વર્ષો દરમિયાન હિંદના કેટલાક ભાગોમાં હિંદુ-મુસ્લિમ તણાવ વધવા લાગ્યો હતો. 1926ના મુસ્લિમ લીગના અધિવેશનમાં તેમણે સ્વીકાર કર્યો કે દેશમાં કોમવાદ અસ્તિત્વ ધરાવે છે તે માત્ર લાગણી કે સમયને પરિણામે નાબૂદ ન થાય. ઝીણાના માર્ગદર્શન હેઠળ મુસ્લિમ લીગે 1928માં સાઇમન કમિશનનો બહિષ્કાર કર્યો; પરંતુ એ જ વર્ષે કૉલકાતામાં ભરાયેલ સર્વપક્ષીય સંમેલન વખતે મુસ્લિમ કોમના તેમના નેતૃત્વ અંગે શંકા ઉઠાવવામાં આવી, તેના ઝીણા પર ઊંડા પ્રત્યાઘાત પડ્યા. તેમ છતાં 1929માં કેન્દ્રીય ધારાસભામાં એમણે સાઇમન કમિશનમાં એક પણ હિંદી ન હોવાના મુદ્દે કમિશનની ટીકા કરી અને ઉમેર્યું કે જવાબદાર સાંસ્થાનિક સરકાર વગર હિંદુમુસ્લિમ હિતોનો નિકાલ આણવાનું શક્ય નથી. નહેરુ રિપોર્ટના પ્રત્યાઘાત રૂપે તેમણે  માર્ચ, 1929માં મુસ્લિમોની માગણીના સંદર્ભમાં 14 મુદ્દાઓ રજૂ કર્યા.

1930થી 1934 સુધી તેઓ હિંદ છોડીને લંડનમાં જઈને રહ્યા. અને પ્રિવી કાઉન્સિલમાં વકીલાત શરૂ કરી. ગોળમેજી પરિષદ વખતે (1930–32) તેમણે કોમી પ્રશ્નના ઉકેલ માટે પોતાની ર્દષ્ટિએ પ્રયાસ કર્યા, પરંતુ હિંદુ-મુસ્લિમ એકતાનો આદર્શ સેવતી કૉંગ્રેસ ઝીણાએ ગોળમેજી પરિષદ સમક્ષ રજૂ કરેલી માગણીઓે સ્વીકારવા તૈયાર ન હતી, બીજી બાજુ મુસ્લિમ હિતોના ચુસ્તસંકુચિત હિમાયતીઓ સમાધાન માટે તૈયાર ન હતા, પરિણામે ઝીણાના પ્રયાસ નિષ્ફળ ગયા.

ગમે તેમ પણ 1934ના વર્ષ સાથે આવેલા રાજકીય પરિવર્તનના વાતાવરણમાં તેઓ દેશમાં ન હતા. તોપણ મુંબઈના મુસ્લિમોના પ્રતિનિધિ તરીકે કેન્દ્રીય ધારાસભા માટે એમની ઉમેદવારી ફેબ્રુઆરીમાં નોંધાઈ અને માર્ચમાં મુસ્લિમ લીગનાં તે ગાળામાં જુદાં થઈ ગયેલાં બંને જૂથોએ ભેગાં થઈ એમને ફરી પ્રમુખ તરીકે ચૂંટી કાઢ્યા. ઇકબાલે રજૂ કરેલા પાકિસ્તાનના ખ્યાલથી આકર્ષાઈને તથા લિયાકત અલીખાનની સમજાવટથી તેઓ દેશમાં આવીને લીગનું નેતૃત્વ લેવા તૈયાર થયા. એપ્રિલ, 1934માં તેઓ મુસ્લિમ લીગના વાર્ષિક અધિવેશન વખતે હિંદ પાછા આવ્યા.

ઝીણાએ નબળી પડી ગયેલી લીગના સંગઠનને વ્યવસ્થિત બનાવ્યું અને તેનું સંપૂર્ણ નેતૃત્વ પોતાના હાથમાં લીધું. ત્યાર પછીનાં વર્ષો દરમિયાન ઝીણાએ લીગની પ્રવૃત્તિને મુસ્લિમ સમૂહો સુધી પહોંચાડી અને મુસ્લિમો માટેના આંદોલનને વ્યાપક ફલક આપ્યું. તેમણે હિંદના ઘણા વિસ્તારોની મુલાકાત લીધી, સાથે સાથે 1935ની શરૂઆતમાં તેમણે  કૉંગ્રેસ-પ્રમુખ રાજેન્દ્રપ્રસાદ સાથે પણ વાટાઘાટો કરી, પરંતુ તેમાં તેમને સફળતા ન મળી

બ્રિટિશ સરકારના 1935ના બંધારણીય કાયદા હેઠળ પ્રાંતિક સ્વાયત્તતાની યોજનાના સંદર્ભમાં 1937માં સામાન્ય ચૂંટણીઓ યોજાઈ. તેમાં કૉંગ્રેસ તેમજ મુસ્લિમ લીગે ભાગ લીધો. કૉંગ્રેસને મોટાભાગના પ્રાંતોમાં બહુમતી મળી. પ્રાંતોમાં પ્રધાનમંડળ રચવાના પ્રશ્ને કૉંગ્રેસ અને લીગ વચ્ચે મતભેદ થયો. ઝીણાએ પ્રાંતોમાં લીગના સભ્યોને પણ સામેલ કરીને પ્રધાનમંડળ રચવાનો કૉંગ્રેસને આગ્રહ કર્યો. પરંતુ કૉંગ્રેસે તેનો અસ્વીકાર કર્યો. કૉંગ્રેસે તે વખતે બંગાળમાં ફઝલૂલ હકના નેતૃત્વ હેઠળના કૃષક પ્રજા પક્ષને પણ પ્રધાનમંડળની રચનામાંથી બાકાત રાખ્યો. ઝીણા માટે આ મહત્વની તક હતી. તેમણે ફઝલૂલ હકના કૃષક પ્રજા પક્ષનું લીગ સાથે જોડાણ કર્યું. પંજાબમાં પણ યુનિયનિસ્ટ પાર્ટીને લીગનો ટેકો મળ્યો. આ સમયથી લીગની વગ બંગાળ અને પંજાબના મુસ્લિમોમાં વધવા લાગી.

1937 પછી લીગે પોતાની નીતિ બદલીને કૉંગ્રેસ પ્રધાનમંડળનો વિરોધ કર્યો. ઝીણાના નેતૃત્વ હેઠળ લીગે એવો પ્રચાર શરૂ કર્યો કે કૉંગ્રેસ સરકારો હેઠળ મુસ્લિમો પર ત્રાસ ગુજારવામાં આવે છે. હવે લીગે લઘુમતી તરીકે મુસ્લિમોના અધિકારોની યોગ્ય સુરક્ષાની માગણી માટે આંદોલન શરૂ કર્યું. લીગની આ ઝુંબેશને સમજવામાં કૉંગ્રેસ નિષ્ફળ ગઈ. કૉંગ્રેસનું લક્ષ્ય બ્રિટિશ હકૂમત નાબૂદ કરવાનું હતું અને જો તે નાબૂદ થાય તો કોમવાદનો પ્રશ્ન પણ હલ થઈ જાય તેવો તેનો ખ્યાલ હતો. 1938ના એપ્રિલમાં લીગના કૉલકાતા અધિવેશનના પ્રમુખપદેથી ઝીણાએ મુસ્લિમ લીગને કૉંગ્રેસને સમકક્ષ ગણવાનો દાવો કર્યો. 1938ના ડિસેમ્બરમાં લીગના પટણા ખાતે ભરાયેલા અધિવેશનમાં ઝીણાએ તેમના પ્રમુખીય ભાષણમાં હિંદથી અલગ થવા વિશેના વાજબીપણાનો ખ્યાલ આપ્યો અને એવો આક્ષેપ કર્યો કે કૉંગ્રેસ હિંદુવાદી બની રહી છે.

દ્વિતીય વિશ્વયુદ્ધમાં અંગ્રેજ સરકારે હિંદની પ્રજાને પૂછ્યા વગર સંડોવી તેના વિરોધમાં કૉંગ્રેસે પોતાના હસ્તકના પ્રાંતોમાં સત્તા છોડી ત્યારે ઝીણાના નેતૃત્વ હેઠળ લીગે પોતાના એકમોને 22 ડિસેમ્બર, 1939ના દિવસને ‘મુક્તિ દિન’ તરીકે ઊજવવા હાકલ કરી ! ત્રણ મહિના પછી 22–23 માર્ચ, 1940ને દિવસે લાહોરના અધિવેશનમાં પ્રથમવાર હિંદુઓ અને મુસ્લિમોનાં બે અલગ રાષ્ટ્રના સિદ્ધાંતને ધોરણે અલગ મુસ્લિમ રાજ્ય પાકિસ્તાનની માગણી કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો. હવે પછીથી ઝીણાએ બ્રિટિશ સરકાર સમક્ષ કૉંગ્રેસની બધી બંધારણીય વાટાઘાટો (ક્રિપ્સ મિશન  1942, વેવેલ યોજના  1945, અને કૅબિનેટ મિશન 1946) વખતે મુસ્લિમો માટે અલગ રાષ્ટ્રની માગણીને જ કેન્દ્રમાં મૂકી હતી. 1942ના ‘હિંદ છોડો’ આંદોલનમાં ઝીણાએ હિંદુરાજ માટેની કૉંગ્રેસી ચાલ જોઈ અને યુદ્ધમાં સહકાર પરત્વે એવી શરતી ભૂમિકા લીધી કે યુદ્ધને અંતે બ્રિટન પાકિસ્તાનની રચના વિશે વિચારશે એવી બાંયધરી મળે તો યુદ્ધકાલીન કામચલાઉ કૅબિનેટમાં જોડાવાનું લીગ વિચારશે. 1945માં હિંદના ભાવી સત્તાન્તર બાબત વિચારવા મળેલી સિમલા પરિષદ પણ તેના પરના પાંચેય મુસ્લિમ પ્રતિનિધિઓ કેવળ લીગ જ નીમે એવા ઝીણાના આગ્રહને કારણે નિષ્ફળ ગઈ, કારણ કે દેશના સર્વ ધર્મો ને વર્ણોની સંસ્થા તરીકે કૉંગ્રેસ એ માગણી સાથે સંમત થઈ શકે એમ ન હતી. વળી આ સમયે કૉંગ્રેસના પ્રમુખ પણ મૌલાના અબુલ કલામ આઝાદ હતા. તેમ છતાં એ હકીકત હતી કે લીગના જોરદાર પ્રચારથી 1945ના ડિસેમ્બરમાં કેન્દ્રીય ધારાસભાની ત્રીસેત્રીસ મુસ્લિમ બેઠકો લીગને મળી. આવા સંજોગોમાં બંધારણીય વાટાઘાટો માટે કૅબિનેટ મિશન હિંદમાં આવ્યું (માર્ચ, 1946). મે, 1946 સુધી કૅબિનેટ મિશન સાથે કૉંગ્રેસ તેમજ લીગની વાટાઘાટો ચાલુ રહી. ઝીણાની માગણીઓે સાથે કૅબિનેટ મિશન સંમત ન થયું. કૅબિનેટ મિશને રજૂ કરેલી યોજના અંગે કૉંગ્રેસ અને લીગનાં અર્થઘટન પણ અલગ હતાં. તેથી મે, 1946માં લીગે કૅબિનેટ મિશન સાથે એવું અસંદિગ્ધ વલણ દાખવ્યું કે ‘દેશની બંધારણીય સમસ્યાનો એકમાત્ર ઉકેલ પાકિસ્તાન છે.’

ઝીણાનું વલણ હવે વધારે જક્કી બનતું ગયું. 1946ની 16મી ઑગસ્ટના દિવસને ઝીણાની આગેવાની હેઠળ લીગે ‘સીધાં પગલાં દિન’ (Direct Action Day) તરીકે જાહેર કર્યો. આ દિવસે બંગાળમાં અભૂતપૂર્વ એવી ખૂનરેજી સર્જાઈ. સુહરાવર્દીના નેતૃત્વ હેઠળની બંગાળની સરકારે ગુંડાઓને છૂટો દોર આપ્યો અને પરિણામે કૉલકાતાના કોમી રમખાણમાં લગભગ 5000 જેટલા લોકોએ જાન ગુમાવ્યા, 15,000 જેટલા ઘાયલ થયા અને 1,00,000 જેટલા બેઘર બન્યા. બીજી બાજુ, 2 સપ્ટેમ્બર, 1946ને દિવસે નવી વચગાળાની સરકાર રચાઈ. તેમાં શરૂઆતમાં  કેવળ કૉંગ્રેસના પ્રધાનોએ જ શપથ લીધા અને લીગ વેગળી રહી. એ દિવસને લીગે ‘કાળા દિવસ’ તરીકે મનાવ્યો; પરંતુ 15મી ઑક્ટોબર, 1946ના રોજ લીગે વચગાળાની સરકારમાં જોડાવાનો નિર્ણય લીધો અને તે મુજબ લિયાકત અલીખાન સહિત લીગના નેતાઓએ 25મી ઑક્ટોબરે શપથ લીધા. વચગાળાની સરકાર સરળતાથી ચાલે તેમાં લીગને રસ ન હતો. કૅબિનેટમાં ઘર્ષણ વધ્યું. લીગે સરકારમાં જોડાવા છતાં, સૂચિત બંધારણસભાથી અલગ રહેવાનો નિર્ણય કાયમ રાખ્યો.

1947ના માર્ચમાં વાઇસરૉય તરીકે માઉન્ટબૅટન આવ્યા. તે પહેલાં 20મી ફેબ્રુઆરીએ બ્રિટનના વડાપ્રધાન ઍટલીએ જાહેરાત કરી કે જૂન, 1948 સુધીમા બ્રિટન હિંદમાંથી પોતાના શાસનનો અંત આણશે. આ સમયે દેશમાં અશાંતિ અને રમખાણોનું વાતાવરણ સર્જાયું હતું. દેશના ભાગલા સિવાય બીજો કોઈ વિકલ્પ કૉંગ્રેસ સમક્ષ ન હતો. ત્રીજી જૂને માઉન્ટબૅટને ભાગલાની જાહેરાત કરી. જવાહરલાલ નહેરુ, મહમદઅલી ઝીણા તથા શીખ નેતા બળદેવસિંઘે તેને આવકારી. સંક્રાંતિકાળમાં હિંદ-પાક બંને એક જ ગવર્નર-જનરલ નીચે હોય એવી સમજ ઝીણાને સ્વીકાર્ય ન હતી. તેઓ પોતે જ પાકિસ્તાનના પ્રથમ ગવર્નર-જનરલ થવા માગતા હતા. 26મી જુલાઈએ પાક બંધારણ સભા રચાઈ. રક્તપાત અને કત્લેઆમનો દોર સરહદની બંને બાજુએ શરૂ થઈ ગયો હતો. 7મી ઑગસ્ટે નવી દિલ્હીથી કરાંચી જતાં ઝીણાએ નિવેદન કર્યું કે ભૂતકાળને દફનાવીને હિંદુસ્તાન અને પાકિસ્તાન એ બે સાર્વભૌમ સ્વતંત્ર રાષ્ટ્રોની નવેસર શરૂઆત કરવામાં આવે. હિંદુસ્તાનને તેમણે શાંતિ અને સમૃદ્ધિ વાંછી.

ઝીણાના નેતૃત્વ સમક્ષ હવેનો પડકાર જવાબદાર રાજકારણ મારફતે પાક સ્વરાજનિર્માણનો હતો. પાકિસ્તાનની પ્રાપ્તિ પછી ઝીણા હિંદુ અને મુસ્લિમ એમ બંનેની અલગ રાષ્ટ્રીયતાને ધોરણે ‘બે રાષ્ટ્રોનો સિદ્ધાંત’ ચાલુ રાખવા માગતા ન હતા. 11મી ઑગસ્ટ, 1947ને દિવસે પાક બંધારણસભાના  પ્રમુખ તરીકે એમણે સ્પષ્ટતા કરી કે પાકિસ્તાન મુસ્લિમ રાષ્ટ્ર નહિ પરંતુ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર તરીકે રહેશે. 12મી ઑગસ્ટે પાક બંધારણસભાએ એમને વિધિવત્ ‘કાયદે આઝમ’ કહ્યા. 15મી ઑગસ્ટે એમણે ગવર્નર-જનરલ તરીકે સોગંદ લીધા. નવા રાષ્ટ્રને યોગ્ય માર્ગદર્શન આપવા માટે તેમને પૂરતો સમય ન મળ્યો. બીમારીને લીધે 11 સપ્ટેમ્બર, 1948ને દિવસે તેમનું કરાંચીમાં અવસાન થયું.

પ્રકાશ ન. શાહ