ઝાબુઆ : મધ્યપ્રદેશનો જિલ્લો અને જિલ્લાનું વહીવટી મથક. સમુદ્રસપાટીથી 428 મી. ઊંચાઈ પરના આ જિલ્લાનો કુલ વિસ્તાર 6782 ચોકિમી. છે. તેની વાયવ્યે રાજસ્થાનની સરહદ, ઈશાન તથા પૂર્વમાં અનુક્રમે રતલામ તથા ધાર જિલ્લાઓ, દક્ષિણે મહારાષ્ટ્ર રાજ્ય તથા પશ્ચિમે ગુજરાત રાજ્યની સરહદ આવેલાં છે. જિલ્લાની કુલ વસ્તી 10,24,091 (2011) છે. સાક્ષરતાનું પ્રમાણ 20 % છે.
જિલ્લાનું મહત્તમ તાપમાન 28.0° સે. થી 39.3° સે. તથા લઘુતમ તાપમાન 10.7° સે. થી 26.1° સે. વચ્ચે રહે છે. સરેરાશ વાર્ષિક વરસાદ 860 મિમી. જેટલો હોય છે.
61% લોકો કૃષિ સાથે સંકળાયેલા છે. જમીનવિહોણા લોકો ખેતમજૂરો તરીકે કામ કરે છે.
ખેતીમાં ઘઉં, ડાંગર, મકાઈ, ચણા, કઠોળ, મગફળી, શેરડી, કપાસ તથા સોયાબીન મુખ્ય પેદાશ છે. ઔદ્યોગિક વિકાસમાં આ જિલ્લો ઘણો પછાત છે. જિલ્લામાં નાના પાયાના ઔદ્યોગિક એકમોની સંખ્યા ઓછી છે. ડોલમાઇટ તથા કૅલ્સાઇટ મુખ્ય ખનિજો. જિલ્લાના મોટાભાગના ગ્રામોનું વીજળીકરણ થયેલ છે. જિલ્લામાં સહકારી બૅંકો, જમીન વિકાસ બૅંકો તથા રાષ્ટ્રીયકૃત વ્યાપારી બૅંકોની શાખાઓ છે. જિલ્લામાં ઍલૉપથિક, આયુર્વેદિક, હોમિયોપથિક તથા યુનાની દવાખાનાં તથા પ્રાથમિક સ્વાસ્થ્યકેન્દ્રો છે.
જિલ્લામાં પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા, મહાવિદ્યાલયો તથા વ્યાવસાયિક તાલીમકેન્દ્રો છે. જિલ્લામાં ગામડાંને આવરી લેતી ગ્રામપંચાયતો કાર્યરત છે.
અહીં આદિવાસી વસ્તીનું પ્રમાણ અધિક છે. ઓછી ફળદ્રૂપ ભૂમિ, ઔદ્યોગિક વિકાસ માટેનાં અલ્પ સાધનો તથા સાક્ષરતાનું ઓછું પ્રમાણ – એ 3 મુખ્ય કારણોને લીધે આ જિલ્લો આર્થિક રીતે પછાત ગણાય છે. ઝાબુઆની વસ્તી 35,753 (2011) છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે