અર્ધચંદ્રાકાર ઢૂવા (barchans) (રેતીના) : તુર્કસ્તાનમાં ‘બાર્કાન્સ’ તરીકે ઓળખાતા રેતીના અર્ધચંદ્રાકાર ઢૂવા. દુનિયામાં જ્યાં જ્યાં રણપ્રદેશો આવેલા છે ત્યાં ક્યારેક એકાકી, છૂટાછવાયા જોવા મળતા એકમો તરીકે અથવા લાંબી હારમાળામાં ગોઠવાયેલા જૂથ સ્વરૂપે અથવા આજુબાજુએ એકમેકથી સંકળાયેલી શ્રેણી સ્વરૂપે રેતીના ઢૂવા મળી આવે છે. દૂરથી નિહાળતાં ઢૂવાનું સ્થળદૃશ્ય અસમાન રચનાવાળું અર્ધચંદ્રાકાર હોય છે.
તેના બંને છેડાના શિંગડા આકારના અણીવાળા ભાગ વાતાભિમુખ હોય છે, જે રેતીની આગળ ધપવાની દિશાનો તેમજ ક્રિયાનો નિર્દેશ કરે છે. તેમની ઊંચાઈ પવનના ફૂંકાવાના સંજોગોને અધીન રહીને 15થી 2૦૦ મીટર અને પહોળાઈ થોડાક મીટરથી હજારો મીટર કે તેથી વધુ હોઈ શકે છે, જે વખતોવખત બદલાતી પણ રહે છે. તેમનો વાતાભિમુખ બાહ્યગોળ ઢોળાવ આછો (1૦° થી 15°) અને વાતવિમુખ અંતર્ગોળ ઢોળાવ સીધો હોય છે. પવનની નિક્ષેપક્રિયાને કારણે આ રીતે તૈયાર થતા રેતીના ઢૂવા પવનની દિશાને લગભગ કાટખૂણે ગોઠવાયેલા હોય છે.
રેતીના ઢગ સ્વરૂપે જોવા મળતું આ પ્રકારના ઢૂવાઓનું વ્યાપક વિસ્તરણ વિશાળ વિસ્તારમાં પથરાયેલા ખુલ્લા અફાટ રણપ્રદેશમાં થયે જતી પવનના મારાની લાક્ષણિક ક્રિયાનું સૂચક બની રહે છે. આ પ્રકારના ઢૂવાની રચના અફાટ રણની આડે અનિયમિત રાક્ષસી કદની ઓકળીઓ(ripples)ના સ્વરૂપમાં થતી રહે છે અને તેમનો આડછેદ (cross-section) પ્રસ્તરીકરણ પણ દર્શાવે છે. આ ઢૂવા ક્યારેક તેમની રચનાના મૂળ સ્થાને સ્થિર રહેલા તો ક્યારેક સ્થાનાંતરિત થતા પણ જોવા મળે છે. સ્થાનાંતરિત ઢૂવાનો ખસવાનો દર, પ્રતિવર્ષ થોડાક સેન્ટિમીટરથી માંડીને પ્રતિસપ્તાહ ઘણા મીટરનો પણ હોઈ શકે છે. અર્થાત્, પવનના જોશ મુજબ તે પ્રતિવર્ષ 20થી 50 મીટર કે તેથી પણ વધુ હોઈ શકે છે.
ગુજરાતના દરિયાકિનારાના કેટલાક ભાગોમાં તેમજ કચ્છના રણવિસ્તારમાં આ પ્રકારના ઢૂવા જોવા મળે છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે
મોહનભાઈ પુરુસોત્તમદાસ પટેલ