ઝર્કોન : ઝર્કોનિયમ નામનું રાસાયણિક તત્ત્વ ધરાવતું સિલિકેટ ખનિજ. રાસા. બં. : ZrSiO4 અથવા ZrO2·SiO2 જેમાં ZrO2 67.2% અને SiO2 32.8% છે. પ્રકાર : સિર્ટોલાઇટ, સ્ફ. વર્ગ : ટેટ્રાગોનલ, સ્ફ. સ્વ. : નાના-મોટા પ્રિઝમ સ્વરૂપે; દ્વિપિરામિડ ફલકોથી બંધાયેલા; બાણના ભાથા જેવા, વિકેન્દ્રિત રેસાદાર જૂથના સ્વરૂપે તેમજ અનિયમિત દાણાદાર સ્વરૂપે. યુગ્મતા (111), (100) ફલકો પર, (101) ફલક પર ઢીંચણ વળાંક આકારની યુગ્મતા; ક્યારેક (221) ફલક પર, પરંતુ વિરલ. સામાન્યત: પારદર્શક; કેટલાક પ્રકારો પારદર્શકથી અપારદર્શક.
પ્રકા. અચ. : ω = 1.923થી 1.960, ε = 1.968થી 2.015; પ્રકા. સં. : +ve; ક. : 7.5; વિ. ઘ. : 4.6થી 4.7; કેટલાક પ્રકારોમાં 3.6થી 4.00; ચ. : કાચમયથી વજ્રમય, કેટલાકમાં કાચમયથી રાળમય. સં. : (110) અપૂર્ણ, (111) આછી.; ભં. સ. ખરબચડી; કેટલાક પ્રકારો વલયાકાર; બરડ.; રં. : રંગવિહીન; કથ્થાઈ, લીલા રાખોડી, પીળા અને લીલા રંગની ઝાંયવાળા. પ્રાપ્તિસ્થિતિ : અગ્નિકૃત ખડકોમાં અને કેટલાક વિકૃત ખડકોમાં અનુષંગી ખનિજ રૂપે બહોળા પ્રમાણમાં; કેટલાક જળકૃત નિક્ષેપોમાં કણજન્ય ખનિજ રૂપે મળી આવે છે; પ્રાપ્તિસ્થાનો : યુ.એસ., કૅનેડા (30 x 10 સેમી. પરિમાણવાળા સુંદર સ્ફટિકો), બ્રાઝિલ, નૉર્વે, ફ્રાન્સ, ઇટાલી, જર્મની, રશિયા, ઝિમ્બાબ્વે, માડાગાસ્કર, શ્રીલંકા, થાઇલૅન્ડ, મ્યાનમાર, કોરિયા, ઑસ્ટ્રેલિયા, ભારત.
દક્ષિણ ભારત(કેરળ)ના કિનારા પરની રેતીનાં સંકેન્દ્રણોમાં કણ-સ્વરૂપે મળે છે. બિહારની કાંપમય જમીનોમાં પણ તે મળે છે. ભારતમાં ઝર્કોનનો સારા પ્રમાણમાં નિકાસયોગ્ય જથ્થો છે.
ઝર્કોન અપઘર્ષક તરીકે તેમજ ઓપ આપવામાં ઉપયોગમાં લેવાય છે. સિર્ટોલાઇટ (U3O8 નું નજીવું પ્રમાણ ધરાવતું હોઈ) કિરણોત્સારી ખનિજ છે.
રત્ન તરીકે : ઝવેરાતમાં વપરાતા સ્ફટિકમય ઝર્કોનને ગુજરાતીમાં ગોમેદ; હિંદીમાં ગોમેદ, તુરસાયા અને સંસ્કૃતમાં ગોમેદક, તમોમણિ; રાહુરત્ન કહે છે. તે મુખ્યત્વે નદીજન્ય ગ્રૅવલ-સ્વરૂપે મળે છે. તેનો ઊંચો વક્રીભવનાંક અને અપકિરણ અથવા વિક્ષેપણ(dispersion)નો ગુણ ઝર્કોનને હીરા પછીના ક્રમે આવતું પાણીદાર રત્ન બનાવે છે. તે પારદર્શક અને રંગવિહીન ઉપરાંત પીળા, નારંગી, લીલા, કથ્થાઈ, લાલ તેમજ ભૂરા રંગમાં પણ મળી આવે છે. નિર્મળ, પારદર્શક લાલ, નારંગી અને પીતરંગી પ્રકાર હાયાસિન્થ કે જેસિન્થ નામે ઓળખાય છે. પીળો-લાલ ગોમેદક શુક્રના નંગ તરીકે ધારણ કરાય છે. ભૂરા રંગના ઝર્કોનને સ્ટારલાઇટ કે સિયામમણિ કહે છે, જ્યારે શ્રીલંકામાંથી મળતી કાચમય ચમકવાળી રંગવિહીન જાત ‘મથુરા-હીરા’ નામે વેચાય છે. અપચયનકારી માવજત આપવાથી સુંદર, ભૂરા રંગનો રત્નપ્રકાર મળે છે. રત્ન-પ્રકારનું ઝર્કોન હિંદી ચીન (Indo China) અને શ્રીલંકા ઉપરાંત મ્યાનમાર (Burma), ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ અને સ્પેનમાં મળી આવે છે. ઝર્કોન એ ડિસેમ્બર માસમાં જન્મેલા માટે જાતકમણિ મનાય છે.
ગિરીશભાઈ પંડ્યા