ઝકારિયા, પૉલ (જ. 5 જૂન 1945, ઉરુલિકુન્નમ્, જિ. કોટ્ટયમ્, કેરળ) : મલયાળમ વાર્તાકાર. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘ઝકારિયાયુટે કથકળ’ માટે 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે બૅંગલોર યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાહિત્યમાં એમ.એ.ની ડિગ્રી પ્રાપ્ત કરી. તેમણે 35 વર્ષ સુધી અધ્યાપન, પુસ્તકપ્રકાશન અને મીડિયા-ક્ષેત્રે સક્રિય કામગીરી કરી; સાથોસાથ કૃષિકાર્ય પણ કર્યું.
તેમણે 35 ગ્રંથો આપ્યા છે; તેમાં ‘અંબાડી’ (1969), ‘સલામ અમેરિકા’ (1998) જેવા વાર્તાસંગ્રહો, સામાજિક વિષયો પરના લેખો તથા યાત્રાવૃત્તાંતનો સમાવેશ થાય છે. તેમનો વાર્તાસંગ્રહ ‘ઓરિડતુ’ (1978) અને લઘુ નવલકથા ‘પ્રેઇઝ ધ લૉર્ડ’, ‘ભાસ્કર પટ્ટેલરમ્ અટે જીવિતાવુમ્’ (1992) અત્યંત મહત્વના છે. આ બીજી નવલકથા પરથી અડૂર ગોપાલકૃષ્ણને ‘વિધેયન’ નામની ફિલ્મનું નિર્માણ કર્યું છે. ‘ગોવિંદમ્ ભજ મૂઢમતે’ તેમનો નિબંધસંગ્રહ છે. તેમની વાર્તાઓ અંગ્રેજી, જર્મન અને મુખ્ય ભારતીય ભાષાઓમાં અનૂદિત કરવામાં આવી છે. તેઓ એક સમાજ-ચિંતક તરીકે કેરળમાં જાણીતા છે અને જનતાના વિચારોમાં ભારે પરિવર્તન લાવ્યા છે. તેમને કેરળ સાહિત્ય અકાદમી પુરસ્કાર, ઓડક્કુળલ પુરસ્કાર અને બે વખત કથા ઍવૉર્ડ એનાયત કરવામાં આવ્યા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ઝકારિયાયુટે કથકળ’(2000)માંની વાર્તાઓ મલયાળમ વાર્તાનાં શક્તિ તથા સૌંદર્યનો સાક્ષાત્કાર કરાવી રહે છે. આ કૃતિ દ્વારા લેખકે મલયાળમ કથાસાહિત્યને સફળતાપૂર્વક નવી દિશા આપી હોવાથી તે મહત્વની બની છે.
બળદેવભાઈ કનીજિયા