જોશી, વામન મલ્હાર (જ. 21 જાન્યુઆરી 1882, તળે, જિ. કોલાબા; અ. 20 જુલાઈ 1943, મુંબઈ) : મરાઠી નવલકથાકાર અને ચિંતક. પુણેની ડેક્કન કૉલેજમાંથી તત્વચિંતન અને તર્કશાસ્ત્ર વિષય સાથે એમ.એ. (1906) કરી કોલ્હાપુરની રાષ્ટ્રીય શાળામાં શિક્ષક
તરીકેની નોકરી લીધી. ‘વિશ્વવૃત્ત’ સામયિકના તંત્રી તરીકે તેમાં પ્રકટ થયેલા, પણ પોતે નહિ લખેલા એક લેખ માટે 3 વર્ષની સખત કેદ ભોગવી. (1908) કારાવાસમાંથી બહાર આવ્યા પછી ગામડામાં આવેલી મહર્ષિ કર્વે સ્થાપિત વિધવાઓ માટેની શાળા સાથે જોડાયા. જીવનનાં છેલ્લાં વર્ષો એસ. એન. ડી. ટી. યુનિવર્સિટીમાં ગાળ્યાં. લેખક તરીકે શરૂઆત ચિંતનાત્મક લેખોથી કરી પણ કેદમાંથી બહાર આવ્યા પછી આકસ્મિક રીતે જ મુશ્કેલીનો કપરો કાળ વિતાવવા ‘મનોરંજન’ સામયિકમાં ‘રાગિણી’ નામની નવલકથા ધારાવાહિક રૂપે લખી; તેનાથી તે નવલકથાકાર તરીકે જાણીતા થયા. અલબત્ત, એમાં પાત્રો, ઘટના, કથાગૂંથણી છે. પણ લેખકની સામાજિક, શૈક્ષણિક વગેરે વિષયો પરની લાંબી ચર્ચાને કારણે નવલકથા શિથિલ બને છે. ‘નલિની’ (1915) અને ‘આશ્રમહરિણી’ (1916) તેમની બીજી કથાઓ છે. એમની યશોદાયિની રચના ‘સુશીલેચા દેવ’ (1930) છે. તે ઈશ્વરની શોધમાં નીકળેલી એક શિક્ષિત યુવતીની સાહસયાત્રા છે. ‘ઇન્દુ કાળે સરલા ભોળે’(1934)માં પત્રોની નવી જ શૈલી પ્રયોજી છ પાત્રોની જીવનકથા આલેખી છે. જોશી તત્વત: ચિંતક હતા. ‘નીતિશાસ્ત્ર પ્રવેશ’(1919)માં નીતિશાસ્ત્રના નિબંધો અને આધુનિક મનોવૈજ્ઞાનિકોની જીવનકથાઓ સંગૃહીત કરવામાં આવી છે. ‘વિચારવિલાસ’ (1927), ‘વિચારસૌંદર્ય’ (1940) અને ‘વિચારલહરી’(1943)માં એમના સાહિત્યિક નિબંધો છે. અંગત સંસ્મરણોની કૃતિ ‘સ્મૃતિલહરી’(1942)માં લેખકે ધોંડોપંત બર્વેનું પાત્ર કલ્પી તેનાં સ્મરણો આલેખતા હોય એ રીતે રજૂઆત કરી છે. તે ઉપરાંત ‘નવપુઠપકરંક’ (1916), ‘નિસ્તનાશી જ (તારક : 1937) અને ‘સ્મૃતિલહરી’ (1942) આ તેમણે લખેલાં ત્રણ પુસ્તકો છે. 1930માં જોશી ગોવાના મડગાંવ ખાતે મળેલા મરાઠી સાહિત્યસંમેલનના પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા.
અનિલા દલાલ