જોર બંગલા (વિષ્ણુપુર)

January, 2014

જોર બંગલા (વિષ્ણુપુર) : બંગાળમાં બાંકુરા જિલ્લામાં, વિષ્ણુપુર માટીકામથી બાંધેલાં (terralota) મંદિરોનાં સ્થાપત્ય માટે વિખ્યાત છે. બંગાળનાં ગામડાંનાં ઘરોમાં વપરાતા લાકડાના આધારવાળાં, ઘાસની સાદડીઓથી ઢંકાયેલાં છાપરાં ત્યાંની બાંધકામની પ્રણાલીની વિશેષતા છે. આ આકારને તેટલી જ કુશળતાથી માટીની ઈંટો દ્વારા બંધાયેલાં વિષ્ણુપુરનાં મંદિરોમાં પણ આગવી શૈલી પ્રાપ્ત થયેલી છે. જોર બંગલા ખાસ કરીને આવી બે ઇમારતોની જોડ કરીને બંધાયેલાં મંદિરોની એક પ્રચલિત શૈલી છે, જેમાં મંદિરના બે મુખ્ય ઓરડાઓ રચાતા અને લાંબી બાજુ દ્વારા જોડાતા. વિષ્ણુપુરનાં મંદિરોની બાંધકામની આ શૈલી તે પ્રદેશની વિશિષ્ટતા છે. ત્યાંની લોકશૈલીના નિવાસ સાથેના તેના સમન્વયને લઈને પ્રાદેશિક વિશેષતાનો સચોટ ખ્યાલ આપે છે. અંગ્રેજોના સમય દરમિયાન આ જાતના છાપરાને ‘બેંગાલ રૂફ’ તરીકે પણ ઓળખાવવામાં આવેલ, તેનો ઢળતો આકાર સ્થાપત્યમાં ઘણો પ્રચલિત થયો હતો.

રવીન્દ્ર વસાવડા