જૉન્સ, નૉરા (જ. 30 માર્ચ 1979, ન્યૂયૉર્ક) : પાશ્ચાત્ય જૅઝ સંગીતનાં અગ્રણી ગાયિકા તથા 2003 વર્ષ માટેના ગ્રામી ઍવૉર્ડ-વિજેતા કલાકાર. તેઓ વિશ્વવિખ્યાત સિતારવાદક પંડિત રવિશંકરનાં અનૌરસ પુત્રી છે. માતાનું નામ સ્યૂ જૉન્સ, જે વ્યવસાયે પરિચારિકા છે. નૉરાને સંગીતની પ્રેરણા અને પ્રોત્સાહન માતા પાસેથી પ્રાપ્ત થયાં હતાં. જન્મ પછી ઘણા લાંબા સમય સુધી નૉરા પોતાના પિતા વિશે કશું જ જાણતી ન હતી. છેક 1998માં પિતા અને પુત્રીના સંબંધો પ્રસ્થાપિત થયા હતા. 2002ના વર્ષ સુધી તો પોતાની આ પુત્રી જૅઝ સંગીતની નિપુણ કલાકાર છે એનો પણ ખ્યાલ પંડિત રવિશંકરને ન હતો, જોકે નૉરા પોતાની માતા સાથે પિતાના અમેરિકા ખાતેના કાર્યક્રમોમાં અવારનવાર હાજરી આપતી હતી.
જન્મ પછી નૉરાએ શરૂઆતનાં ચાર વર્ષ (1979–83) માતાની નિશ્રામાં ન્યૂયૉર્કમાં જ ગાળ્યાં હતાં, પરંતુ 1983માં માતા અને પુત્રી બંનેએ અમેરિકાના ટૅક્સાસ રાજ્યના ડલાસ શહેરના ગ્રેપવાઇન નામના ઉપનગર ખાતે કાયમી નિવાસ માટે સ્થળાંતર કર્યું હતું; જ્યાં તેમણે સોળ વર્ષ (1983–99) વસવાટ કરેલો. નૉરા માત્ર પાંચ વર્ષની હતી ત્યારથી તે દર રવિવારે ચર્ચમાં ગવાતી સામૂહિક ઉપાસના(chorus)માં ગાવા લાગી હતી. 1986માં તે જ્યારે પિયાનો શીખવા લાગી ત્યારે તેની ઉંમર માત્ર સાત વર્ષની હતી. તે જુનિયર હાઈસ્કૂલમાં દાખલ થઈ ત્યાં સુધી તો તે સૅક્સોફોન નામનું પાશ્ચાત્ય તુષિર વાદ્ય કુશળતાપૂર્વક વગાડતી થઈ. 1980માં નૉર્થ યુનિવર્સિટીના પ્રાંગણમાં આયોજિત એક જૅઝ સંગીત સમારોહમાં માતાની સાથે નૉરાએ હાજરી આપી ત્યારથી જૅઝ સંગીત પ્રત્યેની તેની રુચિમાં સતત વધારો થતો ગયો. 1997માં તે બૂકર ટી. વૉશિંગ્ટન હાઈસ્કૂલના પર્ફૉર્મિંગ ઍન્ડ વિઝ્યુઅલ આર્ટ્સ વિદ્યાશાખામાં દાખલ થઈ, જ્યાં ઇરિકા બાદૂ અને રૉય હોગ્રેવ જેવા વિખ્યાત જૅઝ સંગીતકારો તેને પ્રેરણા આપતા રહ્યા. માધ્યમિક શાળાની કારકિર્દી દરમિયાન સંગીતની સ્પર્ધાઓમાં પારિતોષિકો મેળવવાની તેની વિજયયાત્રાનો આરંભ થઈ ચૂકેલો. તે માત્ર સત્તર વર્ષની હતી ત્યારે તેણે વર્ષ 1996માં સૌપ્રથમ વાર ડાઉન બીટ સ્ટુડન્ટ મ્યુઝિક ઍવૉર્ડ પ્રાપ્ત કર્યો હતો. આ ઍવૉર્ડ દર વર્ષે સર્વોત્તમ જૅઝ ગાયક અને સર્વશ્રેષ્ઠ મૌલિક સ્વરરચનાકાર માટે એનાયત કરવામાં આવે છે. તે જ અરસામાં નૉરા ‘લેજલો બૅન્ડ’ જૂથ સાથે ગાયક અને વાદક કલાકાર તરીકે સંકળાયેલી હતી. 1999માં ફરી વાર તેણે ન્યૂયૉર્ક ખાતે સ્થળાંતર કર્યું, જ્યાં તેણે હૅરિસી લી ઍલેક્ઝાંડર અને ડૉન રાઇઝર સાથે મળીને પોતાના અલાયદા સંગીત-જૂથની સ્થાપના કરી. વર્ષ 2000માં તેણે આરિફ માર્ટિન સાથે તેનું જાણીતું આલબમ ‘કમ અવે વિથ મી’ રજૂ કર્યું, જેણે તેને વર્ષ 2003માં એકસાથે આઠ ગ્રામી ઍવૉર્ડ અપાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. આ જ આલબમમાં ‘ડોન્ટ નો વ્હાઇ’ નામનું જે ગીત છે તેની શબ્દરચના અને સંગીતનિયોજન બંને નૉરાનાં છે.
તેને જે આઠ ગ્રેમી ઍવૉર્ડ એકસાથે મળ્યા છે, તેમાં આલબમ ઑવ્ ધ ઇયર (‘કમ અવે વિથ મી’), બેસ્ટ ન્યૂ આર્ટિસ્ટ, રેકૉર્ડ ઑવ્ ધ ઇયર (‘ડોન્ટ નો વ્હાઇ’), બેસ્ટ પૉપ સિંગર, બેસ્ટ પૉપ આલબમ, સાગ ઑવ્ ધ ઇયર (‘ડોન્ટ નો વાઇ’), બેસ્ટ એન્જિનિયર્ડ આલબમ (‘ડૉન્ટ નો વ્હાઇ’) અને પ્રોડ્યૂસર ઑવ્ ધ ઇયર’(‘ડોન્ટ નો વ્હાઇ’)નો સમાવેશ થાય છે.
આ બધા ઍવૉર્ડ નૉરાને ન્યૂયૉર્ક નગરના મેડિસિન સ્ક્વૅર ગાર્ડન ખાતે આયોજિત એક ભવ્ય સમારંભમાં એનાયત કરવામાં આવ્યા હતા, જે એક વિક્રમ ગણાય છે. તે પ્રસંગે તેની સાવકી બહેન અનુષ્ઠા અને નૉરાનો બૉયફ્રૅન્ડ લી ઍલેક્ઝાંડર પણ હાજર હતાં.
અગાઉ ગ્રામી ઍવૉર્ડ મેળવનારા ભારતીયોમાં પંડિત રવિશંકર તથા વિખ્યાત ગિટારવાદક અને મોહનવીણાના સર્જક પંડિત વિશ્વમોહન ભટ્ટનો પણ સમાવેશ થાય છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે