જૈવિક ક્રિયાઓનું સુગ્રથન (co-ordination) : સજીવતા (life) એટલે ભૌતિક ઘટકની એક વિશિષ્ટ અવસ્થા. આ ઘટક પર્યાવરણમાંથી મેળવેલ તત્વોની મદદથી પોતાની વૃદ્ધિ સાધે છે, ક્રિયાત્મક તંત્રોને જાળવી રાખે છે, જીર્ણ વસ્તુઓનું પુન:સ્થાપન કરે છે અને પ્રજનનપ્રક્રિયા દ્વારા પોતાના જેવા નવા ઘટકો પેદા કરે છે. વનસ્પતિ હોય કે પ્રાણી, અમીબા કે માનવ, બધાં સજીવો જીવતાં હોય તે દરમિયાન ઉપરની ઘટમાળમાંથી પસાર થતાં હોય છે. જીવંત સ્થિતિમાંથી પસાર થવામાં સજીવો એકકોષીય હોય કે બહુકોષીય સ્વરૂપે, સાદાં હોય કે સંકીર્ણ, પર્યાવરણ અને સજીવો વચ્ચે સુમેળ સધાય તે આવશ્યક છે. તે માટે કોઈ પણ સજીવની વિવિધ ક્રિયાઓનું સુગ્રથન અનિવાર્ય બને છે; દાખલા તરીકે, ખોરાકનું ગ્રહણ, તેનું પાચન અને પચેલા ખોરાકનું શરીરમાં થતું વહન વગેરે ક્રિયાઓ નિયત ક્રમમાં થવાથી પોષક તત્વો માટે શરીરના બધા કોષો સુધી પહોંચવાનું શક્ય બને છે. ખોરાકના ગ્રહણ સાથે સંકળાયેલાં અંગોના વિવિધ સ્નાયુઓની ક્રિયાત્મકતા, ખોરાકને પચાવવા પાચક રસોનો પૂરતો સ્રાવ અને પચેલા ખોરાકને વિવિધ કોષોમાં પહોંચાડવા જેવી જૈવિક ક્રિયાઓનું સુગ્રથન થવાથી શરીર કાર્ય કરી શકે છે. જઠરમાંથી ખોરાક પસાર થતો હોય ત્યારે જ જઠરગ્રંથિઓ મંદ અમ્લનો સ્રાવ કરતી હોય છે. જો આ સ્રાવના સમયમાં કે પ્રમાણમાં વધઘટ થાય તો તે શરીર માટે બાધક નીવડે છે. તે ચાંદાં (ulcer) જેવો રોગ કરે છે. વિવિધ ક્રિયાઓ વચ્ચે સમન્વય સાધવાની જવાબદારી સ્વાયત્ત ચેતાતંત્ર (autonomous nervous system) અને અંત:સ્રાવી તંત્રો ઉપાડે છે.
મૃત્યુ અટલ છે. કુદરતની ર્દષ્ટિએ પ્રાણીઓના શરીરને પ્રજનન-કોષોના ઉત્પાદનનું સાધન ગણી શકાય. પ્રત્યેક સજીવ જન્મ્યા પછી પર્યાવરણમાંથી આવશ્યક તત્વો મેળવે છે. વિકાસ દ્વારા અનુક્રમે બાલ્યાવસ્થા અને પુખ્તાવસ્થામાંથી પસાર થાય છે. પુખ્ત અવસ્થામાં શરીર પ્રજનનકોષોનું ઉત્પાદન કરવાની ક્ષમતા ધરાવે છે. શરીરની પ્રજનનકોષોનું ઉત્પાદન કરવાની આ શક્તિ ક્રમશ: ઘટે છે અને પ્રાણી વૃદ્ધાવસ્થામાં પ્રવેશે છે. છેવટે મૃત્યુ આવતાં પ્રાણીશરીર પર્યાવરણમાં વિલીન થાય છે. ઘણાં પ્રાણીઓ પ્રજનનકોષોનું ઉત્પાદન કર્યા બાદ અલ્પ સમયમાં મૃત્યુ પામે છે. વામ માછલી(Anguilla bengalensis)નો જન્મ ગ્રીનલૅન્ડના દરિયાના વિશિષ્ટ પર્યાવરણમાં થાય છે. ત્યારબાદ તે હજારો કિલોમીટરનો પ્રવાસ ખેડીને ભારતનાં મીઠાં જળાશયોમાં પ્રવેશે છે અને પુખ્ત-અવસ્થા પ્રાપ્ત કરે છે. આ અવસ્થામાં થોડોક સમય પસાર કરી સમુદ્રમાં પ્રવેશીને ગ્રીનલૅન્ડના યોગ્ય પર્યાવરણ તરફ પ્રસ્થાન કરે છે. ત્યાં પ્રજનન દ્વારા સંતાનો પેદા કરે છે અને તરત જ મૃત્યુ પામે છે. મે કીટક (may fly) કીટશિશુ (nymph) તરીકે 2થી 3 મહિના સુધી જળચર જીવન પસાર કરે છે. પુખ્તાવસ્થામાં તે સ્થળચર બને છે. તેની આ પુખ્ત-અવસ્થા 2થી 3 કલાક પૂરતી મર્યાદિત હોય છે. તે સાથીનો સંપર્ક સાધીને સમાગમ દ્વારા પ્રજનનકોષોનો ત્યાગ કરીને તરત જ મૃત્યુ પામે છે.
બહુકોષીય સજીવો નર અને માદા કોષોના ફલનથી પેદા થતા ગર્ભના વિકાસથી જન્મ પામતા હોય છે. નર અને માદા કોષો એકબીજાના સંપર્કમાં આવે તો જ ફલિતાંડ (fertilized egg) બને. પ્રજનનકાળ દરમિયાન નર અને માદા પ્રાણી વચ્ચે સૌપ્રથમ આકર્ષણ ઊભું થાય છે અને તે એકબીજાના ગાઢ સંપર્કમાં આવે છે. નર અને માદા કોષોના સંયોગથી ફલિતાંડ ઉત્પન્ન થવાની શક્યતા વધે છે. ઘણાં નર પ્રાણીઓ તો નરકોષ(શુક્રકોષ)નો ત્યાગ માદાના શરીરમાં કરતાં હોય છે. પરિણામે ફલિતાંડો અને ગર્ભનું નિર્માણ સુલભ બને છે. મોટા ભાગનાં પ્રાણીઓમાં નર અને માદા પ્રાણીઓ વચ્ચેનું આકર્ષણ પ્રજનનકાળ પૂરતું મર્યાદિત હોય છે. શરીરની બહાર થતો ગર્ભનો વિકાસ યોગ્ય પર્યાવરણને અધીન હોય છે. જોકે પક્ષી જેવાં પ્રાણીઓ બચ્ચાંના જન્મ બાદ પણ થોડાક સમય સુધી સંતાનની કાળજી રાખે છે. માનવ જેવાં પ્રાણીઓ પુખ્તાવસ્થા સુધી સંતાનોના રક્ષણની જવાબદારી ઉપાડતાં હોય છે. પ્રજનનક્રિયામાં તો સાથીઓની પરસ્પર જૈવિક ક્રિયાઓ વચ્ચે પણ સુગ્રથન સધાય તે આવશ્યક બને છે.
મ. શિ. દૂબળે