ગીતકાવ્ય : ગાનશાસ્ત્રના નિયત કરેલા સાત સ્વરોમાં નિશ્ચિત થયેલા તાલોથી ગવાતી પદ્યબદ્ધ રચનાઓ. આનો આરંભ ભારતીય ઉપખંડમાં વેદકાલ જેટલો જૂનો છે. નાના કે મોટા યજ્ઞો થતા ત્યારે રાત્રિના સમયે થાકેલા મગજને આનંદ આપવા નાટ્યરચનાઓ અને ગાનરચનાઓ અસ્તિત્વમાં આવી હતી. યમ અને યમી તથા પુરૂરવા અને ઉર્વશીને લગતાં સૂક્તોમાં નાટ્યરચનાઓનાં બીજ પડ્યાં છે. જ્યારે ઋગ્વેદમાંથી ખાસ તારવેલા મંત્રોનું સ્વરબદ્ધ ગાન કરવામાં આવતું હતું. સામવેદના મંત્રો સામાન્ય રીતે પાંચ સ્વરોમાં ગાવામાં આવતા હતા અને પ્રચલિત ગાનપદ્ધતિથી જરા જુદી રીતે ‘પ’થી લઈ ‘સા’ સુધી ઊતરે એવી રીતે મંત્રો ગવાતા હતા. સાત સ્વરોમાં ગવાતા મંત્રો જૂજ જ છે. ગાનની તરજો પણ હતી. કેટલાક મંત્રો એકથી વધુ તરજોમાં ગવાતા હતા. એક મંત્રની તો 61 જેટલી તરજો કહેવામાં આવી છે. ભારતીય પ્રાચીન ગાન કેટલી સૂક્ષ્મતાએ પહોંચ્યું હતું તે એના વીણાવાદ્યથી જાણવામાં આવે છે. આજના હાર્મોનિયમમાં 7 સ્વરોને વિભાજિત કરી બાર ચાવીથી બતાવાય છે. જ્યારે વીણામાં 7 સ્વરોને વિભાજિત કરી 22 તારમાં ફાળવવામાં આવે છે.
ચોક્કસ નામ ધરાવનારા રાગ હતા કે નહિ એ વિશે ઈ. સ.ના આરંભના ‘ભરત નાટ્યશાસ્ત્ર’માં પણ માહિતી નથી. ‘જાતિરાગ’ શબ્દ પ્રયોજાયેલ છે. કાલિદાસને જો શુંગ વંશના અગ્નિમિત્રનો સમકાલીન માનીએ તો એના ‘વિક્રમોર્વશીય’ નાટકના ચોથા અંકમાં આપવામાં આવેલી અપભ્રંશ ભાષાની ‘ધ્રુવા’ઓ એ ચોક્કસ પ્રકારનું ગાન છે. ‘માલવિકાગ્નિમિત્ર’ અને ‘અભિજ્ઞાન શાકુન્તલ’માં એક એક ગેય રચના સુલભ છે.
પછી તો છેક બારમી સદી આસપાસ પૂર્વપ્રદેશના કવિ જયદેવના ‘गीतगोविन्द’ કાવ્યમાં નિશ્ચિત રાગોમાં ગવાતી અષ્ટપદીઓ સુધી આવવું પડે છે. કાલિદાસની ધ્રુવાઓમાં દોહરો, ચોપાઈ, ચરણાકુલ, પ્લવંગમ જેવા માત્રામેળ છંદોનાં બીજ જોવામાં આવે છે. ગીતગોવિંદમાં તો હવે માત્રામેળ છંદોમાં રચાયેલી ગીતરચનાઓ અનુભવાય છે, જેમાં ચોપાઈ, ચરણાકુલ, સવૈયા, હરિગીત અને ઝૂલણાના પ્રયોગ સુલભ થાય છે. રાગોમાં પણ માલવ, ગુર્જરી, વસંત, રામકરી, માલવગૌડ, કર્ણાટ (કાન્હરો), દેશ, વૈરાટી (વરાડી) અને બિભાસની રાગસંજ્ઞાઓ નોંધાયેલી છે. ઉત્તર અપભ્રંશ અને મધ્યકાલીન ગુજરાતી ભૂમિકામાં આવતાં ચર્ચરી-ગાન અને રાસગાન પણ ગેય રચનાઓ છે. આ યુગમાં નાના એકમનાં રૂપનાં ‘પદો’, ‘ગીતો’ પણ વિકસેલાં જોવા મળે છે. જનાર્દનનું ‘ઉષાહરણ’ તો આવાં શૃંખલાબદ્ધ પદો જ છે. અને એ જ યુગનો નરસિંહ મહેતો અને પછીનાં ભાલણ અને મીરાંની વિપુલ રચનાઓ એ બધી માત્રામેળ છંદોની ગેય દેશીઓ છે.
‘રાસયુગ’માં જ ગીતો જૈન સાધુઓને હાથે રચાયે જતાં હતાં, તો જૈનેતરોની રચનાઓ પણ વેગ સાધતી જતી. નાના ગેય રાસોએ પાછળથી લાંબાં ગેયકાવ્યોનું રૂપ ધારણ કર્યું તો નરસિંહના સમયથી જ ‘આખ્યાનકાવ્યો’નાં બીજ નંખાયાં. ભાલણથી લઈ છેક છોટમ સુધીના કવિઓએ દીર્ઘબંધનાં આખ્યાનો પણ આપ્યાં. આખ્યાનકાવ્યોમાં પણ પ્રેમાનંદ જેવાએ દશમસ્કંધમાં ‘મારું માણેકડું રિસાયું’ જેવાં શુદ્ધ ગીતો મૂક્યાં છે.
‘ગીતકાવ્ય’ની વિસ્તૃત વ્યાખ્યાને જતી કરી અત્યારે આપણે પદરચનાઓને જ ‘ગીતકાવ્ય’ કહીએ છીએ. આમાં રંગભૂમિ ઉપર તથા આકાશવાણી અને દૂરદર્શન ઉપર ગવાતી ગેયરચનાઓનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતીમાં પ્રસંગગીતોની પણ વિપુલતા છે. જેવાં કે બાળકના જન્મવખતનાં, બાળકનાં હાલરડાં, જનોઈ-સગપણ-વિવાહ-સીમંત વગેરેનાં અને મરણ પાછળનાં મરશિયાનાં પણ. આ ઉપરાંત ‘લોકગીતો’. આ બધાં જ કોઈ અને કોઈ છંદની દેશીઓમાં રચાયેલાં હોય છે.
પરંતુ ગુજરાતીમાં ‘ગીત’ શબ્દ અને ‘સંગીત’ શબ્દ વચ્ચે ભારે અવ્યવસ્થા છે. ‘સંગીત’ એ સંસ્કૃત ભાષાનો પારિભાષિક શબ્દ છે. ‘गीतं वाद्यं नर्तनं च त्रयं संगीतमुच्यते ।’
કે. કા. શાસ્ત્રી