ગિલ્બર્ટ, વૉલ્ટર (Gilbert, Walter) (જ. 21 માર્ચ 1932, બૉસ્ટન, યુ.એસ.) : અમેરિકન આણ્વિક જીવવિજ્ઞાની અને 1980ના રસાયણશાસ્ત્ર માટેના નોબેલ પારિતોષિકના સહવિજેતા. 1953માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી ભૌતિકશાસ્ત્રમાં સ્નાતક થયા તથા 1957માં કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી ગણિતશાસ્ત્રમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1958માં તેઓ હાર્વર્ડ યુનિવર્સિટીની ફૅકલ્ટીમાં ભૌતિકશાસ્ત્રના વ્યાખ્યાતા તરીકે જોડાયા. તેમના અભ્યાસ અને રસના વિષયો બદલાતા ગયા તેમ તેઓ 1959માં ભૌતિકશાસ્ત્રના મદદનીશ પ્રાધ્યાપક, 1964માં જૈવભૌતિકી(biophysics)ના ઍસોસિયેટ પ્રોફેસર અને 1968માં જૈવરસાયણ(biochemistry)ના પ્રાધ્યાપક બન્યા. 1972માં તેઓ હાર્વર્ડ ખાતે અમેરિકન કૅન્સર સોસાયટીના આણ્વિક જીવવિજ્ઞાન(molecular biology)ના પ્રાધ્યાપક તરીકે જોડાયા.
1960ના દાયકાનાં પાછલાં વર્ષોમાં ગિલ્બર્ટે જૅક્સ મૉનૉડ (Jacques Monod) અને ફ્રાન્કોઈ જેકબે 1961માં રજૂ કરેલા એવા સિદ્ધાંતને પુષ્ટિ આપી કે કોષમાં પ્રોટીનના સંશ્લેષણની શરૂઆત અને તેના અંત માટે જવાબદાર જનીનો(genes)નું નિયંત્રણ દમનક (repressur) પ્રોટીનો દ્વારા થાય છે. આ દમનક જ્યારે જરૂર ન હોય ત્યારે જનીનોની કાર્યવાહી બંધ કરી દે છે.
ઇશેરિશિયા કોલિ (Eacherichia coli) નામના જીવાણુમાંથી આવો દમનક કે જે જનીન દ્વારા અમુક ઉત્સેચક(enzyme)નું ઉત્પાદન અટકાવે છે તેનું નિદર્શન પણ તેઓ કરી શક્યા હતા.
1970ના ગિલ્બર્ટે DNAના ખંડો(segments)માં ન્યુક્લિયૉટાઇડની સંયોજનકડી (sequences) નક્કી કરવા માટે ઉપયોગી એવી જેલ વિદ્યુતકણસંચલન (gel electrophoresis) નામની પદ્ધતિ વિકસાવી. સેન્ગરે પણ સ્વતંત્ર રીતે આ પદ્ધતિ વિકસાવી હતી.
1970માં હાર્વર્ડ ખાતેની કામગીરી યથાવત ચાલુ રાખીને ગિલ્બર્ટે અન્ય વૈજ્ઞાનિકો અને વ્યાપારીઓ સાથે બાયોજેન (Biogen) નામની સંસ્થાની રચના કરી પણ 1984માં તેમણે આ સંસ્થામાંથી રાજીનામું આપ્યું હતું. હાર્વર્ડ ખાતે અધ્યાપનકાર્ય ચાલુ રાખવા સાથે તેઓ માનવીના DNAમાં જનીન-શ્રેણી(gene sequences)નો સંપૂર્ણ નકશો તૈયાર કરવા માટેના માનવ સંજનીન પ્રકલ્પ(Human Genone Project)ના મુખ્ય પુરસ્કર્તા (proponent) બન્યા.
1960ના દાયકાના ઉત્તરાર્ધમાં ગિલ્બર્ટે જેક્વસ મોનોડ(Jacques Monod)ના એ સિદ્ધાંતને સાબિત કર્યો કે દમનકારી પ્રોટીનો, (represser proteins) કોષમાં પ્રોટીનના સંશ્લેષણની શરૂઆત અને અંત માટે જવાબદાર છે. તેમણે ઇશેરિશિયા કોલિ (Escherichia coli) નામના જીવાણુમાં આ દમનકારકનું નિર્દેશન પણ કર્યું. 1970ના દાયકામાં ગિલ્બર્ટે DNAના ખંડો(segments)માં ન્યૂક્લિયોટાઇડના ક્રમ નક્કી કરવા માટે બહોળા પ્રમાણમાં વપરાતી જેલ (gel) વિદ્યુત કણસંચલન(electrophoresis)ની તકનીક વિકસાવી. 1979માં ગિલ્બર્ટે અન્ય વૈજ્ઞાનિકો અને વ્યાપારીઓના જૂથના સહયોગથી બાયોજેન (Biogen) નામની સંસ્થાની સ્થાપના કરી. 1984માં તેમણે બાયોજેનમાંથી રાજીનામું આપ્યું. આ દરમિયાન હાર્વર્ડમાં શૈક્ષણિક કાર્ય ચાલુ રાખવા સાથે તેઓ ‘માનવ સંજનીન પ્રકલ્પ’(Human Genome Project)ના મુખ્ય પુરસ્કર્તા બન્યા.
જ. પો. ત્રિવેદી