ગિનીનો અખાત : આફ્રિકા ભૂમિખંડની પશ્ચિમે આટલાન્ટિક મહાસાગર કિનારે વિષુવવૃત્તરેખાથી સહેજ ઉત્તરમાં લગભગ કાટખૂણે પડેલા ખાંચામાં આવેલો દરિયો. ભૌગોલિક સ્થાન : 2° 00´ ઉ. અ. અને 2° 30´ પૂ. રે.. આ ખાંચામાં નાઇજર નદીનો મુખ્ય ત્રિકોણપ્રદેશ આવેલો છે. વ્યાપક અર્થમાં જોઈએ તો ગિનીના અખાતની સીમા પશ્ચિમે આવેલી કાસામાન્સ (Casamance) નદીથી શરૂ થઈ છેક દક્ષિણે ગૅબા(Gabon)ના કિનારાના ભાગો સુધી લંબાયેલી છે, જેમાં લોપેઝની ભૂશિરનો સમાવેશ થાય છે તેનો વિસ્તાર : 15,33,000 ચોકિમી. છે.
ગિનીના અખાતની તટરેખા સામાન્ય રીતે નીચી છે. મોટા ભાગના કિનારાના ભાગો ગરમ છે અને ભારે વરસાદ મેળવે છે. આ અખાતમાં પશ્ચિમ તરફથી ગિનીનો ગરમ પ્રવાહ તથા દક્ષિણ તરફથી બૅંગ્વેલાનો ઠંડો પ્રવાહ વહે છે. નાઇજર, કૅમેરૂન, વૉલ્ટા, ઓગવે (Ogooue) વગેરે નદીઓ તેમનાં પાણી આ અખાતમાં ઠાલવે છે. આ અખાતમાં સ્પેન અને પોર્ટુગલના તાબા હેઠળના કેટલાક ટાપુઓ આવેલા છે.
આ અખાતના કિનારા પરથી આયાત કરેલા સોનામાંથી ઈ. સ. 1663માં બ્રિટનની ટંકશાળમાંથી સૌપ્રથમ સોનાનો સિક્કો બહાર પાડવામાં આવ્યો. તે ‘ગિની’ તરીકે ઓળખાયો. વળી પ. આફ્રિકાના આ ભાગમાં ‘ગિની વર્મ’ (Guinea-worm) તરીકે ઓળખાતો રોગ સામાન્ય હતો, તેથી આફ્રિકાના આ કિનારા માટેનો ‘ગિની’ શબ્દ પ્રચલિત બન્યો અને તેના કિનારાને અડીને આવેલો અખાત ‘ગિનીના અખાત’ તરીકે ઓળખાયો. આજે તો તેના કિનારાના એકાદ બે દેશો જ તેના આ નામને સૂચિત કરે છે. જૂના સમયમાં આ અખાતના કિનારાના વિવિધ ભાગોમાંથી વિવિધ પેદાશો ઉપલબ્ધ થતી હતી, તેથી તેવા ભાગોને તેને સૂચવતાં નામો મળેલાં છે. જેમ કે ગ્રેઇન કોસ્ટ, આઇવરી કોસ્ટ, ગોલ્ડ કોસ્ટ, સ્લેવ કોસ્ટ વગેરે.
બીજલ પરમાર