ગિની : પ. આફ્રિકામાં ગિનીના અખાતકિનારે આવેલો પ્રજાસત્તાક દેશ. તે આશરે 7° 20´ ઉ.થી 12° 40´ ઉ. અક્ષાંશવૃત્ત તથા 7° 40´ પ.થી 15° 0´ પ. રેખાંશવૃત્ત વચ્ચે વિસ્તરેલો છે. તેનું કુલ ક્ષેત્રફળ 2,45,857 ચોકિમી. જેટલું છે. તેની ઉત્તર સીમાએ ગિની બિસૅઉ, સેનેગલ અને માલી પ્રજાસત્તાક – સેનેગલ, પશ્ચિમની સીમાએ આઇવરી કોસ્ટ તેમજ દક્ષિણ સીમાએ સિયેરા લિયોન તથા લાઇબેરિયા જેવાં રાષ્ટ્રો આવેલાં છે. દેશના પશ્ચિમ ભાગમાં આવેલો આટલાન્ટિક સમુદ્રતટ 3,476 કિમી.ની લંબાઈ ધરાવે છે. પહેલાં 1888માં આ દેશ ફ્રાન્સનું દરિયાપારનું સંસ્થાન હતો. 1904માં ફ્રેંચ વેસ્ટ આફ્રિકા અંતર્ગતનો પ્રદેશ બન્યો. 1958માં તેણે સ્વતંત્ર પ્રજાસત્તાક દેશ હોવાની ઘોષણા કરી. તે સાથે તે ફ્રેંચ વેસ્ટ આફ્રિકાથી પ્રાદેશિક રીતે અલગ થઈ ગયો. આજે તે રાષ્ટ્રસંઘનું સભ્યપદ પણ ધરાવે છે.
ગિનીનો સમુદ્રતટ સંખ્યાબંધ નદીનાળ ધરાવતો હોવાથી ખાંચાખૂંચીવાળો છે અને કિનારાના નીચા ભાગો કાદવકીચડ તથા મૅન્ગ્રુવ(mangrove)થી આચ્છાદિત છે. તેની પાર્શ્વભૂમિકામાં સરેરાશ 60 કિમી.ની પહોળાઈનાં મેદાનો આવેલાં છે. આંતરિક ભાગો તરફ જતાં આ મેદાનો પરથી સીધાં પગથિયાં રૂપે ફૂટાજલોનનો પહાડી પ્રદેશ ઊંચકાઈને સરેરાશ 1000 મીટરની ઊંચાઈએ પહોંચે છે. રેતીખડકોથી રચાયેલા આ પહાડી પ્રદેશ પર નદીઓએ ઘસારો કરીને સપાટ શિરોભાગ પર્વતખંડો બનાવ્યા છે. મુખ્ય જળવિભાજક પ્રદેશ રચતા આ પહાડી ક્ષેત્રમાંથી નાઇજર, સેનેગલ અને ગામ્બિયા નદીઓ નીકળીને ઉત્તર અને ઈશાનનાં મેદાનો તરફ વહે છે, જ્યારે કાન્કુરે, ગ્રેટ-સ્કૅર્સીઝ તથા ફાટાલા જેવી નાની નદીઓ પશ્ચિમ તરફ વહીને આટલાન્ટિક મહાસાગરને મળે છે. વળી આ દેશના અગ્નિ ખૂણામાં સખત પાસાદાર તળખડકો ધરાવતો ગિનીનો પહાડી પ્રદેશ આવેલો છે. નિમ્બા પર્વતોમાં તેની ઊંચાઈ 1,768 મીટર જેટલી છે.
કિનારાના ભાગો તથા ફૂટાજલોનના પહાડી પ્રદેશના પશ્ચિમ ઢોળાવોનું સરેરાશ વાર્ષિક તાપમાન 27° સે. છે અને અહીંનો વાર્ષિક વરસાદ 4000 મિમી.થી વધારે છે, તેથી આ ભાગોની આબોહવા ગરમ અને ભેજવાળી છે. આંતરિક ભાગો તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે તેથી દેશના બાકીના ભાગોની આબોહવા એકંદરે ગરમ અને શુષ્ક છે. આમ છતાં ફૂટાજલોનનો પહાડી પ્રદેશ પ્રમાણમાં ઠંડકવાળો છે. છેક પૂર્વમાં આવેલાં નાઇજર નદીનાં મેદાનોમાં વાર્ષિક સરેરાશ 1,600 મિમી. જેટલો વરસાદ પડે છે.
દેશનો આશરે 77% જેટલો ભૂમિવિસ્તાર પડતર છે અને બાકીના 4.5% ભાગમાં જંગલો તથા 12% ભાગમાં ગોચરો આવેલાં છે. દેશના માત્ર 6% ભૂમિવિસ્તારમાં ખેતીપ્રવૃત્તિ થાય છે, આમ છતાં દેશનો મુખ્ય આધારસ્તંભ ખેતી છે. દેશની લગભગ 80% વસ્તી વ્યાપારી પાકો દ્વારા મળતી આવક પર નભે છે; તેમાં મુખ્યત્વે કેળાં, તેલતાડ, મગફળી, અનેનાસ અને ખાટાં રસવાળાં અન્ય ફળોનો સમાવેશ થાય છે. વળી, અહીં ડાંગર, કસાવા, મકાઈ, બાજરી અને શાકભાજી જેવા પાકો જીવનનિર્વાહ માટે ઉગાડવામાં આવે છે. ખેતી મુખ્યત્વે કિનારાના ભાગોમાં તેમજ ફૂટાજલોનના પહાડી પ્રદેશમાં આવેલી ખીણોમાં કેન્દ્રિત થયેલી છે. કિનારાની કાદવકીચડવાળી ભૂમિને નવસાધ્ય બનાવીને તેમાં ડાંગરની ખેતીનો વિકાસ કરવામાં આવ્યો છે. ઊંચા ભાગોમાં તથા નાઇજર નદીનાં પૂરનાં મેદાનોમાં પણ ડાંગરની ખેતી થાય છે. ફૂટાજલોનના પહાડી પ્રદેશમાં ઊગતા ઘાસ પર ફુલાણી પશુપાલકો ઢોર તથા ઘેટાંબકરાં ચરાવે છે. જંગલ-આચ્છાદિત ગિનીનાં પહાડી ક્ષેત્રોમાં કૉફીની બાગાયતો આવેલી છે.
દેશના અર્થતંત્રમાં ખાણપ્રવૃત્તિ મહત્વનું સ્થાન ધરાવે છે. દુનિયામાં બૉક્સાઇટની સમૃદ્ધ અનામતો ધરાવતા દેશોમાં ગિનીનું સ્થાન ત્રીજું છે અને તેના ઉત્પાદનમાં તે છઠ્ઠો ક્રમ ધરાવે છે. અહીં બોકે, ફ્રિયા, કિન્ડિયા, ડાબોલા તેમજ લૉસ ટાપુઓમાંથી બૉક્સાઇટ ખોદી કાઢવામાં આવે છે. આ પૈકી ફ્રિયા ખાતે મોટા પાયા પર બૉક્સાઇટનું ઉત્ખનન કરવાનો અને બૉક્સાઇટમાંથી ઍલ્યુમિના બનાવવાનો સૌથી મોટો અને અત્યંત આધુનિક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે. વળી, બોકે ખાતેની બૉક્સાઇટની અનામતો દુનિયાની સૌથી મોટી અનામતો પૈકીની એક ગણાય છે. હવે તેના વિકાસનું કાર્ય હાથ ધરવામાં આવ્યું છે. આ સિવાય લાઇબેરિયાના સીમાવર્તી ભાગોમાં આવેલા નિમ્બા પર્વતોમાંથી લોહખનિજો તેમજ ગિનીના પહાડી પ્રદેશની તળેટીમાંથી હીરા તથા સોનું મળે છે.
સ્થાનિક રીતે ઉપલબ્ધ થતા કાચા માલ ઉપર મગફળીના તેલનો અને ચોખાનો મિલઉદ્યોગ, ફળો અને માંસ-પૅકિંગ ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, તેમજ નારંગીનો રસ બનાવવાનો ઉદ્યોગ મહત્વનો છે. આ ઉપરાંત દેશમાં કાપડની મિલનો તથા છૂટક ભાગો જોડીને વાહનો બનાવવાનો ઉદ્યોગ સ્થપાયો છે. વળી બૉક્સાઇટમાંથી ઍલ્યુમિના બનાવવાનું કારખાનું 1976થી કામ કરતું થયું છે, જે જળવિદ્યુત વાપરે છે.
દેશમાં પરિવહન સેવાઓ અપૂરતી છે. આમ છતાં મુખ્ય સડક અને રેલમાર્ગ કિનારે આવેલા કોનાક્રીથી અંતસ્થ ભાગમાં આવેલા કાંકાં(Kankan)ને જોડે છે. કાંકાંથી સડકમાર્ગોની શાખાઓ પડોશી દેશો સાથે સંકળાયેલી છે. ફ્રિયા તથા બોકેની બૉક્સાઇટની ખાણોમાંથી શરૂ થતા રેલમાર્ગો કિનારાને જોડે છે. નિમ્બા પર્વતોની લોહખનિજોના વિકાસ માટે નવો રેલમાર્ગ બાંધવામાં આવ્યો છે. આ દેશમાંથી ઍલ્યુમિના (62 %), કૉફી, પાઇનેપલ, તેલતાડનાં કોચલાવાળાં ફળો, કેળાં વગેરેની નિકાસ કરવામાં આવે છે.
દેશમાં ફ્રેન્ચ ઉપરાંત આઠ રાષ્ટ્રીય ભાષાઓનો ઉપયોગ થાય છે. મોટા ભાગના (2⁄3) લોકો મુસ્લિમ છે. દેશની લગભગ 1,44,55,227(2023)ની કુલ વસ્તીમાં ફુલાણી લોકોનું પ્રમાણ સૌથી વધારે છે. કોનાક્રી 21,79,000 (2023) એ દેશનું પાટનગર અને મુખ્ય બંદર છે. વળી તે આંતરરાષ્ટ્રીય હવાઈમથક પણ ધરાવે છે.
1958માં સ્વતંત્ર થયા પછી ગિનીના રાજકારણમાં ત્યાંની ડેમોક્રૅટિક પાર્ટી ઑવ્ ગિનીએ એકહથ્થુ શાસન લાંબો સમય ચલાવ્યું હતું. આ પક્ષના નેતા સેકુ તૂર હતા. નવા રચાયેલા બંધારણ અનુસાર રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પુખ્તવય મતાધિકારના ધોરણે થતી હતી. રાષ્ટ્રપ્રમુખ સાત વર્ષ સુધી પોતાના સ્થાન ઉપર રહી શકતા. ઉપરાંત પાછળથી વડાપ્રધાનના પદની પણ શરૂઆત કરવામાં આવી હતી. ચૂંટાયેલી વિધાનસભામાં 90 સભ્યો રહેતા પણ તેની સત્તા ખૂબ મર્યાદિત કરવામાં આવી હતી.
સેકુ તૂરની ઇચ્છા એક પ્રગતિશીલ નેતા થવાની હતી. આથી તેમની વિદેશનીતિમાં રશિયા અને ચીનતરફી ઝોક રહ્યો હતો, તે સાથે ગિની બિનજોડાણની નીતિનો પણ પુરસ્કાર કરતું રહ્યું.
1980માં લશ્કરી દળોએ બળવો કરી તેની નૅશનલ એસેમ્બલીનું વિસર્જન કરી નાંખ્યું. તે પછી ત્યાં લશ્કરી શાસન સ્થપાયું અને 1984માં લાન્સ કોન્ટે નામના લશ્કરી અમલદારે સત્તા હસ્તગત કરી. લશ્કર અને લોકો વચ્ચે અવારનવાર સંઘર્ષ ચાલતો. એપ્રિલ, 1992માં બહુપક્ષી પ્રથાની રાજકીય પદ્ધતિનો પ્રારંભ કરવામાં આવ્યો. 2000માં સરકારી દળો અને બળવાખોરો વચ્ચે ભારે યુદ્ધ ફાટી નીકળ્યું. જેમાં વિરોધીઓ અને પડોશી દેશોના ભાડૂતી સૈનિકો જોડાયા હતા. ડિસેમ્બર, 2003માં નવી પ્રમુખીય ચૂંટણીમાં પૂર્વ પ્રમુખ લાન્સાના કૉન્ટે 95 ટકા મતોથી ચૂંટાયા. જૂન, 2002માં સંસદીય ચૂંટણીઓ યોજાઈ હતી.
બીજલ પરમાર