અર્થ વર્ણાચાર્યુડુ (તેરમી શતાબ્દીની આસપાસ) : મધ્યકાલીન તેલુગુ કવિ. કેટલાક વિદ્વાનોને મતે તેઓ તેલુગુના મહાકવિ તિક્કમાના સમકાલીન અને જૈનધર્મી હતા. એમણે કરેલા સંસ્કૃત મહાભારતના પદ્યાનુવાદના થોડા જ છંદ મળે છે. (મહાભારતના પર્વને એમણે છંદ નામ આપ્યું છે.) એમના ઉત્તરકાલીન રીતિકવિઓએ લક્ષણગ્રંથોમાં આ અનુવાદમાંથી ઉદાહરણો આપ્યાં છે. એથી એવું લાગે છે કે કવિએ સંસ્કૃતપ્રચુર અને સમાસબહુલ ભાષામાં અનુવાદ કર્યો હોવો જોઈએ. કાવ્યશૈલી ઓજસપ્રધાન છે. ‘વિવૃતિ વિવેકમુ’ સૂત્રશૈલીમાં તેમણે લખેલો તેલુગુનો વ્યાકરણગ્રંથ છે.
ચન્દ્રકાન્ત મહેતા