ગાર્સિયા માર્કેઝ, ગેબ્રિયલ
January, 2010
ગાર્સિયા માર્કેઝ, ગેબ્રિયલ (જ. 6 માર્ચ, 1928, ઍરેકેટેકા, કોલંબિયા; અ. 17 એપ્રિલ 2014, મેક્સિકો સિટી, મેક્સિકો) : લૅટિન-અમેરિકન નવલકથાકાર, વાર્તાકાર અને પત્રકાર. તેમની નવલકથા ‘ક્રૉનિકલ ઑવ્ ડેથ ફોરટોલ્ડ’ (1981) બદલ તેમને 1982ના વર્ષનો સાહિત્યનો નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો હતો. તેમનો જન્મ 16 બાળકોવાળા પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ ગેબ્રિયલ એલિખિઓ ગાર્સિયા અને માતાનું નામ સાંતિઆગા માર્કેઝ ઇગુઆરાન હતું. તેમનો ઉછેર તેમનાં નાના-નાનીએ કર્યો હતો. તેમનાં નાની તેમને રોજ અલૌકિક વિશ્વની અદભુત અને ભૂતપ્રેતની વાર્તાઓ કહેતાં. તે અત્યંત ગરીબીમાં ઊછરેલા.
તેમણે બગોટામાં કોલંબિયાની નૅશનલ યુનિવર્સિટીમાંથી અને કાર્ટાજિનાની યુનિવર્સિટીમાંથી કાયદો અને પત્રકારત્વની ડિગ્રી મેળવી. 1948માં પત્રકાર તરીકે કારકિર્દી શરૂ કરી. જુદાં જુદાં અખબારોમાં કામ કર્યા પછી 1950ના દસકામાં તેમણે રોમ અને પૅરિસમાં બગોટા માટેના એક દૈનિક માટે સંવાદદાતા તરીકે કામગીરી બજાવી. 1958માં પાછા ફર્યા અને 1959થી 1961 કોલંબિયાના હવાના અને ન્યૂયૉર્ક શહેરમાં ક્યુબાન ન્યૂઝ એજન્સી માટે કામ કર્યું. 1960ના દસકામાં મૅક્સિકોમાં સ્ક્રીન-પ્લે લખવાનું અને પ્રચારકાર્ય કર્યું. 1973માં તેઓ બાર્સિલોના ગયા અને 1970ના દસકામાં મેક્સિકો પાછા ફર્યા. 1980નાં પ્રારંભિક વર્ષોમાં તેમની ડાબેરી વિચારસરણીને કારણે તેમના વતન કોલંબિયા ઉપરાંત અમેરિકામાં તેમના પ્રવાસ પર પ્રસંગોપાત્ત નિયંત્રણો મૂકવામાં આવ્યાં હતાં.
1940નાં પાછલાં વર્ષોમાં તેમણે ટૂંકી વાર્તાઓ લખવી શરૂ કરી હતી. ‘લીફ સ્ટૉર્મ ઍન્ડ અધર સ્ટૉરીઝ’ (1955) તેમનો સર્વપ્રથમ વાર્તાસંગ્રહ છે. તેમાં કલ્પિત કોલંબિયન ગામ ‘મૅકોન્ડો’ની ગ્રામભૂમિ ઉપરાંત વાસ્તવલક્ષિતા તથા તરંગલીલાની શૈલી તેમની ખાસિયત બની રહેલો. ‘નો વન રાઇટ્સ ટુ ધ કર્નલ ઍન્ડ અધર સ્ટૉરીઝ’ (1962) તેમનો બીજો સંગ્રહ છે. તેના મુખ્ય પાત્રની પ્રેરણા તેમને તેમના દાદાએ આપી હતી. ‘ઇન ઈવિલ અવર’ (1962) નવલકથામાં રાજકીય શોષણ અને જુલમ અભિવ્યક્ત થાય છે. ‘બિગ મમાઝ ફ્યૂનરલ’ (1962) તેમજ તેમની સૌથી જાણીતી નવલકથા છે : ‘વન હંડ્રેડ યર્સ ઑવ્ સૉલિટ્યૂડ’ (1967). આ નવલકથા ઝંઝાવાતી નીવડી અને વિવિધ ભાષાઓમાં અનૂદિત થઈ છે. આ કૃતિથી લેખકને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત થઈ. તેની અનેક આવૃત્તિઓ થઈ. તેમાં કોલંબિયાના ઇતિહાસની સાથોસાથ માનવઅનુભૂતિની પુરાણકથા આલેખાઈ છે. ‘ધ ઑટમ ઑવ્ ધ પેટ્રિયાર્ક’(1975)માં લૅટિન-અમેરિકન લશ્કરી સરમુખત્યારશાહી વિશેની કટાક્ષકથા છે. તેમની ઘણીખરી કૃતિઓની સંકુલ અને ક્લિષ્ટ શૈલી પર અમેરિકન નવલકથાકાર વિલિયમ ફૉકનરનો પ્રભાવ હોવાનું તેમણે નોબેલ પુરસ્કાર સ્વીકારતી વખતે પોતે જ સ્વીકાર્યું હતું.
તેમની પુરસ્કૃત કૃતિ ‘ક્રૉનિકલ ઑવ્ ડેથ ફોરટોલ્ડ’, ‘મૅજિકલ રિએલિઝમ’ના માધ્યમ દ્વારા પ્રાયોગિક પદ્ધતિની નવલકથા છે. તેમાં કલ્પકતા, કલાત્મકતા, સદસદ્વિવેકબુદ્ધિનું અપૂર્વ મિશ્રણ હોવાને કારણે આ કૃતિ વીસમી સદીનું વૈશિષ્ટ્યપૂર્ણ પ્રદાન ગણાય છે. ‘વન હંડ્રેડ યર્સ ઑવ્ સૉલિટ્યૂડ’માં લૅટિન-અમેરિકનોનાં જીવનનું આબેહૂબ ચિત્રાંકન અભિવ્યક્ત થાય છે. તે એકસાથે અનેક સ્તરે વાચકોને જકડી રાખે છે. એક તરફ સુખદુ:ખથી છવાયેલા પ્રસંગો અને બીજી તરફ સમૃદ્ધ, સ્વપ્નમય, કાવ્યમય ભાષાઓ આ નવલકથાની વિશિષ્ટતા છે. તેમાં બુએનરિયા કુટુંબની વાતો, આંતરિક યુદ્ધ, કામદારોના બગીચામાં થયેલ હત્યાકાંડ, અમેરિકન ઉદ્યોગોએ કોલંબિયામાં, દક્ષિણ અમેરિકામાં કરેલી ઘૂસણખોરી જેવા વાસ્તવિક પ્રસંગો વણી લેવામાં આવ્યા છે. બીજી તરફ આ નવલકથામાં ઊડતા ગાલીચા પરથી કરેલ પ્રવાસ, પુનર્જન્મ જેવી ઘટનાઓ છલોછલ ભરેલી છે.
મહેશ ચોકસી