ગાર્ડીનિયા (Gardenia L) : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા રૂબિયેસી કુળની પ્રજાતિ. તે ક્ષુપ અને નાનાં વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિઓની બનેલી છે; અને ખાસ કરીને જૂની દુનિયાના ઉષ્ણ અને ઉપોષ્ણ પ્રદેશોમાં વિતરણ પામેલી છે. ભારતમાં 6 જાતિઓ દેશજ (indigenous) છે. કેટલીક વિદેશી જાતિઓ ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. કેટલીક જાતિઓ ઇમારતી લાકડું આપે છે. કેટલીક જાતિઓ રાળનો સ્રાવ કરે છે; જેનો ઔષધગુણવિજ્ઞાન(pharmacology)માં ઉપયોગ થાય છે. તેના સહસભ્યોમાં મીંઢળ, આલ, મજીઠ અને પર્પટ વગેરેનો સમાવેશ થાય છે.

Gardenia campanulata મોટું કાંટાળું ક્ષુપ કે નાનું વૃક્ષ છે અને ભારતના ઉત્તર-પૂર્વ પ્રદેશોમાં થાય છે. પર્ણો સાદાં, ઉપવલયી-અંડાકાર (elliptic-ovate) કે પ્રતિ-ભાલાકાર (oblanceolate) અને ઉપપર્ણીય (stipulate) હોય છે. પુષ્પો દ્વિસ્વરૂપી (dimorphic), ઘંટાકાર (campanulate) અને સફેદ રંગનાં હોય છે. ફળો ઉપવલયી કે ઉપગોળાકાર (sub-globose), અસ્પષ્ટપણે પાંચ ખાંચોવાળાં અને રસાળ હોય છે. અંત:ફલાવરણ (endocarp) કઠણ હોય છે.

પર્ણો અને ફળો રાંધ્યા પછી ખવાય છે. ફળ વિરેચક (cathartic) અને કૃમિહર (anthelmintic) હોય છે. વનસ્પતિ દ્વારા સ્રવતી રાળ સ્થૂળકાયતા (corpulence) અને મોટી થયેલી બરોળમાં આપવામાં આવે છે. ફળનો રસ 1 : 80ના પ્રમાણમાં મંદ બનાવી તેનો અસરકારક ઇયળનાશક તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેનો મત્સ્ય-વિષ તરીકે પણ ઉપયોગ થાય છે. ફળોનો કપડાં ધોવા માટે અને રેશમ પરથી ડાઘાઓ દૂર કરવા માટે પણ ઉપયોગ કરવામાં આવે છે. તેનો સક્રિય ઘટક સેપોનિન C19H30O10 છે. મૂળ સંકોચક (astringent) હોય છે. તે 2.4 % ટેનિન ધરાવે છે.

ઉ. gummifera Linn. f. (સં. નાડીહિંગુ, હિંગુનાડિકા; મ. ડિકેમાલી; હિં. દિકામાળી, કલ, પતિહિંગ; બં. હિંગુવિશેષ; ક. કલહત્તિ; તા. કુઅંબે, ડિક્કેમલ્લી; તે. ચિભહિંગ્વા, કારૂઇંગવા; અં. કુમ્બી-ગમ ટ્રી; ગમી ગાર્ડીનિયા.) મોટું ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ (1.5—1.8 મી. ઊંચી, ઘેરાવો 30 સેમી. જેટલો) ધરાવતી જાતિ છે. તેનું થડ વાંકુંચૂકું અને શાખાઓ અમળાયેલી હોય છે. તે ડેકન દ્વીપકલ્પ(peninsula)માં બધે જ થાય છે અને ઉત્તર તરફ બુંદેલખંડ અને બિહારના ભાગો સુધી વિતરણ પામેલી છે. તેની છાલ બદામી રંગની હોય છે. પર્ણો અદંડી (sessile), સ્ફાનાકાર (cuneate) કે પ્રતિ-અંડાકાર (obovate) હોય છે. પુષ્પો મોટાં અને પીળા રંગનાં તથા ફળ અંડાકાર અને રસાળ હોય છે.

આકૃતિ 1 : દિકામાળી(G. gummifera)નું વૃક્ષ

આ જાતિની કલિકાઓ અને તરુણ પ્રરોહો રાળયુક્ત પદાર્થનો સ્રાવ કરે છે; જેને વ્યાપારિક ર્દષ્ટિએ ‘દિકામાળી’ કે ‘કુમ્બી ગમ’ કહે છે. રાળ બિંદુઓ સ્વરૂપે મુક્ત રીતે સ્રવે છે. પ્રરોહ અને કલિકાઓને રાળના ટીપાં સ્વરૂપે કે એકત્રીકરણ થયા પછી ચકતાં કે અનિયમિત ગઠ્ઠાઓ સ્વરૂપે વેચવામાં આવે છે. રાળ પારદર્શક, લીલાશ પડતી પીળી, સ્વાદે તીખી અને વિશિષ્ટ અણગમતી વાસ ધરાવે છે. તે ઉદ્વેષ્ટરોધી (antispasmodic), કફોત્સારી (expectorant), વાતહર (carminative), પ્રસ્વેદક (diaphoretic), કૃમિહર, પૂતિરોધી (antiseptic) અને ઉત્તેજક (stimulant) તરીકેના ગુણધર્મો ધરાવે છે. તે બાળકોને ચેતાતંત્રના રોગોમાં અને દાંત આવવાની ક્રિયા દરમિયાન થતા અતિસારમાં આપવામાં આવે છે. દાંતના પેઢાના દર્દમાં તે પેઢા સાથે ઘસવામાં આવે છે. તેનો ઉપયોગ ગંધ મારતાં ચાંદાંઓને સ્વચ્છ કરવામાં પણ થાય છે. રાળનો કાઢો તાવમાં અપાય છે. વાયુવિકાર (flatulence) સાથે થતા અજીર્ણ(dyspepsia)માં અને આંતરડાના રોગમાં રાળનો ઉપયોગ લાભદાયી હોય છે. ચામડીના જૂના રોગોમાં દિકામાળી આપવામાં આવે છે. પશુઓ માટેની દવાઓમાં રાળનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. પશુઓના વ્રણ ઉપર બેસતી માખીઓને દૂર રાખવા, વ્રણમાં થયેલ અપાદકો(maggots)નો નાશ કરવા તથા વ્રણ ઝડપથી રુઝાય તે માટે અને ઘેટાઓના પ્રક્ષાલ (wash) તરીકે રાળ વાપરવામાં આવે છે. વાળામાં 0.60 ગ્રા. પ્રમાણમાં આપવામાં આવે છે. તે ગોળકૃમિ માટે ઉત્તમ ઔષધ ગણાય છે.

દિકામાળીના વ્યાપારિક નમૂનામાં રાળ 89.9 %, બાષ્પશીલ તેલ 0.1 % અને વનસ્પતિ અશુદ્ધિઓ 10.0 % હોય છે. રાળની લાક્ષણિકતાઓ આ પ્રમાણે છે : ગ.બિં. 45­-50o સે., ઍસિડ આંક 87.1, આયોડિન આંક 80.8 અને સાબૂકરણ આંક 172.3. તે રંજકદ્રવ્ય, ગાર્ડીનિન (5 હાઇડ્રોક્સિ ­ 3, 6, 8, 3’, 4’, 5’ ­ હેક્ઝામિથોક્સિ ફલૅવોન, C21H22O9, ગ.બિં. 163o­164o સે.) ઉત્પન્ન કરે છે. આ રંજકદ્રવ્ય રાળનું ગરમ આલ્કોહૉલમાં પાચન કરવાથી 1.4 % સુધી ઉત્પાદન થાય છે. દિકામાળીના ઘેરા પીળા રંગના નમૂનાઓમાંથી ગાર્ડીનિનનું વધારે ઉત્પાદન થાય છે.

આયુર્વેદ અનુસાર દિકામાળી તીખી, તીક્ષ્ણ, ઉષ્ણ અને અગ્નિદીપક હોય છે. તે કફ, વાયુ, મલબંધ, મનનો મોહ (ચક્કર, મૂર્છા) અને આમનો નાશ કરે છે. તેનો ઉપયોગ પેટપીડ, જંતુ (કૃમિ), કૉલેરા, થાક, તાવ, બાળકોની સસણી, અતિસાર ઉપર થાય છે. એક મત પ્રમાણે, દિકામાળી સંકોચવિકાસ પ્રતિબંધક, ઉદરવાતશામક, કૃમિઘ્ન, નિયતકાલિક જ્વરનાશક, સ્વેદલ, શ્લેષ્મનિ:સારક અને ચર્મરોગનાશક છે. માત્રા : 0.06 ગ્રા.થી 0.24 ગ્રા..

દિકામાળીનું કાષ્ઠ પીળાશ પડતું સફેદ, ચળકતું અને લીસું હોય છે. તે કઠણ, ભારે (વિ. ગુ. 0.74; વજન 769 કિગ્રા./ઘમી.), સુરેખ-કણિકાયુક્ત (straight-grained) અને સૂક્ષ્મ (fine) તથા સમગઠિત (even-textured) હોય છે. અન્ય ગાર્ડીનિયા કાષ્ઠની જેમ તેના સંશોષણ (seasoning) દરમિયાન અંત્ય-વિપાટન (end-splitting) થાય છે. ચોમાસા પછી તરત જ વૃક્ષનું પાતન (felling) કરી તેને સૂકા પવનથી રક્ષણ આપવામાં આવે છે. કાષ્ઠનું અંત્ય-વિપાટન ડામર કે ગાયનું છાણ લગાડવાથી અટકાવી શકાય છે. તે સારા પ્રમાણમાં ટકાઉ હોય છે, તેના પર ખરાદીકામ સારી રીતે થાય છે અને તે સારી રીતે પૉલિશ ગ્રહણ કરે છે. તેનો ઉપયોગ કાંસકા, ઓજારોના હાથાઓ, ફૂટપટ્ટીઓ અને પેટીઓ બનાવવામાં થાય છે. કાષ્ઠનો ઉષ્મીય આંક (calorific value) 4,543 કૅલરી, 8,178 બ્રિટિશ થર્મલ યુનિટ (B.t.u.) છે.

G. jasminoides Ellis syn. G. florida Linn; G. augusta Merrill (સં., હિં., બં., ઉ. ગંધરાજ; અં. કૅપ જૅસ્માઇન) પરિવર્તી (variable), સદાહરિત 2-­3 મી.ની ઊંચાઈ ધરાવતી ક્ષુપ કે નાના વૃક્ષ સ્વરૂપ જાતિ છે અને ચીન તથા જાપાનની મૂલનિવાસી છે. તે ભારતીય ઉદ્યાનોમાં ઉછેરવામાં આવે છે. તેનાં પર્ણો સાદાં, સંમુખ, ઊંડી નસવાળાં, મોટાં, ઉપવલયી-અંડાકાર, જાડાં, ચળકતાં, કેટલીક વાર બહુવર્ણી (variegated) અને ઉપપર્ણીય હોય છે. પુષ્પો એકાકી, મોટાં, 7.5 સેમી. વ્યાસવાળાં પીળાશ પડતાં સફેદ, ઘણી વાર દ્વિદલી (double) તથા અત્યંત સુવાસિત હોય છે અને ઉનાળામાં બેસે છે. ફળ અંડાકાર, 3.8 સેમી. જેટલાં લાંબાં, નારંગી રંગનાં, રસાળ અને ધારોવાળાં હોય છે. var. fortunei અને var. veitchii ઉદ્યાનોમાં ઉગાડાય છે.

ચોમાસાની ઋતુમાં તેનું પ્રસર્જન કટકારોપણ (cutting) દ્વારા થાય છે. ગંધરાજનો ઉપયોગ વાડ બનાવવામાં થાય છે.

ગંધરાજ ઉદ્વેષ્ટરોધી, કાલિક-જ્વરરોધી (antiperiodic), વિરેચક અને કૃમિઘ્ન ગુણધર્મો ધરાવે છે. તેનો ઉપયોગ પૂતિરોધી તરીકે પણ કરવામાં આવે છે. મૂળ અજીર્ણ (dyspepsia) અને ચેતાતંત્રના રોગોમાં ઉપયોગી છે. માથાના દુખાવામાં મૂળનો પાણીમાં બનાવેલો મલમ લગાડવામાં આવે છે. પર્ણોનો પોટીસ તરીકે અને પર્ણો તથા મૂળ જ્વરઘ્ન (febrifuge) ઔષધોમાં ઉમેરવામાં આવે છે. પર્ણો શિયાળા દરમિયાન મૅનિટોલ ધરાવે છે.

ફળો વમનકારી (emetic), મૂત્રલ (diuretic) અને ઉત્તેજક હોય છે. તેમનો કમળામાં તથા મૂત્રપિંડ અને ફેફસાંના રોગોમાં ઉપયોગ થાય છે. ચીનમાં ફળોનો ઉપયોગ કાપડને પીળા કે સિંદૂરી રંગથી રંગવા માટે થાય છે. ફળોમાં પૅક્ટિન, ક્લારોજેનિન, ટેનિન અને રાતું અસ્ફટિકી રંજકદ્રવ્ય હોય છે. આ રંજકદ્રવ્ય કેસરમાંથી પ્રાપ્ત થતા ક્રોસિન સાથે સામ્ય ધરાવે છે.

તાજાં પુષ્પોનું પેટ્રોલિયમ સાથે દ્રવ-સંમર્દન (maceration) કરી નિષ્કર્ષનું નિસ્યંદન કરતાં 0.07 % જેટલું સ્વચ્છ પીળાશ પડતા રંગનું બાષ્પશીલ તેલ (વિ. ગુ. 1.009) પ્રાપ્ત થાય છે. આ તેલ બેન્ઝાઇલ એસિટેટ, સ્ટાયરિન એસિટેટ, લિનેલોલ, લિનાઇલ એસિટેટ, ટર્પેનિયોલ અને મિથાઇલ ઍન્થ્રેનિલેટ ધરાવે છે. બેન્ઝોઇક ઍસિડ એસ્ટર સ્વરૂપે હાજર હોવાની સંભાવના છે. સુવાસ મુખ્યત્વે સ્ટાયરિન એસિટેટને કારણે હોય છે. જોકે કુદરતી તેલનું ભાગ્યે જ નિષ્કર્ષણ કરવામાં આવે છે. વ્યાપારિક ગાર્ડીનિયા અત્તર મોટે ભાગે સાંશ્ર્લેષિક (synthetic) ઊપજ છે. ચીનમાં ગંધરાજનાં પુષ્પોનો ચા સુવાસિત કરવામાં ઉપયોગ થાય છે.

G. latifolia (હિં. પાપરા, બન પિંડાલુ; મ. ધોગરી, પાપુર, પંડરુ; તે. પેડ્ડા બિક્કી, પેડ્ડાકારિંગુવા; ત. કુમ્બાય, પેરુંગાંબિલ; ક. કાલ્કામ્બી; ઉ. કોટા રંગા, દામકુર્દુ; અં. બૉક્સવૂડ ગાર્ડીનિયા) નાની, પર્ણપાતી, શોભન (ornamental) વૃક્ષ સ્વરૂપ (3.6 મી. ­- 4.2 મી. ઊંચી અને 0.6 મી-­1.2 મી.ના ઘેરાવાવાળી) જાતિ છે. તેનો પર્ણમુકુટ (crown) નીચો અને ઝાડી જેવો હોય છે. તેની છાલ ભૂખરા રંગની હોય છે અને તેનું ત્વક્ષણ (peeling) પતરીઓ (flakes) સ્વરૂપે થાય છે. ભારતમાં આ જાતિ મોટે ભાગે શુષ્ક જંગલોમાં થાય છે. કેટલીક વાર તે પરરોહી (epiphyte) તરીકે પણ જોવા મળે છે. પર્ણો મોટાં, પહોળાં, અંડાકાર અને સામાન્યત: શાખાઓને છેડે ગુચ્છમાં જોવા મળે છે. પુષ્પનો વ્યાસ 7.5 સેમી.થી 10.0 સેમી. હોય છે. તેઓ એકાકી, પીળાશ પડતા રંગના અને સુવાસિત હોય છે. ફળ ગોળાકાર, 2.5-­5.0 સેમી. વ્યાસવાળાં, રોમિલ અને ખાદ્ય હોય છે.

આકૃતિ 2 : Gardenia latifoliaની ફળયુક્ત શાખા

કાષ્ઠ પીળાશ પડતું સફેદ હોય છે, જેમાં અંત:કાષ્ઠ (heartwood) સ્પષ્ટ હોતું નથી. તે ચળકતું, લીસું, કઠણ, ભારે (વિ. ગુ. આશરે 0.85, વજન 865 કિગ્રા./ઘમી.) સૂક્ષ્મ અને સમગઠિત હોય છે. તેના ઉપર કરવતકામ અને ખરાદીકામ સારી રીતે થઈ શકે છે. તેને પૉલિશ સારી રીતે લાગે છે. તે આવરણ હેઠળ ટકાઉ હોય છે. તેનો ઉષ્મીય આંક 4661 કૅલરી, 8390 બી.ટી.યુ. છે.

કાષ્ઠનો ઉપયોગ પેટીઓ, કાંસકા, ખરાદીકામની વસ્તુઓ, હલકું રાચરચીલું, પલંગ, હથોડીઓ, રમકડાં અને ગણિતીય સાધનો બનાવવામાં તથા કોતરકામમાં થાય છે.

G. lucida Roxb. = G. resinifera Roth. (હિં., મ. દિકામાળી; ગુ. દિકામાળી, માલણ, માલડી) સુંદર ક્ષુપ કે નાનું વૃક્ષ સ્વરૂપ ધરાવતી જાતિ છે, જે G. gummifera સાથે સામ્ય ધરાવે છે; પરંતુ તેની છાલ વધારે ઘેરા રંગની અને પર્ણદંડો વધારે લાંબા હોય છે. તે મધ્યભારત અને ડૅકન દ્વીપકલ્પમાં જોવા મળે છે તથા સામાન્ય રીતે ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે. તે ગુજરાતમાં છોટાઉદેપુર, ડાંગ અને બરડાનાં જંગલોમાં તથા કચ્છમાં પણ થાય છે.

આ જાતિમાંથી મેળવવામાં આવતો દિકામાળી કે કુમ્બીગમ અને કાષ્ઠ (વિ. ગુ. 0.76; વજન 753 કિગ્રા./ઘ.મી.) G. gummifera સાથે સામ્ય ધરાવે છે અને ઉપયોગો પણ તે જ પ્રકારના છે.

કાષ્ઠનું વિભંજક (destructive) નિસ્યંદન (શુષ્કતાને આધારે) કરતાં કોલસો 30.1 %, પાયરોલિગ્નિનયુક્ત ઍસિડ (શુષ્ક) 39.5 %, ડામર 10.8 %, ક્ષય (loss) 1.3 %, ઍસિડ 5.47, એસ્ટર 4.67, એસિટોન 3.80 % અને મિથેનોલ 1.19 %; વાયુ (માનક તાપમાન અને દાબ; normal temperature and pressure, N.T.P.) 0.1155 ઘ.મી./કિગ્રા. પર્ણોનો ઈથર નિષ્કર્ષ Staphylococcus aureus અને Escherichia coli સામે પ્રતિજૈવિક (antibiotic) સક્રિયતા દર્શાવે છે.

આકૃતિ 3 : G. latifoliaના કાષ્ઠનો આડો છેદ

G. turgida Roxb. (હિં. થાનેલા, ધુર્ગિયા; મ. પેંદ્રા, ખુરપેંદ્રા; તે. યેરીબિક્કી, તેલ્લકોક્કિય, મંજુંડા; તામ. માલન્ગરાઈ; ક. બેંગેરી, બૂટબંગારી; મલા. માલન્કારા, ખાકર; ઉ. બોમોનિયા) નાની પર્ણપાતી કાંટાળી વૃક્ષ-જાતિ છે. તેની છાલ આછા ભૂખરા કે સફેદ રંગની અને લીસી હોય છે. તે ભારતનાં શુષ્ક જંગલોમાં 1200 મી.ની ઊંચાઈ સુધી થાય છે. તેનાં પર્ણો ઉપવલયી-પ્રતિઅંડાકાર હોય છે અને શાખાઓના અંતભાગે ગુચ્છિત થયેલાં હોય છે. પુષ્પો મોટાં અને સફેદ રંગનાં હોય છે. ફળો ઉપ-ગોળાકાર, ભૂખરાં લીલાં અને ફલાવરણ જાડું અને સખત હોય છે. અંત:ફલાવરણ કાષ્ઠમય હોય છે; જેમાં અનેક કોણીય બીજ આવેલાં હોય છે.

આ વૃક્ષ શુષ્ક પથરાળ મૃદામાં, ખડકાળ ટેકરીઓની કટક (ridge), કંકરિત મૃદા (laterite) અને ર્દઢ માટીવાળી મૃદામાં થાય છે. તે હિમ અને શુષ્કતા બંનેનો પ્રતિકાર કરી શકે છે. તેને ઢોર ચરતાં નથી; તેનું વાવેતર ધરુવાડિયામાં બીજ ઉગાડી, એકવર્ષીય રોપાઓનું વાવેતર બીજા વરસાદની શરૂઆતમાં કરવામાં આવે છે.

કાષ્ઠ આછા પીળાથી બદામી સફેદ રંગનું હોય છે. તે સ્પષ્ટ અંત:કાષ્ઠ ધરાવતું નથી. તે લીસું, ચળકતું, કઠિન, ભારે (વિ. ગુ. 0.89, વજન આશરે 910 કિગ્રા./ઘ.મી.), સુરેખ-કણિકાયુક્ત, સૂક્ષ્મ અને સમગઠિત હોય છે. સંશોષણ દરમિયાન તે ચીરાઈ જાય છે. શુષ્ક પવનોથી રક્ષણ આપવું જરૂરી છે. કાષ્ઠના ગુણધર્મો અને ઉપયોગો G. gummifera જેવા જ હોય છે. કાષ્ઠનો ઉષ્મીય આંક 4693 કૅલરી, 8448 બી.ટી.યુ. હોય છે.

મૂળમાંથી તૈયાર કરાતાં ઔષધોનો ઉપયોગ બાળકોમાં અજીર્ણ(indigestion)માં થાય છે. કચરેલાં મૂળ પાણીમાં ફીણ ઉત્પન્ન કરે છે, જે માથાના દુખાવામાં લગાડવામાં આવે છે. ફળો સ્તનગ્રંથિઓની તકલીફોમાં આપવામાં આવે છે. રાંધ્યા પછી તેનો ખાવામાં ઉપયોગ થાય છે.

વૃક્ષ દ્વારા પીળો ગુંદર ઉત્પન્ન થાય છે. તેની સુવાસ આનંદદાયી હોય છે. આ ગુંદર પાણીમાં દ્રાવ્ય હોય છે. તેનો સ્રાવ પ્રકાંડના ઉપરના ભાગેથી કાપ મૂકતાં થાય છે. તે 40 % d-મૅનિટોલ ધરાવે છે.

G. coronaria Buch ­ Ham. નાની વૃક્ષજાતિ છે અને સિલહટ અને આંદામાનના ટાપુઓમાં થાય છે. આ વૃક્ષ દ્વારા મીણ ઉત્પન્ન થાય છે.

મ. ઝ. શાહ

બળદેવભાઈ પટેલ