ગાર્ડિયન, ધ : ગુણવત્તાની ર્દષ્ટિએ બ્રિટનનું અગ્રગણ્ય અખબાર. ‘ગાર્ડિયન’ લંડન અને માન્ચેસ્ટરમાંથી પ્રસિદ્ધ થાય છે. ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ સાપ્તાહિક તરીકે 1821માં શરૂ થયું. બ્રિટનમાં અખબારો પર સ્ટૅમ્પ વેરો હતો. 1855માં બ્રિટિશ સરકારે એ વેરો નાબૂદ કર્યો. ત્યાર બાદ ‘માન્ચેસ્ટર ગાર્ડિયન’ દૈનિક બન્યું. એ અખબાર બ્રિટનનું રાષ્ટ્રીય દૈનિક બનતાં સો વર્ષ બાદ એમાંથી ‘માન્ચેસ્ટર’ શબ્દ પડતો મુકાયો. એણે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કરી. એનાં લખાણનાં ઉચ્ચ ધોરણ, સમાચારો અને અભિપ્રાયોની ગુણવત્તા અને રજૂઆતને કારણે દેશપરદેશમાં એની ગણના થવા માંડી.

‘ગાર્ડિયન’ એનાં પચરંગી મંતવ્યો, સાહિત્ય, કલા અને વિવેચનમાં એનાં સમૃદ્ધ કૉલમો તેમજ વિદેશના સમાચારોથી એક વિશિષ્ટ ભાત ઉપસાવે છે. એની માલિકી ટ્રસ્ટની છે. નાણાકીય રીતે તે સધ્ધર છે. એની નીતિ સ્વતંત્ર અને ઉદારમતવાદી છે. એને કારણે એની ગણના ‘Britain’s non-conformist conscience’ તરીકે થતી હતી. એના તંત્રી ચાર્લ્સ પ્રેસ્ટવિચ સ્કૉટે એમના દીર્ઘકાલીન તંત્રીપદ દરમિયાન ખાસ કરીને 1871ના ફ્રાન્કો-જર્મન યુદ્ધ વખતે લખેલા તંત્રીલેખોથી વિશિષ્ટ ભાત ઉપસાવી હતી. પ્રજાને ગમે તેવું પીરસીને ફેલાવો વધારવાની એની નીતિ ન હતી. બલકે એણે સમાચારોના ઊંડાણ પર વિશેષ ભાર મૂક્યો હતો. અપ્રિય બાબતોની રજૂઆતથી એની વાચકસંખ્યા વખતોવખત ઘટી છે, પરંતુ એની સ્વતંત્ર નીતિમાં કોઈ ફરક પડ્યો નથી.

બળવંતરાય શાહ