ગારડી, દીપચંદ
January, 2010
ગારડી, દીપચંદ (જ. 25 એપ્રિલ 1915, પડધરી, સૌરાષ્ટ્ર; અ. 6 જાન્યુઆરી 2014, મુંબઈ) : અગ્રણી સમાજસેવક અને જાણીતા દાનવીર. જૈન પરિવારમાં જન્મ. પિતાનું નામ સવરાજ, માતાનું નામ કપૂરબહેન. ચાર વર્ષની કાચી ઉંમરે પિતાનું અવસાન થયું. સમયાંતરે મુંબઈ આવ્યા, જ્યાં તેમની પ્રામાણિકતાથી અંજાઈ ગયેલા એક જણે તેમને બક્ષિસરૂપે જમીન આપી. તેમણે ભારતમાં બી.એસસી. ઉપરાંત કાયદાશાસ્ત્રની એલએલ.બી.ની પદવી હાંસલ કર્યા બાદ ઇંગ્લૅન્ડની બાર-ઍટ-લૉની પદવી પણ પ્રાપ્ત કરી. ધનની કમાણી માટે પોતાના શિક્ષણનો કે બૅરિસ્ટરની પદવીનો ઉપયોગ કરવાને બદલે તેના વિકલ્પે સમાજની ગરીબ, પીડાયેલી વ્યક્તિઓને સહાય કરવાના હેતુથી તેમણે પ્રયાસ આરંભ્યા, આજ દિન સુધી તે ચાલુ રાખ્યા અને મોજશોખ કરવાને બદલે જરૂરિયાતમંદ વ્યક્તિઓ અને સંસ્થાઓને દાન કરવાની પ્રવૃત્તિ આદરી. આ પ્રવૃત્તિનો વ્યાપ ક્રમશ: કાશ્મીરથી કન્યાકુમારી અને પશ્ચિમથી પૂર્વ તરફના દેશના સમગ્ર વિસ્તારમાં ફેલાતો ગયો. તેમની દાનની પ્રવૃત્તિઓ મુખ્યત્વે જીવદયા, સમાજસેવા અને કેળવણી – આ ત્રણ ક્ષેત્રોને સ્પર્શે છે. તેમના પુત્ર પણ પિતાની વિચારસરણી અને પ્રવૃત્તિઓથી એટલા બધા પ્રભાવિત થતા ગયા કે તેમણે પણ સમય જતાં અમેરિકામાં બાંધકામની પ્રવૃત્તિઓમાંથી મળતી પોતાની અઢળક સંપત્તિનો ત્યાગ કર્યો અને પિતા-પુત્રની આ જોડી જાણે કે કુબેરના મુનીમ હોય એવી ઉચ્ચ ભાવનાથી કામ કરતા હોય છે. એવું કહેવાય છે કે રોજ સવારમાં તેઓ રૂપિયા એક લાખનું દાન કરતા હોય છે. ગાંધીજીની ટ્રસ્ટીશિપની ભાવના તેમણે તેમના જીવનમાં પૂરેપૂરી ઉતારી છે. ગુજરાત પાંજરાપોળ મહાજનના પ્રમુખ તરીકે દીપચંદભાઈએ પાંજરાપોળને પગભર કરવામાં સફળતા મેળવી છે. ગુજરાત પર જ્યારે જ્યારે દુષ્કાળ જેવી પ્રાકૃતિક આપદાઓ આવી છે ત્યારે ત્યારે દીપચંદભાઈએ માનવ અને પશુધનનું રક્ષણ કરવા માટે ઉદારતાથી સખાવત કરી છે. આ ઉપરાંત, ગૌમૂત્રનો ઉપયોગ કરી બનાવવામાં આવતી ઔષધિઓના ઉત્પાદનને તેમણે પ્રોત્સાહન આપ્યું છે. નિરક્ષરતાનિવારણ, દેરાસર કે દવાખાનાંઓની સ્થાપના કે તેનો વિસ્તાર જેવા કોઈ પણ સમાજઉપયોગી કાર્યો માટે તેઓ છૂટથી દાન આપતા હોય છે. સમગ્ર દેશમાં તેમના દાનનો પ્રવાહ વહેતો રહે તે માટે તેમણે શ્રી દીપચંદ એસ. ગારડી ચૅરિટેબલ ટ્રસ્ટ અને શ્રી દીપચંદ ગારડી રુરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટની સ્થાપના કરી છે. સાધનશુદ્ધિથી ધન મેળવવાના તથા સમાજસેવા માટે તે ઉદારતાથી આપવાના તેઓ આગ્રહી છે.
દીપચંદભાઈ અનેક ધાર્મિક, સામાજિક, શૈક્ષણિક અને આધ્યાત્મિક સંસ્થાઓના મોવડી છે; જેમાં ઑલ ઇન્ડિયા જૈન શ્વેતાંબર કૉન્ફરન્સ, ઋતુંભરા વિશ્વ વિદ્યાપીઠ (મુંબઈ), ગુજરાત મહાજન પાંજરાપોળ અને ગૌશાળા ફેડરેશન, પી.એન.આર. સોસાયટી ફૉર રિલીફ ઍન્ડ રિહૅબિલિટેશન ઑવ્ ડિસેબલ્ડ (ગુજરાત), ભગવાન મહાવીર મેમોરિયલ સમિતિ (નવી દિલ્હી), શ્રી મહાવીર જૈન વિદ્યાલય, ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, અમદાવાદ, અહિંસા રિસર્ચ ફાઉન્ડેશન, ચેન્નાઈ (તામિલનાડુ) જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેઓ ફાધર ઍગ્નેલ ટૅકનિકલ ઇન્સ્ટિટ્યૂટ, મુંબઈ; ઇન્ટરનેશનલ જૈન કૉંગ્રેસ, દિલ્હી; અહિંસા ઇન્ટરનેશનલ; શેઠ આણંદજી કલ્યાણજીની પેઢી; હરકિસનદાસ હૉસ્પિટલ, મુંબઈ; ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ જૈનૉલૉજી જેવી અનેક સંસ્થાઓની ગવર્નિંગ બૉડીના સભ્ય અથવા ટ્રસ્ટી છે. શ્રી દીપચંદભાઈને 19 ઑગસ્ટ 2004ના રોજ રાજીવ ગાંધી ઍવૉર્ડ મળ્યો હતો અને ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે 12 જાન્યુઆરી 2005ના રોજ ગુજરાત ગરિમા ઍવૉર્ડ, ઉપરાષ્ટ્રપતિ શ્રી ભૈરવસિંગ શેખાવતની ઉપસ્થિતિમાં પ્રાપ્ત થયો હતો.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે