ગાયકવાડ, શંકરરાવ
January, 2010
ગાયકવાડ, શંકરરાવ (જ. 8 ઑગસ્ટ 1881; અ. 11 માર્ચ 1971, પુણે) : ભારતના વિખ્યાત શરણાઈવાદક. પુણેના વતની. એમણે અક્કલકોટના પ્રસિદ્ધ ગાયક શિવભક્ત બુવા પાસેથી રાગદારી અને ગાયકીનું જ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. ત્યારબાદ શિવભક્ત બુવાએ તેમની પ્રતિભા પારખીને એમને સંગીતના વધુ શિક્ષણ માટે વિખ્યાત સંગીતકાર ભાસ્કર બુવા બખલે પાસે મોકલ્યા અને ત્યારપછી ભારતમાં હિંદુસ્તાની વાદ્ય સંગીતની દુનિયામાં શંકરરાવ ગાયકવાડે શરણાઈને પ્રથમ વાર વિશિષ્ટ સ્થાન અપાવ્યું.
જે જમાનામાં કર્કશ અવાજને કારણે શાસ્ત્રીય સંગીતમાં શરણાઈને નકારી કાઢવામાં આવતી હતી ત્યારે શરણાઈ પર શાસ્ત્રીય સંગીત રજૂ કરવાનો સફળ પ્રયોગ શંકરરાવે કર્યો. શરણાઈવાદન માટે દાંત અતિ આવશ્યક ગણાય છે અને દાંત વગર શરણાઈવાદન કરવું તદ્દન અસંભવિત છે; પરંતુ ગાયકવાડે પોતાના મુખમાં દાંત ન હોવા છતાં આ અસંભવિત વાતને સંભવિત કરી બતાવી અને આશરે 60 ઉપરાંત વર્ષો સુધી તેમના કાર્યક્રમો આકાશવાણી પરથી પ્રસારિત થતા રહ્યા. 1937માં હિઝ માસ્ટર્સ વૉઇસ (HMV) કંપનીએ તેમના શરણાઈવાદનની ગ્રામોફોન રેકૉર્ડ તૈયાર કરી હતી અને શાસ્ત્રીય વાદ્ય સંગીતની દુનિયામાં ભારે હલચલ મચાવી દીધી હતી.
ભારતનાં અનેક શાસ્ત્રીય સંગીત સંમેલનોમાં શરણાઈવાદન રજૂ કરીને તે સૌને મંત્રમુગ્ધ કરી દેતા હતા. નાગપુર સંગીત સંમેલનમાં એમને ભારતના મહાન સંગીતશાસ્ત્રજ્ઞની ઉપાધિથી વિભૂષિત કરવામાં આવ્યા હતા.
સંગીતનો વારસો એમના કુટુંબમાં બરાબર ઊતર્યો છે. શંકરરાવના જ્યેષ્ઠ પુત્ર કેશવરાવ પણ પોતાના પિતાની જેમ શરણાઈવાદનમાં પારંગત હતા. શંકરરાવના અન્ય બે પુત્રો પૈકી નાનાસાહેબ શરણાઈવાદનમાં નિપુણતા પામી ચૂક્યા છે, જ્યારે પંઢરીનાથ હાર્મોનિયમ અને વાયોલિન વગાડે છે.
રમેશ ઠાકર