ગાડગે મહારાજ, સંત (જ. 23 ફેબ્રુઆરી 1876, શેણગાંવ, જિ. અમરાવતી, મહારાષ્ટ્ર; અ. 2૦ ડિસેમ્બર 1956, પ્રવાસ દરમિયાન) : મહારાષ્ટ્રના અગ્રણી સંતપુરુષ અને સમાજસુધારક. ધોબી જ્ઞાતિમાં જન્મ. પિતાનું નામ ઝિંગરાજી અને માતાનું નામ સખુબાઈ. અટક જાણોરકર. મૂળ નામ ડેબુજી. તદ્દન નિરક્ષર, છતાં મરાઠી ભાષા સુબોધ અને પ્રભાવી. ખભા પર લટકાવેલો ફાટેલો કામળો અને હાથમાં નાનું માટીનું વાસણ (મરાઠીમાં ગાડગે) એ તેમની બાહ્ય ઓળખાણ. એટલે જ મહારાષ્ટ્રના જનમાનસમાં તેઓ ‘ગોધડે મહારાજ’ અને ‘ગાડગે મહારાજ’ – આ બે ઉપનામથી જાણીતા બન્યા હતા. 1912માં તેમના લગ્ન થયાં હતાં, પરંતુ ઘરસંસારમાં તેમને જરા પણ રસ ન હતો. યુવાવસ્થામાં તેમણે ધાર્મિક સ્થળોની યાત્રા કરી, જે દરમિયાન તેમને સર્વસામાન્ય લોકોમાં રહેલી અંધશ્રદ્ધા, અનિષ્ટ રીતરિવાજો અને અજ્ઞાનતાના દર્શન થયાં; જેનાથી દ્રવિત થઈ તેમણે લોકશિક્ષણ અને સમાજસેવાનાં વ્રત લીધાં.
નાનપણથી જ ઈશ્વરભક્તિની લગની લાગેલી. સ્વભાવે ધર્મસહિષ્ણુ અને પરોપકારી હોવાથી લોકશિક્ષણ અને સમાજકાર્યના ધ્યેયો હાંસલ કરવા માટે તેમણે હરિકીર્તનનું માધ્યમ સ્વીકાર્યું. સમગ્ર મહારાષ્ટ્ર અને કર્ણાટક તથા ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કીર્તન દ્વારા લોકજાગૃતિ કરી. તેઓ તેમનાં કીર્તનમાં ભગવાનભક્તિ કરતા પણ નૈતિક આચરણ, સ્વચ્છતા, સાદાઈ, કરકસર, પ્રામાણિકતા, ભૂતદયા, પરિશ્રમ જેવા સદગુણોની શિખામણ આપતા. તેમના કીર્તનમાં હજારો લોકો હાજર રહેતા અને તેમને ધન આપતા. તેઓ ભક્તોની સેવાચાકરી કરતા, ધાર્મિક સ્થળોના પરિસરમાં જાતે સ્વચ્છતા અભિયાન ચલાવતા; ગરીબોને અન્નધાન્ય, કપડાં, ઉપયોગી વસ્તુઓનું દાન આપતા; શિક્ષણ સંસ્થાઓ અને સમાજસેવી સંસ્થાઓને આર્થિક સહાય આપતા, ધર્મશાળા અને નદી પર ઘાટ બંધાવતા, ગોરક્ષણ સંસ્થાઓ ઊભી કરતા, જીવહત્યા સામે ઝુંબેશ ઉપાડતા. સંસારમાં રહીને સમાજસેવા દ્વારા ઈશ્વરભક્તિ કરી શકાય એવી તેમને શિખામણ હતી.
તેમની ઇચ્છા મુજબ તેમના અવસાન પછી કોઈ પણ સ્થળે તેમનું સ્મારક ઊભું કરવામાં આવેલું નથી. તેમના નામે મહારાષ્ટ્રમાં સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવે છે. તેમની સમાધિ અમરાવતી ખાતે છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે