ગંધક (ભૂસ્તર) : રા. બં. : S; સ્ફ. વ. : ઑર્થોરૉમ્બિક; સ્વ. : પિરામિડથી બંધાયેલા સ્ફટિક, જથ્થામય કે પોપડી સ્વરૂપ; રં. : પીળો, પરંતુ કેટલીક વખતે લાલાશ કે લીલાશ પડતો; સં. : પ્રિઝમ અને પિરામિડને સમાંતર; ચ. : રાળ જેવો; ચૂ. : પીળો; ક. : 1.5થી 2.5; વિ. ઘ. : 2.07; પ્રા. સ્થિ. : મૃત જ્વાળામુખીનાં મુખ તેમજ તિરાડોમાંથી મળી આવે છે. જ્વાળામુખીજન્ય વાયુઓની પ્રક્રિયા દ્વારા આ પ્રકારના ગંધકનિક્ષેપ એકત્રિત થાય છે. જાપાનમાં પ્રાચીન જ્વાળામુખ સરોવરમાંથી ગંધક ખોદી કાઢવામાં આવે છે. ગરમ પાણીના ઝરાની નિક્ષેપક્રિયાથી પણ ગંધક-જથ્થા ઉદભવે છે. દા. ત., વ્યોમિંગ, કૅલિફૉર્નિયા અને યૂટાના ગંધકનિક્ષેપો. વાણિજ્યર્દષ્ટિએ મહત્વના ગંધકનિક્ષેપોમાં ચિરોડી સાથે તે સ્તરરૂપે મળી આવે છે. આ પ્રકારની પ્રાપ્તિસ્થિતિવાળા ગંધક જથ્થા સાથે ચિરોડી, ઍરેગોનાઇટ, સિલેસ્ટાઇન અને ઘણી વાર પેટ્રોલિયમ રહેલાં હોય છે. અખાતી દેશોના ‘મીઠાના ઘૂમટો’ પર આ પ્રકારની ગંધકની પ્રાપ્તિસ્થિતિ રહેલી છે. સિસિલી, ટેક્સાસ અને લ્યુઇઝિયાનાના ગંધક નિક્ષેપો પણ સ્તર-રચનાવાળા છે. ઉ. : ગંધકનો તેજાબ, ગન પાઉડર, દારૂખાનું, દીવાસળી, જંતુનાશક દવાઓ, રબરઉદ્યોગ અને સલ્ફર ડાયૉક્સાઇડના ઉપયોગવાળી બ્લીચિંગ પ્રક્રિયામાં ગંધક વપરાય છે.
વ્રિજવિહારી દીનાનાથ દવે